Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

નવો નુસ્ખોઃ શેમ્પુના કેરબામાં બોટલો છુપાવી હેરફેરઃ ક્રાઇમ બ્રાંચે ૪૭ હજારનો દારૂ પકડ્યો

ગોંડલ રોડ ચોકડીએ વિનાયક ટ્રાવેલ્સમાં આવેલા પાર્સલના કેરબાઓને તણીથી કાપી ૯૩ બોટલ કબ્જેઃ હસીમ પરમાર નામના શખ્સે ભીલવાડથી પાર્સલ મંગાવ્યું હતું : ચેતનસિંહ ગોહિલ અને મહિપાલસિંહ ઝાલાની બાતમી પરથી બી. જે. જાડેજાનો દરોડો

રાજકોટ તા. ૧૨: બુટલેગરો નવા-નવા નુસ્ખા શોધી દારૂની હેરફેર કરતાં હોય છે. વધુ એક નુસ્ખો સામે આવ્યો છે. રાજકોટના હસીમ હનીફભાઇ પરમાર નામના શખ્સે ભીલવાડથી શેમ્પુના કેરબા મંગાવ્યા હતાં. પરંતુ આ શેમ્પુના કેરબા અંદર દારૂની બોટલો છુપાવાઇ હોવાની ચોક્કસ બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે તપાસ કરી કેરબા તણીથી કાપી અંદરથી રૂ. ૪૭૫૨૦નો ૯૩ બોટલ દારૂ કબ્જે કરી હસીમની શોધખોળ હાથ ધરી છે.

ડીસીબીના ચેતનસિંહ આર. ગોહિલ, મહિપાલસિંહ ડી. ઝાલાને બાતમી મળતાં પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં એએસઆઇ બી. જે. જાડેજા સહિતે ગોંડલ રોડ ચોકડીએ વિનાયક ટ્રાવેલ્સની ઓફિસે પહોંચી હસીમે મંગાવેલા શેમ્પુના પાર્સલના કેરબા ચેક કરતાં શેમ્પુ જ જોવા મળ્યું હતું. પરંતુ દારૂની બાતમી હોઇ વિશેષ તપાસ કરતાં કેરબાઓમાં ખાંચા કરી અંદર બોટલો છુપાવી સીલ કરી દેવાયાનું જણાતાં તપાસ કરતાં સાત પ્લાસ્ટીકના કેરબામાંથી દારૂની ૯૩ બોટલો મળી આવતાં કબ્જે કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં આ કામગીરી થઇ હતી. બી. જે. જાડેજા વધુ તપાસ કરે છે.

(3:31 pm IST)