Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

રેલનગરમાં ૫૫ મકાન-દુકાનોનું ડિમોલીશન

સંતોષીનગર વિસ્તારમાં ૨૪મી. રોડ પર ખડકાયેલ ૩૯ કાચા-પાકા મકાન, ૧૬ દુકાન તથા ૧ ધાર્મિક ડેરી તોડી દબાણ હટાવી ૨૪મી. નો રોડ ખુલ્લો કરાયોઃ ચુસ્ત વિજીલન્સ પોલીસ બંદોબસ્ત : લોકોનાં ટોળે ટોળા

રેલનગર વિસ્તારમાં સંતોષીનગરમાંથી પસાર થતા રોડ પર ખડકી દેવાયેલ ગેરકાયદે બાંધકામોનું આજે સવારે હાથ ધરાયેલ તે વખતની તસ્વીરો. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ,તા.૧૩: મ્યુ.કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે વોર્ડ નં.૩નાં રેલનગરમાં સંતોષી નગર વિસ્તારમાં ૨૪મી.રોડ પર ખડકાયેલ ૩૯ કાચા-પાકા મકાન અને ૧૬ દુકાનોનો તોડી દબાણ હટાવાયા હતા.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિશનર ઉદિત અગ્રવાલની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર શ્રી એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા. ૧૩-૧-૨૦૨૧ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. ૩માં ટી.પી. સ્કીમ નં. ૧૯ (રાજકોટ) અને ૨૩ (રાજકોટ) જે સરકારશ્રી દ્વારા પ્રારંભિક મંજુર કરાયેલ છે તે પૈકીનો રેલનગર વિસ્તારમાં પાણી ટાંકા - ફાયર બ્રિગેડ પાસે આવેલ સંતોષીનગર વિસ્તારમાંથી પસાર થતા અને મોરબી રોડને જોડતા ૨૪ મી. ટી.પી. રોડ પર આવેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને રોડની લાઇનદોરીમાં આવતે ૩૯-મકાન, ૧૬-દુકાન તથા ૧-ધાર્મિક બાંધકામનું દબાણ દૂર કરી, રસ્તા પૈકીની અંદાજે ૧૧૦૭ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોનનો તમામ સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત દબાણ હટાવ શાખા, રોશની શાખા, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ તેમજ બાંધકામ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ તથા રાજકોટ શહેર પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.  નોંધનિય છે કે, વહેલી સવારથી ડીમોલીશન શરૂ થતાં જ અસરગ્રસ્તોમાં દોડધામ મચી ગઇ હતી. માથાકુટ રકઝકના દ્રશ્યો સર્જાયા હતા. રસ્તામાં આવતા મકાનોમાં અંદાજે ૬ થી ૧૦ ફુટ જેટલા દબાણવાળા બાંધકામોનો ભૂક્કો તંત્રએ બોલાવી દીધો હતો.

(3:41 pm IST)