Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

સમરસ કેર સેન્ટરમાં ૧૦ દિ'ની સારવાર બાદ કોરોનામુકત બન્યું સોલંકી દંપતિ

રાજકોટ : સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે દસ દિવસની સારવારના અંતે કોરોનામુકત બનેલાં સૂર્યકાંતભાઈ અને તેમનાં પત્ની સરલાબેને સમરસ સંકુલ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે,'મને ખૂબ જ નબળાય અને જરાક તાવ જેવું લાગતાં અમારા પરિવારના તમામ સભ્યોએ રેપીડ ટેસ્ટ કરાવ્યો અને મારો અને મારા પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ૬૦ વર્ષથી વધુ ઉંમર હોવાથી અમને બન્નેને ખૂબ નબળાઈ લાગતી. કોરોનાને કારણે શરીર એકદમ શિથિલ બની ગયું હતું. જરાક હલનચલન કરું તો જાણે પહાડ ચડી આવ્યો હોય એટલો થાક લાગતો હતો. પરંતુ સમરસ સંકુલ ખાતે ફરજ નિભાવતાં આરોગ્યકર્મીઓએ અમારા દીકરા-દીકરીની જેમ જ ધ્યાન રાખ્યું. જમવાથી લઈને દવા અને ઉકાળા સમયસર પહોંચતાં, દિવસમાં ૩-૪ વાર ચેકઅપ થતું સાથે જ અમારી સુવિધાઓ અને નાની-નાની બાબતોની ઝીણવટપૂર્વક કાળજી રાખવામાં આવતી હતી.'

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 'આરોગ્યકર્મીઓની દર્દીઓ પ્રત્યેની લાગણી અને ઋજુતા અમારાં હૃદયને સ્પર્શી ગઈ. અને આજે હવે અમે સ્વસ્થ છીયે તેનો સંપૂર્ણ શ્રેય સમરસના આરોગ્યકર્મીઓને ફાળે જાય છે. ત્યાં ફરજ બજાવતાં દરેક કર્મચારીને ઈશ્વર હંમેશા મદદ કરે તેવાં અમારા અંતરના આશીર્વાદ છે.'

આજે સોલંકી દંપતિની માફક કોરોનામુકત બનેલા અનેક લોકો આરોગ્યકર્મીઓની કપરી કામગીરીને બીરદાવી તેમને અંતરથી આશિષ પાઠવી  રહ્યા છે.

(1:06 pm IST)