Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

આ મહિને કોઇપણ તહેવારો જાહેરમાં ઉજવવા પર પ્રતિબંધઃ ધાર્મિક સ્થાનો ૩૦મી સુધી બંધ રાખવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સલાહ

લગ્નમાં ૫૦થી વધુ ભેગા નહિ કરવાનાઃ કર્ફયુ સમયમાં લગ્ન સમારંભ યોજવો નહિઃ મૃત્યુ બાદની અંતિમવિધી-ક્રિયામાં ૫૦થી વધુ લોકોને એકઠા ન કરવા : પુજાવિધીમાં સંચાલકો-પૂજારીઓ મર્યાદિત લોકોને હાજર રાખે તેવી પણ સલાહઃ શ્રધ્ધાળુઓ હાલ પુરતા ધર્મસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન કરવા ન આવે તે માટે સંચાલકોએ નિર્ણય કરવોઃ રાજકિય-સામાજીક કાર્યક્રમોઃ સત્કાર સમારંભો-જન્મદિનની ઉજવણી અને મેળાવડા પર પ્રતિબંધ

રાજકોટ તા. ૧૪: શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે કોવિડ-૧૯ અંતર્ગતના અગાઉના જાહેરનામામાં સુધારા કરી ફરીથી અમલી બનાવ્યું છે. સરકારની માર્ગદર્શિકા મુજબ હાઇકોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારના ગૃહ વિભાગે સાંજના આઠથી સવારના છ સુધી કર્ફયુ અમલી બનાવાયો હોઇ અનલોક-૧૧નું જાહેરનામુ સુધારા સાથે બહાર પાડ્યું છે. તે મુજબ લગ્ન સમારંભ ખુલ્લી કે બંધ જગ્યાએ યોજાય તો ૫૦થી વધુ લોકો એકઠા થઇ શકશે નહિ. રાત્રી કર્ફયુના સમયમાં લગ્ન સમારંભ યોજી શકાશે નહિ. મૃત્યુના કિસ્સામાં અંતિમવિધી-ઉત્તરક્રિયામાં ૫૦થી વધુ લોકો એકઠા કરી શકાશે નહિ. હાલના એપ્રિલ મહિનામાં આવતાં કોઇપણ ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહિ. લોકોએ જાહેરમાં એકત્રીત થવું નહિ અને ઘરમાં કુટુંબ સાથે જ ઉજવણી કરવાની રહેશે.

પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે શહરેના તમામ ધાર્મિકસ્થાનો ૩૦/૪/૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા માટે પણ સલાહ આપી છે. તેમજ ધાર્મિકસ્થાનો ખાતે થતી દૈનિક પુજા-વિધી સંચાલકો અને પૂજારીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે થાય તે જોવા પણ સલાહ આપી છે. આ ઉપરાંત ધાર્મિકસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ન આવે તે માટે મંદિરના સંચાલકોએ સુનિશ્ચિત નિર્ણય કરવા જણાવાયું છે. જાહેરમાં રાજકીય-સામાજીક-ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભો, જન્મદિવસની ઉજવણીઓ કરવા પર કે મેળાવડા કરવા ઉપર પણ સંપુર્ણ પ્રતિબંધ મુકાયો છે. સરકારી, અર્ધસરકારી બોર્ડ, કોર્પોરેશન, તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી ૫૦ ટકા સુધી રાખવાની અથવા એકાંતરા દિવસે કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.

આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહિ. અન્ય તમામ નિયમો અગાઉના ૭/૪ના જાહેરનામા મુજબના યથાવત રહેશે. તમામે જોગવાઇઓ અને એસઓપીનું પાલન કરવાનું રહેશે. આ જાહરેનામાનો ભંગ કરનારા સામે કલમ ૧૮૮ તથા જીપીએકટ ૧૩૫ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમ વધુમાં શ્રી અગ્રવાલે જણાવ્યું છે.

(11:46 am IST)