Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

તલાટીઓને સોગંદનામા કરવાનો અધિકાર આપતો નિર્ણય પાછો ખેંચવા રાજકોટ બાર એસોસીએશનનો ઠરાવ

પ્રમુખ બકુલ રાજાણી સહિતના હોદ્દેદારો સરકારને ઠરાવની નકલ મોકલશે

રાજકોટ, તા. ૧૩ :  રાજકોટ બાર એસોસીએશન દ્વારા રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખશ્રી બકુલભાઇ વી. રાજાણીના અધ્યક્ષ સ્થાને તા. ૯-૧૦-ર૦ર૦ના રોજ કારોબારી કમીટીની મીટીંગ મળેલ હતી. જેમાં નીચે મુજબનો ઠરાવ સર્વાનુમતે તથા સર્વ સંમતિથી કરવામાં આવેલ છે.

 

તાજેતરમાં ગુજરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ ગામ પંચાયતના ડીઝીટલ સેવા હેતુ યોજના અંગર્તત તલાટીઓ તાલુકા લેવલ ઉપર અલગ અલગ પ્રકારના એફીડેવીટ કરવાની સતા આપવામાં આવેલ અને જે માન્ય પણ ગણવામાં આવશે. ગુજરાત સરકારશ્રીએ ક્રમાક પી.એસ.આર. ૧૦/ર૦ર૦/૧૮૮ર/ખ તા. ૬-૧૦-ર૦ર૦ના રોજથી ગુજરાત સરકારશ્રીએ આ પ્રકારની જાહેરાત કરેલ છે.

સદરહું ગુજરાત સરકારના આ નિર્ણયનો રાજકોટ બાર એશોસીએશન વિરોધ નોંધાવે છે જે સોગંદનામા કરવાની સતા કોઇપણ એડવોકેટને પોતાની વકીલાત પ્રેકટીસ ના ૧૦ વર્ષ પૂર્ણ થયે નોટરી એડવોકેટની સનદ આપવામાં આવે છે તે જ સતા ધોરણ-૧ર પાસે તલાટીશ્રીઓ કે જેની ઉમર પણ નાની હોય છે અને અનુભવ પણ હોતો નથી. તે તલાટીશ્રીઓને સીધુ જ અલગ અલગ પ્રકારના એફીડેવીટ કરવાની સતા આપવામાં આવેલ તે યોગ્ય નથી રાજકોટ બારએ સરકારશ્રીનો જો આ નિર્ણય પરત લેવામાં નહી આવે તો ભવિષ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેવું સર્વાનુમતે ઠરાવવામાં આવે છે. તથા વધુમાં ઠરાવવામાં આવે છે કે આ ઠરાવની નકલ મુખ્યમંત્રી ચેરમેન શ્રી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને મોકલવી.

આ ઠરાવને રાજકોટ બાર એશોસીએશનના (પ્રમુખ) બકુલભાઇ વિ. રાજાણી (ઉપપ્રમુખ) ઇન્દ્રસિંહ ઝાલા (સેક્રેટરી), ડો. જીજ્ઞેશભાઇ જોશી (જોઇન્ટ સેક્રેટરી) કેતનભાઇ દવે (ટ્રેઝરર) રક્ષીતભાઇ કલોલા (લાયબ્રેરી સેક્રટરી) સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્ય શ્રી અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, ધવલભાઇ મહેતા, પીયુષભાઇ સખીયા, વિજયભાઇ રૈયાણી, પંકજભાઇ દોગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય, કૈલાશભાઇ જાની, રેખાબેન તુવાર સમર્થન આપવામાં આવેલ છે.

(2:44 pm IST)