Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

શરૂઆતના દિવસોમાં સાડાઆઠ, નવ સુધી ચલાવ્યું હતું: આજથી આઠ પછી કારણ વગર નીકળ્યા તો કડક કાર્યવાહી

કર્ફયુ એટલે ઘરમાં જ રહેવાનું: બહાર ડેલીએ બેસશો તો પણ કાર્યવાહીઃ સંક્રમણ અટકાવવા શહેરીજનો સહકાર આપેઃ પોલીસ કમિશનર અગ્રવાલ

રાત્રે ખુદ મનોજ અગ્રવાલે પેટ્રોલીંગ કર્યુ અને અલગ અલગ માર્ગો પર બંદોબસ્તમાં રહેલા અધિકારીઓ-સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યું: લોકોને અનુરોધ-પોલીસ પોતાની ચિંતા વગર રાતભર ખડેપગે રહે છે, તેને સહકાર આપોઃ કારણ વગર બહાર ન જ નીકળોઃ દિવસે પણ માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાળો : સંક્રમણ બેફામ વધ્યું છે છતાં લોકો ગંભીર નથી બનતાં અને બહાર નીકળી પડે છેઃ રાતે વોકીંગમાં નીકળેલા ૧૫ પકડાયાઃ અમુકને ઘર બહારથી પણ પકડીને કેસ કરાયા : મંગળવાર સાંજથી બુધવાર સવાર સુધીમાં કર્ફયુ ભંગના ૧૧૨ કેસ નોંધાયાઃ ઘરની બહાર બેઠા હોય તેવા ૧૧ની સામે ગુનો નોંધી કાર્યવાહી

રાજકોટ તા. ૧૪: વૈશ્વિક મહામારી કોરોનાના કેસ ફરીથી બેફામ વધી રહ્યા છે. રાજ્ય સરકારે સંક્રમણ કાબુમાં લેવા કમર કસી છે અને એ અંતર્ગત વીસ શહેરોમાં સાંજના આઠથી સવારના છ સુધી કર્ફયુ અમલી બનાવ્યો છે. શહેર પોલીસ નવા આદેશ અનુસાર સાંજના આઠથી કર્ફયુનો અમલ કરાવી રહી છે. જો કે પ્રારંભના દિવસોમાં લોકો આઠને બદલે સાડા આઠ કે નવ કે એથી પણ મોડા કામધંધા, નોકરીના સ્થળેથી કે બીજા કામેથી નીકળતાં હોઇ પોલીસે જતું કરીને હવે પછી નિયમોનું પાલન કરવા સુચના આપી જવા દીધા હતાં. પરંતુ આજથી શહેર પોલીસ સાંજના આઠના કર્ફયુનો કડક અમલ કરાવશે. મહામારી વધતા કેસના રાજ્ય સરકારે સાંજે આઠ પછી કર્ફયુ અમલી બનાવાયો છે. તેનો કડક અમલ થઇ રહ્યો છે તેનું નિરીક્ષણ કરવા નાઇટ પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં. પ્રારંભે સાડાઆઠ નવ જવા દીધા, હવે અપીલ અનુરોધ કે હવે તમામ અધિકારી સ્ટાફ અમલ કરાવે છે. આઠ પછી કોઇપણ બહાર નીકળશે તો કર્ફયુની કાયદેસરની કાર્યવાહી થશે. શ્રી અગ્રવાલે જણાવ્યું છે કે કર્ફયુ એટલે ઘરમાં જ રહેવાનું. ઘરની બહાર ડેલીએ ઉભા રહીએ તો એ પણ કર્ફયુનો ભંગ થયો ગણાય છે. આજથી પોલીસ વધુ કડક અમલ કરાવવા કટીબધ્ધ બની છે.

