Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

માથાકુટમાં કામ આવે એટલે પિસ્તોલ લઇને ફરતો અજીતસિંહ પકડાયોઃ આપનાર રોહિતની પણ ધરપકડ

માલવીયાનગરના મશરીભાઇ, ભાવેશભાઇ અને હરપાલસિંહની બાતમી પરથી ખીજડાવાળા રોડ પર મામા સાહેબના મંદિર પાસેથી પકડવામાં આવ્યોઃ બંનેના રિમાન્ડ મેળવવા તજવીજ

રાજકોટ તા. ૧૪: મવડી રોડ શ્રીનાથજી સોસાયટી-૧૫માં રહેતાં અને લેબર કામના કોન્ટ્રાકટ રાખી કામ કરતો અજીતસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.૨૨) ખીજડાવાળા રોડ પર મામા સાહેબના મંદિર પાસે પિસ્તોલ સાથે ઉભો હોવાની બાતમી માલવીયાનગરના હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને મળતાં તેને પકડી લઇ તપાસ કરતાં નેફામાંથી દેશી બનાવટની રૂ. ૧૦ હજારની પિસ્તોલ મળતાં ગુનો નોંધી કબ્જે કરી તેની ધરપકડ કરી હતી. તેને દેશી પિસ્તોલ આપનાર રોહિત ભીખાભાઇ જેઠવા (ઉ.વ.૨૪-રહે. વિનાયકનગર-૯)ની પણ ધરપકડ કરવામાં આવી છે.

પુછતાછમાં અજીતસિંહે એવું રટણ કર્યુ હતું કે ધંધામાં કોઇ સાથે કયારેક માથાકુટ થાય તો કામ આવે એ માટ થઇને છ મહિના પહેલા વિનાયકનગર-૯માં રહેતાં રોહિત ભીખાભાઇ જેઠવા પાસેથી લીધી હતી. પોલીસે હવે રોહિતને પકડી તેની પુછતાછ કરતાં તેણે રેઢી મળ્યાનું રટણ કર્યુ છે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ કે. એન. ભુકણનામ ાર્ગદર્શન હેઠળ પીએસઆઇ વિજયસિંહ કે. ઝાલા, હેડકોન્સ. મશરીભાઇ, યુવરાજસિંહ જાડેજા, દિગ્પાલસિંહ જાડેજા, ભાવેશભાઇ, રોહિતભાઇ કછોટ, મહશેભાઇ ચાવડા, હરપાલસિંહ જાડેજા, હિતેષભાઇ અગ્રાવત સહિતે આ કામગીરી કરી હતી. સાચી વિગતો ઓકાવવા બંને આરોપીની વધુ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(12:07 pm IST)