Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

માનવ ગૌરવના ઉદ્ગાતાઃ ડો. બાબાસાહેબ આંબેડકર

ડો. ભીમરાવ રામજી આંબેડકરનો પ્રાદુર્ભાવ તા. ૧૪-૪-૧૮૯૧ના મંગલદિને મધ્યપ્રદેશના ઈન્દોર શહેર નજીક મહુ ગામે એકદમ સામાન્ય પરિવારમાં રાત્રે ૧૨ વાગ્યે થયો હતો. પિતાજીનું નામ રામજી માલોજી શકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. પિતા રામજી શકપાલના ચૌદમાં અને ચૌદમી તારીખે જન્મેલ અંતિમ સંતાન એજ દલિતો, વંચીતો, શોષિતો, પીડીતો, અલ્પજનો, બહુજનોના મસીહા, મહાન અર્થશાસ્ત્રી, આર્ષદ્રષ્ટા, પ્રકાંડ પંડિત, ભારતીય સંવિધાન શિલ્પી, નારીઓના મુકિતદાતા, ગાંધીજીના પ્રાણદાતા, બહુમખી પ્રતિભા, વિશ્વવંદનીય, ભારતરત્ન, મહામાનવ બોધિસત્વ ડો. બાબાસાહેબ આંબેડકર.

ભીમરાવના પિતાજી લશ્કરના પાયોનિયર બટાલિયનમાં સુબેદારના હોદા પર હતા અને લશ્કરની શાળામાં તેઓ આચાર્ય હતા. ભીમરાવના પિતાજી શિસ્તપ્રિય કબીરપંથી વ્યકિત હતા. તેથી માંસ-મચ્છી કે શરાબ પરિવારમાં પ્રતિબંધિત હતા. આમ બાળપણથી જ ભીમરાવમાં માતા-પિતાના સુસંસ્કારો ઉતર્યા હતા. ભીમરાવની છ વર્ષની બાળવયે જ મમતારૂપી માતા ભીમાબાઈનું દેહાવસાન થયેલ. ૧૯૦૬માં ભીખુ વાણંકરની પુત્રી રમા સાથે લગ્ન થયા તા. ૯-૧૧-૧૯૦૬.

ડો. આંબેડકર પ્રાથમિક શિક્ષણથી લઈ સર્વોચ્ચ શિક્ષણ પ્રાપ્તિ માટે ભૂખ-પ્યાસ વેઠીને પેટે પાટા બાંધીને ભણ્યા હતા. ડો. બાબા સાહેબ આંબેડકરનું એક સુવાકય છે.. 'શિક્ષા વો શેરની કા દૂધ હૈ, જો ભી પિયેગા, વહ દહાડેગા - ઈસ લિયે દો રોટી કમ ખાઓ મગર અપને બચ્ચો કો પઢાઓ' નૂતન ગતિશીલ - ક્રાંતિકારી વિચારોના જનક હતા ડો. આંબેડકર.

તેઓએ મેળવેલ શ્રેષ્ઠત્તમ શિક્ષણમાં (૧) એમ.એ. - અર્થશાસ્ત્ર સાથે ૨ જૂન ૧૯૧૫ (૨) એમ.એસસી. લંડન યુનિ.ની પદવી એનાયત ૨૦ જૂન ૧૯૨૧ (૩) ડી.એસસી. પ્રોબ્લેમ ઓફ રૂપીઝ પર થીસીસ રજુ કર્યુ - ૧૧ ઓકટોબર ૧૯૨૨ (૪) પી.એચડી. કોલંબીયા યુનિ.માંથી ૮-૨-૧૯૨૭. વિષયઃ 'નેશનલ ડિવીડન્ડ ઓફ ઈન્ડીયા' મહાશોધ નિબંધ (૫) એલએલડી કોલંબીયા યુનિ. દ્વારા માનદ પદવી (ડોકટર ઓફ લોઝ) એનાયત તા. ૫ જૂન ૧૯૫૨ (૬) ડી'લીટ - હૈદરાબાદની ઉસ્માનીયા યુનિ. દ્વારા (ડોકટર ઓફ લીટરેચર)ની માનદ પદવી એનાયત તા. ૧૨-૧-૧૯૫૩ (૭) બાર એટી લો.. બાર (કોર્ટ) લો (કાયદો) - બેરીસ્ટર ગ્રેજ્યુએટ (૮) ભારતરત્ન - મરણોપરાંત ખિતાબ ૧૪-૪-૧૯૯૦ (ડો. આંબેડકર જન્મ શતાબ્દી વર્ષ) સાચુ શિક્ષણ મનુષ્યને સુરક્ષિત કરે છે. સારા નાગરીકોનું નિર્માણ કરે છે. સ્વતંત્ર ભારત મેં સબ કો શિક્ષા કે સમાન અવસર ડો. બાબાસાહેબ આંબેડકર કા અનમોલ ઉપહાર હૈ.

