Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

૧૦થી ઓછા કર્મચારી ધરાવતી પેઢીને...

શોપ લાયસન્સની જરૂર નથી તેવી જાણ કરવા માટે મ.ન.પા.માં કોઇ વ્યવસ્થા નથી : વેપારીઓ ગોટે ચડયા

સરકારના જાહેરનામા મુજબ શોપ લાયસન્સની જરૂર નથી તેવી જાણ મ.ન.પા.માં વેપારીએ કરવી ફરજિયાત : કચેરીમાં કોઇ જવાબ દેતુ નથી : તંત્ર વ્યવસ્થા કરે તે જરૂરી

રાજકોટ તા. ૧૨ : રાજ્ય સરકારે ૧૦થી ઓછા કર્મચારી ધરાવતી પેઢીને શોપ લાયસન્સમાંથી મુકિત આપતુ જાહેરનામુ ગત વર્ષથી અમલી બનાવ્યું છે અને આ માટે મ.ન.પા.માં વેપારીએ જાણ કરવી પડે છે પરંતુ રાજકોટ મ.ન.પા.માં વેપારીએ જાણ કરવી પડે છે પરંતુ રાજકોટ મ.ન.પા.માં આવી કોઇ વ્યવસ્થા નહી હોવાથી અનેક વેપારીઓ આ બાબતે મુંઝવણમાં મુકાયા છે.

આ અંગેની વિગતો મુજબ તા. ૧.૫.૧૯થી ૧૦થી ઓછા કર્મચારીઓ ધરાવતા શોપ લાયસન્સ લેવામાંથી મુકતી, ફકત જાણ કરવાની.

ગુજરાત સરકારે તા. ૦૧.૦૫.૨૦૧૯ ના રોજ ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ કાયદો ૨૦૧૯ને નોટીફાય કરી દીધો છે. એટલે કે હવે આ કાયદો અમલમાં આવી ગયો છે. આ કાયદો ફેબ્રુઆરી-૧૯માં ગુજરાત વિધાનસભામાંપસાર કરવામાં આવ્યો હતો. અને તા. ૦૭.૦૩.૧૯થી ઓફીસીયલ ગેઝેટ દ્વારા લાગુ થયું હતું પંરંતુ તે બાબત નું નોટીફીકેશન બહાર પાડવાનું બાકી રહી ગયું હતું

ચુંટણી આચાર સહીતા હજુ લાગુ હોય પણ ગુજરાતમાં ચુંટણી પુરી થઈ જતા ચુંટણી પંચની મંજુરી લઈને આ બાબતનું નોટીફીકેશન ગુજરાત સ્થાપના દીવસે એટલે કે તા. ૧.૦૫.૨૦૧૯થી અમલમાં આવે તે રીતે બહાર પાડવામાં આવ્યું છે.

આ એકટ મુજબ હવે જો આપના પ્રીમાઈસીસ માં ૧૦ થી ઓછા કર્મચારી હોય તો તેને શોપ એકટનું લાયસન્સ લેવાની જરુરીયાત રહેતી નથી. આ કાયદા ની કલમ સેકશન ૭ મુજબ ફકત લોકલ ઓથોરીટી ને ઓનલાઈન જાણ કરવાની રહે છે. આ નો નીયત નવો નમુનો હજુ વેબસાઈટ ઉપર આવેલ નથી. આ બધી પ્રોસેસ https://enagar.gujarat. gov.inની વેબસાઈટ ઉપર એકાઉન્ટ બનાવીને કરવાની રહે છે. આ જાણ ફકત એક ડીકલેરેશન સ્વરુપમાં કરવાની આવશે. આ કાયદાની જોગવાઈ મુજબ હવે આવા નાના વેપાર કરનાર પર એટલે કે ૧૦થી ઓછા કર્મચારી ધરાવતા બીઝનેસ પર કોઈ પણ પ્રકારનું ચેકીંગ પણ થતું નથી.

ઉપરાંત જો ૧૦ કે ૧૦થી વધુ કર્મચારી હોય તો તેમને ફકત એક વખત જ રજીસ્ટ્રર્ડ થવાનું રહે છે અને દર વર્ષે રીન્યુઅલ કરાવામાં થી છુટ આપવામાં આવેલ છે. હાલ જે વેપારીઓ રજીસ્ટ્રર્ડ છે અને હાલમાં જે લાયસન્સ આપવામાં આવેલ છે તેની મુદત પુરી થયે નવી સીસ્ટમ લાગુ પડે છે. આ વેપારીઓની બહુ લાંબાસમયની માંગણી હતી જે હવે પુરી થયેલ છે અને નાના વેપારીઓ સરળતા થી વેપાર કરી શકે તેના માટેનું એક પગલું છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્રભાઈ તન્નાના જણાવ્યા અનુસાર આનાથી ગુજરાતના ૯૫ ટકા વેપારીઓને આ કાયદાની પ્રોવીઝનથી મુકતી મળી છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા GCCIના સમર્થનથી કરવામાં લાંબા સમયની માંગને સરકારે સ્વીકારીને ૯ વ્યકિત સુધીના કર્મચારીઓ ધરાવતા વેપારીઓ અને ધંધાદારી એકમોને ગુમાસ્તા કાયદાના લાયસન્સમાંથી મુકિત આપવામાં આવેલ છે. જયુભાઇ તન્નાના જણાવ્યા અનુસાર આ ખુબજ મહત્વની ઘટના છે. વેપારી સમાજની હાડમારી અને હાલાકી દૂર થશે સાચા અર્થમાં ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસની પોલીસીનો અમલ છે.

આમ, હવે મ.ન.પા. એ આ બાબતની વ્યવસ્થા કરવા વેપારીઓમાં માંગ ઉઠવા પામી છે.

(2:28 pm IST)