Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સરકારની 'આફટર કેર' યોજના : રાજકોટના અનાથ બાળકને ૧૮ વર્ષ પૂર્ણ થતા કલેકટર દ્વારા ૭૮ હજારનો ચેક અપર્ણ

રાજકોટ તા.૧૨:  ભારત સરકારના જુવેનાઇલ જસ્ટીસ એકટ અન્વયે બાળ સંભાળ ગૃહમાં રહેતા અનાથ બાળક ૧૮ વર્ષ પૂર્ણ થયા બાદ આ યુવકના પુનઃસ્થાપન માટે ગુજરાત સરકાર દ્વારા 'આફટર કેર'યોજના અમલી બનાવાઇ છે. આ યોજના હેઠળ બાળકને ૧૮ થી ૨૧ વર્ષ સુધી પ્રતિ માસ રૂ.૬૦૦૦ માસિક સહાય ચૂકવવામાં આવે છે.

રાજકોટના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના પ્રકાશ જીતુભાઇ કોળી ૧૮ પૂર્ણ કરતાં તેઓને આ યોજના હેઠળ રાજયભરમાં સર્વ પ્રથમ કેસમાં રાજકોટ ખાતેની આફટર કેર કમિટિ દ્વારા આ સહાય મંજૂર કરવામાં આવી છે. જેના ભાગરૂપે કલેકટર શ્રી રેમ્યા મોહને  આ યુવકને રૂ. ૭૮ હજારની સહાયનો ચેક અર્પણ કર્યો હતો.

કલેકટર શ્રી રેમ્યા મોહને આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજયમાં સહાય કમિટી દ્વારા રાજકોટના આ યુવકને પ્રથમ સહાય મંજૂર કરાઇ છે. આ યોજના બાળ સંભાળ ગૃહના અનાથ બાળકોને પગભર થવા, ઉચ્ચ અભ્યાસ કરવા તેમજ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે ખૂબ ઉપયોગી થશે.  

આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલગીરી ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મિત્સુ વ્યાસ,  ચિલ્ડ્રન હોમ ફોર  બોયઝના અધિક્ષકશ્રી પંકજ દુધરેજિયા વગેરે ઉપસ્થિત રહયા હતા.

(9:56 am IST)