ડો. બાબા સાહેબ આંબેડકર રચિત ગ્રંથો પૈકી 'અસ્પૃશ્ય કા વિદ્રોહ - ગાંધી ઔર ઉનકા અનશન - પૂના પૈકટ' તથા 'કોંગ્રેસ એવં ગાંધીને અસ્પૃશ્યો કે લિયે કયા કિયા' ઘણુ કહી જાય છે. ડો. બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે, હિન્દુ સમાજમાં સમરસ કરવાના ધ્યેયવાળા અસંખ્ય મહાત્માઓ ભારતમાં થયા, પરંતુ બધા જ પોતાના મિશનમાં નિષ્ફળ ગયા. મહાત્માઓ આવ્યા અને ગયા પરંતુ અછૂતો કાયમના દુઃખી અને અછૂત જ રહ્યા.

એક પત્રકાર તરીકેની પ્રતિભાની મુલવણી કરીએ તો છત્રપતિ રાજર્ષિ શાહુજી મહારાજ (કોલ્હાપુર નરેશ)ની રૂપિયા અઢી હજારની સહાયથી ડો. બાબા સાહેબ આંબેડકર સૈકાઓથી મૂંગા રહેલા રાખેલા મજલૂમો માટે બોલવા તેની વકીલાત કરવા 'મૂકનાયક' નામક પાક્ષિક ૩૧-૧-૧૯૨૦ના રોજ શરૂ કર્યુ. લોકમાન્ય તિલકના 'કેસરી' સામયિક નાણા લઈને પણ 'મૂકનાયક'ની જાહેરાત છાપવાનો સાફ ઈન્કાર કર્યો હતો. ૨૯-૭-૧૯૨૭ના અંકમાં ડો. બાબાસાહેબ આંબેડકરે લોકમાન્ય તિલક વિશે લખ્યુ હતુ કે.. જો તિલક અસ્પૃશ્ય તરીકે જન્મ્યા હોત તો તેઓ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને બદલે અસ્પૃશ્યતા નિર્મૂલન મારો જન્મસિદ્ધ અધિકાર છે તેમ લખ્યુ હોત. પત્રકારત્વનો પર્યાય જ છે સાહસ. એક સાચા પત્રકારમાં હોવા જોઈએ સાહસ-નિર્ભિકતાના ગુણો સાથે ડો. આંબેડકરે વિદેશથી પરત આવી પત્રકારત્વમાં ઋચિ દાખવી અને તે પછીનું ઈતિહાસનું સોનેરી પાનુ આપણે સૌ જાણીએ છીએ. ૩-૪-૧૯૨૭ના રોજ 'બહિષ્કૃત ભારત' ૨૯-૬-૧૯૨૮ના રોજ 'સમતા' અને ૨૪-૧૧-૩૦ના દિવસે 'જનતા' સામયિકો શરૂ કર્યા. જનતા તા. ૪-૨-૧૯૫૬થી 'પ્રબુદ્ધ ભારત'નું નામકરણ પામ્યું. પત્રકારત્વના અંતિમ ધ્યેય - પ્રજાસેવાને સિદ્ધ કરવાના તમામ લક્ષણો ડો. બાબા સાહેબ આંબેડકરમાં મોજુદ હતા.

- ડો. દિનેશ સી. પડાયા

મો. ૯૯૨૪૩ ૯૬૯૫૮

(3:53 pm IST)