Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રૈયાધારમાંથી રંગારો હિતેષ ઉર્ફ લાલો લુણીયાતર દેશી પિસ્તોલ સાથે પકડાયો

સાથે કામ કરતાં ભૈયાને લોકડાઉન વખતે સાચવવા આપ્યાનું રટણઃ અગાઉ મારામારી, દારૂના કેસમાં લાલાની સંડોવણીઃ યુનિવર્સિટી પોલીસના હરપાલસિંહ જાડેજા અને જયંતિગીરી ગોસ્વામીની બાતમી પરથી પકડી લેવાયો : પીએસઆઇ એ. બી. જાડેજાની ટીમને સફળતાઃ હરપાલસિંહ અને જયંતિભાઇની બાતમી

રાજકોટ તા. ૧૧: રૈયાધારમાંથી નાણાવટી ચોક ગાંધીગ્રામના યુવાનને યુનિવર્સિટી પોલીસની ટીમે દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડી લીધો છે.

નાણાવટી ચોક પાસે પરમેશ્વર સોસાયટી-૨ 'ખોડિયાર' મકાનમાં રહેતો હિતેષ ઉર્ફ લાલો ભુપતભાઇ લુણીયાતર (ઉ.વ.૩૩) નામનો ભીલ યુવાન રૈયાધાર રાણીમા રૂડીમા ચોક પાસે પિસ્તોલ સાથે આટાફેરા કરે છે તેવી બાતમી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનના હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા અને કોન્સ. જયંતિગીરી ગોસ્વામીને મળતાં ત્યાં પહોંચી તેને સકંજામાં લઇ તલાશી લેતાં દેશી બનાવટની પિસ્તોલ મળતાં આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પોલીસે કબ્જે કરેલી પિસ્તોલની કિંમત રૂ. ૧૦ હજાર ગણવામાં આવી છે. પકડાયેલા શખ્સ લાલો ઉર્ફ હિતેષની ગુનાખોરી અંગે તપાસ કરવામાં આવતાં તે અગાઉ મારામારીમાં અને દારૂ પીવાના કેસોમાં ગાંધીગ્રામ તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પકડાઇ ચુકયાનું સામે આવ્યું હતું. આ પિસ્તોલ કયાંથી લાવ્યો તે અંગેની પ્રાથમિક પુછતાછમાં તેણે એવું રટણ કર્યુ છે કે પોતે કલર કામ કરતો હોઇ સાથે કામ કરવા આવતાં ભૈયા શખ્સે લોકડાઉન વખતે પોતાને સાચવવા માટે આ પિસ્તોલ આપી હતી. હાલમાં એ શખ્સ તેના વતનમાં છે.

જો કે પોલીસને આ કેફીયત ગળે ઉતરતી ન હોઇ કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરી વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવામાં આવશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ યુનિ. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે. વી. ધોળા પીઆઇ આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએઅસાઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જે. જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. જયંતિગીરી ગોસ્વામી, મુકેશભાઇ ડાંગર અને કૃષ્ણદેવસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.

(12:52 pm IST)