Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પોલીસને દંડમાં જ રસ હતો?...છેક હવે મોટી ટાંકી ચોકમાં સર્કલ ફરીને જવું તેવું બોર્ડ મુકાયું

૧૫૦૦-૧૫૦૦ના આઠ મેમો મેળવનારા જાગનાથ પ્લોટના રહેવાસી ચિરાગભાઇ માંકડે વ્યથા ઠાલવી : કેમેરા મુકાયા પછી જ આ દંડ લેવાનું સુઝયું?...વર્ષોથી સર્કલ ફર્યા વગર જ વાહનો ચાલતા હતાં, ત્યારે કોઇને દંડ નહોતો થતો

રાજકોટઃ શહેરના કાઠીયાવાડ જીમખાનાથી મોટી ટાંકી ચોક થઇ લીમડા ચોકમાં જનારા વાહનો અનેક વર્ષોથી સીધા જમણી તરફ વળી જતાં હતાં. રોજ અહિથી પસાર થતાં વાહનચાલકોને આ ટેવ પડી ગઇ હતી. નિયમ મુજબ આ વાહન ચાલકોને જો લીમડા ચોક જવું હોય તો ડાબી તરફ આવતું સર્કલ ફરીને પછી જવાનું હતું. પરંતુ આવું થતું નહોતું. આ કારણે ઘણીવાર અકસ્માતો પણ સર્જાતા રહેતાં હતાં. વર્ષોથી વાહનચાલકો પોતાની આદત મુજબ જીમખાના રોડથી મોટી ટાંકી  ચોક પહોંચી લીમડા ચોક જવા જમણી તરફ વળી જતાં હતાં. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આવું કરનારા વાહન ચાલકોને ધડાધડ ઇ-મેમો મળવાનું ચાલુ થઇ જતાં દેકારો બોલી ગયો હતો. રોજબરોજ આ રીતે જમણી બાજુ ટેવ મુજબ વળી જતાં અનેક વાહન ચાલકોને ટુવ્હીલરના રૂ. ૧૫૦૦ અને ફોરવ્હીલરના રૂ. ૩૦૦૦ લેખે રોંગ લેન (ખોટા રસ્તે) વાહન ચલાવવા બદલ દંડ ફટકારવાનું શરૂ થયું હતું. મોટી ટાંકી ચોકમાં આવેલા કોમ્પલેક્ષમાં જુદી-જુદી ઓફિસોમાં કામ કરતાં અને મહિને પાંચ-સાત હજારનો પગાર ધરાવતાં નાના કર્મચારીઓને તો લાગલગાટ છ-છ કે એથી પણ વધુ ૧૫૦૦-૧૫૦૦ના ઇ-મેમો મળી જતાં તેની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતાં. કોઇપણ જાતની જાણકારી વગર અને કોઇપણ જાતના સુચનના બોર્ડ મુકયા વગર મોટી ટાંકી ચોકના કેમેરા ચાલુ કરી દઇ તેના મારફત પોલીસે દંડ વસુલવાનું ચાલુ કરી દીધું હતું. અગાઉ પણ આ મામલે ભારે ઉહાપોહ થયો હતો. ત્યારે પણ ચોકમાં જમણી બાજુ વળવાની મનાઇ છે એવા સુચના બોર્ડ મુકવાની અથવા વોર્ડન કે બીજા કર્મચારીને અહિ ઉભા રાખી લોકોને સર્કલ ફરવા જવાની ટેવ પાડવા સમજાવે તેવી માંગણી થઇ હતી. પરંતુ લાખોનો દંડ વસુલી લીધા પછી હવે 'જમણી તરફ જવા માટે સર્કલ ફરીને જવું' એવું સુચના આપતું બોર્ડ મુકાયું છે. અત્યાર સુધી પોલીસને દંડ વસુલવામાં જ રસ હતો?...આવો અણિયારો સવાલ જાગનાથ પ્લોટ-૧/૭માં સ્વાતિ એમાં રહેતાં ચિરાગભાઇ માંકડે કર્યો છે અને ઉકળાટ ઠાલવતી રજૂઆત કરી છે. તેમને પોતાને પણ રોંગ લેનના આઠથી વધુ ઇ-મેમો મળી ચુકયા છે.

ચિરાગભાઇએ જણાવ્યું છે કે વર્ષોથી લોકો એક જ રસ્તેથી ચાલતાં હોય તેને અચાનક જ ઇ-મેમો મળવા માંડે અને એ પણ કોઇ જાણ વગર તો એ કયાંનો ન્યાય ગણાય. પોલીસે જો કે હવે બે દિવસ પહેલા જ મોટી ટાંકી ચોકમાં સુચના આપતું બોર્ડ મુકયું છે. અત્યાર સુધી પોલીસને માત્ર દંડ વસુલવામાં જ રસ હોય તેવું આના પરથી જણાય છે. તેઓ આગળ કહે છે કે મેં તપાસ કરતાં મોટી ટાંકી ચોક મહારાષ્ટ્ર મંડળવાળા બિલ્ડીંગમાં પાંચસોથી છસ્સો જણાને રોંગ લેનના ઇ-મેમો મળી ચુકયા છે. આ કોઇને પણ એ ખબર નહોતી કે કેમેરાથી રોંગ લેનના ફોટા પડાય છે. મેં પોલીસને રજૂઆત કરતાં તેમણે મને સાંભળવાને બદલે કહેુ કે કેમેરા એકટીવેટ થઇ ગયા છે, હવે નિયમોનું પાલન કરજો. પાલન કરવાની ના નથી, પરંતુ ખબર તો હોવી જોઇએ કે નહિ? અહિ કેમેરા નહોતાં ત્યાં સુધી પોલીસ કેમ દંડ વસુલતી નહોતી, કેમ કોઇ ટ્રાફિકમેન ઉભા રહીને જમણી બાજુ વળવાની ના નહોતા પાડતાં? કેમેરા જાણે દંડ વસુલવા માટે જ મુકયા હોય તેવું જણાય છે. તેમ ચિરાગભાઇ દિલીપભાઇ માંકડે રોષ પુર્વક જણાવ્યું હતું. જો કે હવે સુચનાનું બોર્ડ મુકાઇ ગયું હોઇ બીજા વાહન ચાલકો રોંગ લેનમાં જતાં અને દંડનો ડામ ખાતા બચશે. તસ્વીરમાં મોટી ટાંકીનું સર્કલ અને સર્કલ ફરીને જવાની સુચના આપતું બોર્ડ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:59 pm IST)