Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

કોઠારીયા સોલવન્ટ પાસે થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ,તા.૧૩ : શહેરના ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ નજીક ફાટક પાસે ભરવાડ યુવાનની હત્યાના ગુન્હામાં પકડાયેલ ગુજરનારની પત્નીના પ્રેમી મયુર ચાવડીયાના જામીન સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ ફરીયાદની હકીકત એવી છે કે, શહેરના ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ નજીક મચ્છોનગર શેરી નં.રમાં રહેતા પરેશ નાથાભાઈ ગોહેલની દારૂ પીવાની ટેવથી કંટાળી તેની પત્ની કિરણે પોતાના પ્રેમી મયુર ચંદુભાઈ ચાવડીયા સાથે મળી તા.૦૮/૧૧/૨૦૧૯ ના રોજ મરણજનાર એકલો કોઠારીયા સોલવન્ટથી રસલપરા તરફ જતો હતો ત્યારે આરોપી મયુરે મરણજનારને પોતાના મોટરસાયકલમાં બેસાડી રામેશ્વર રેસીડેન્સીના ખુલ્લા પ્લોટમાં લઈ જઈ મરણજનારને સ્કુટર ઉપરથી ધકકો મારી નીચે પછાડી મરણજનાર ઉપર બેસી જઈ મોઢા ઉપર લુંગીથી ગળાટુંપો દઈ હત્યા નીપજાવ્યાની ઘટનાની ફરીયાદ મરણજનારના ભાઈ કાળુ નાથાભાઈ ગોહેલે આજીડેમ પોલીસ મથકે નોંધાવેલ હતી.

એફ.આઈ.આર. નોંધાતા આજીડેમ પોલીસ દ્વારા તપાસ આરંભી આરોપીઓ (૧) કિરણબેન પરેશભાઈ ગોહેલ રહે. કોઠારીયા સોલવન્ટ, મચ્છોનગર શેરી નં.૨, રાજકોટ (૨) મયુર ચંદુભાઈ ચાવડીયા રહે. પ્રહલાદ પ્લોટ શેરી નં.૩પ, કેનાલ રોડ, રાજકોટની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરતા આરોપી મયુર ચંદુભાઈ ચાવડીયાએ તેના એડવોકેટ તુષાર ગોકાણી મારફત સેશન્સ કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી દાખલ કરી હતી

બન્ને પક્ષકારોની વિસ્તૃત દલીલોના અંતે અદાલતે પોતાના ચુકાદામાં બચાવપક્ષ દ્વારા થયેલ દલીલો માન્ય રાખી નોંધ્યુ હતું કે એફ.આઈ.આર.માં આરોપીનું શકદાર તરીકે નામ આપવામાં આવેલ નથી અને ચાર્જશીટમાં દર્શાવેલ કોઈપણ સાહેદ હાલના આરોપીને ગુજરનાર સાથે સીધો કે આડકતરો સંબંધ હોય તેવુ જણાવતા નથી તેમજ પ્રોસીકયુસન પ્રેમસંબંધની સ્ટોરી રજૂ કરે છે તેને સમર્થન કરતા લેશમાત્ર પરાવો ચાર્જશીટમાં મોજુદ નથી ત્યારે સંપૂર્ણ કેસ માત્ર સાંયોગીક પુરાવા આધારીત હોય અને આરોપી મયુરે ગજરનારને ગળેટુંપો દીધાને કોઈ સીધા પુરાવા ન હોય તેથી આરોપીને વધારે સમય જેલમાં ન રાખી નિયમીત પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવા અને રાજકોટ શહેરની હદ ન છોડવાની શરતે જામીન મુકત કરવાનો આદેશ કરેલ હતો.

આ કામમાં આરોપી મયુર ચંદુભાઈ ચાવડીયા વતી જાણીતા એડવોકેટશ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ગૌરાંગ ગોકાણી, હાર્દિક શેઠ, અંશ ભારદ્વાજ, ક્રિષ્ના ગોર, હર્ષ ભીમાણી, જશપાલસિંહ જાડેજા રોકાયેલ હતા.

(2:42 pm IST)