Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રાજ્ય સરકાર ૧૦ લાખ મહિલાઓને શૂન્ય ટકા વ્યાજે લોન આપશે

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાને આવકારતા મેયર બિનાબેન આચાર્ય

રાજકોટ તા. ૧૪ : રાજય સરકાર દ્વારા ગુજરાત રાજયના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૧૦ લાખ મહિલાઓને શૂન્ય ટકા વ્યાજે લોન ધિરાણ આપવા માટે 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના' શરૂ કરવામાં આવનાર છે. આ યોજના બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મેયર બિનાબેન આચાર્યએ આભાર વ્યકત કર્યો હતો.

આ અંગે બિનાબેનએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીમાં અનેક લોકોને આર્થિક રીતે વિકટ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. રાજય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવનાર આ યોજના ખૂબ જ સરાહનીય છે. મહિલા જૂથને ૧ લાખ રૂપિયાનું લોન ધિરાણ પ્રાપ્ત થઇ શકશે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષગાંઠના દિવસે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. આ યોજનાનો લાભ છેવાડાના અંતરિયાળ વિસ્તારોની માતા-બહેનો સુધી મળી રહે તે માટે વધુને વધુ બહેનોના જૂથ બનાવવાના યોજનાના ભાગરૂપે રાજય સરકારે પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે.

આ યોજના માટે રાજય સરકાર દ્વારા રૂ.૧૭૫ કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રાજયના ગ્રામીણ ક્ષેત્રમાં ૫૦ હજાર અને શહેરી વિસ્તારમાં ૫૦ હજાર એમ કુલ ૧ લાખ જોઇન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ-મહિલા જૂથની રચના કરાશે. આવા પ્રત્યેક જૂથમાં ૧૦ મહિલાઓને સહભાગી બનાવીને કુલ ૧૦ લાખ બહેનોને કુલ રૂ.૧ હજાર કરોડ સુધીનું ધિરાણ આ યોજના હેઠળ તબક્કાવાર આપવાનું રાજય સરકારશ્રી દ્વારા આયોજન છે.

(3:44 pm IST)