શ્રી અગ્રવાલ જાતે ગત રાતે પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં અને શહેરના અલગ અલગ મુખ્ય ચાર રસ્તાઓ તથા બીજા વિસ્તારોમાં ફરીને કર્ફયુનો કડક અમલ થાય છે કે કેમ? તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે હું અડધો કલાક કર્ફયુના સમયમાં બહાર હતો ત્યારે પણ પંદરેક લોકો કારણ વગર ઘર બહાર નીકળેલા, વોકીંગ કરતાં મળી આવ્યા હતાં. જેની પાસે કોઇ ચોક્કસ કારણ ન હોઇ કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો. લોકો કર્ફયુનો અર્થ સારી રીતે સમજતા નથી. કર્ફયુ એટલે ફરજીયાત લોકોએ પોતપોતાના ઘરની અંદર જ રહેવું. લોકોને અનુરોધ કરતાં તેમણે કહ્યું છે કે-મહેરબાની કરીને કારણ વગર બહાર ન નીકળો. ત્રણ હજારથી વધુનો પોલીસ સ્ટાફ અને અધિકારીઓ સતત પોતાની ચિંતા વગર રાતભર  ખડેપગે કર્ફ્યુનો અમલ કરાવી રહ્યા છે, શહેરીજનોએ તેમને સહકાર આપવો જરૂરી છે. આજથી આ સ્ટાફને સ્પષ્ટ સુચના અપાઇ છે કે કોઇપણ બીનજરૂરી કારણ વગર બહાર નીકળે તો કાયદેસરની કાર્યવાહી કરવી. ઉચ્ચ કક્ષાના અધિકારીને કારણ વાજબી લાગશે તો જ છુટ મળશે અન્યથા કાર્યવાહી કરવામાં આવશે.

શ્રી અગ્રવાલે વધુમાં કહ્યું હતું દિવસે પણ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સંક્રમણ ન ફેલાય તે માટેના પગલા લેવા સતત કાર્યરત રહે છે. અનેક માણસો ભીડ એકઠી કરતાં, માસ્ક વગરના, જાહેરમાં થુંકતા મળી આવે છે તેની સામે દરરોજ ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવે છે. મ્યુ. કોર્પોરેશન દ્વારા જે એરિયાને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે તેમાંપણ પોલીસ સતત તપાસ કરતી રહે છે. માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી  બહાર નીકળી કાયદાનો ભંગ કરવાના પાંત્રીસથી વધુ કેસ દાખલ થયા છે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં જે લોકો હોય તેમણે પોલીસની સેફ રાજકોટ એપ ડાઉનલોડ કરીને પોતાની હાજરી દર ચાર-છ કલાકે ઘરમાંથી ફોટો પાડીને મોકલવાની રહેશે. પોલીસ તપાસમાં આવા જે લોકો ઘરે નહિ મળે તેની સામે કાર્યવાહી થશે. આજથી કાયદામાં જરાય ઢીલાશ નહિ ચલાવાય. રાજકોટને કોરોનામાંથી બહાર કાઢવા, સંક્રમણ અટકાવવા જે પણ કડક પગલા લેવા પડશે એ વહિવટી લેતું આવ્યું છે અને લેશે.

દરમિયાન ગત સાંજથી એટલે કે મંગળવાર સાંજના આઠથી આજ બુધવાર સવારના છ સુધીમાં શહેર પોલીસના તમામ પોલીસ સ્ટેશનોના ઇન્ચાર્જ અને તેમની ટીમો દ્વારા  શહેરભરમાં કર્ફયુ ભંગના કુલ ૧૧૨ કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં ઘરની બહાર ડેલીએ બેઠા હોય તેવા ૧૧ કેસ પણ સામેલ છે. હવેથી પોલીસ આ રીતે જ કર્ફયુનો કડક અમલ કરાવશે. તસ્વીરમાં ગત રાતે પોલીસ કમિશનરશ્રી તથા બીજા અધિકારીઓ પેટ્રોલીંગમાં નીકળ્યા ત્યારના દ્રશ્યો જોઇ શકાય છે.

(12:45 pm IST)