Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજનું કામ શરૃઃ રોડ બંધ

ત્રિકોણબાગથી હોસ્પિટલ ચોક થઇ રેલ્વે સ્ટેશન, કુવાડવા રોડ જવા તથા જામનગર રોડ જવા માટે વાહન ચાલકોએ કઇ રીતે જવું તેમજ કુવાડવા રોડ તરફથી આવો તો કઇ રીતે ચાલવું તેની જાહેરનામા દ્વારા માર્ગદર્શિકા જાહેરઃ ૮૪.૭૧ કરોડના ખર્ચથી કુલ ૭૧ પીલર્સ પર ઉભો થશે થ્રી આર્મ બ્રિજ

 

કામ ચાલુ રસ્તો બંધઃ જ્યુબીલી બાગથી સિવિલ હોસ્પિટલ ચોક તરફ જતાં વાહનો માટે અને કુવાડવા રોડથી હોસ્પિટલ ચોકમાં થઇ જ્યુબીલી તરફ જવા ઇચ્છતા વાહન ચાલકો માટેનો રસ્તો ફલાય ઓવરની કામગીરી શરૂ થવાને કારણે આજથી બંધ કરી દેવાયો છે. લાંબી રાહ જોયા પછી અંતે હવે આ બ્રિજની કામગીરી શરૂ થઇ ચુકી છે. વાહન ચાલકોને હવે કયા રૂટ પર ચાલવું તેની માર્ગદર્શિકા પોલીસે જાહેર કરી છે. તસ્વીરમાં બંધ કરાયેલો રસ્તો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૪: શહેરમાં મંજુર થયેલા અન્ડર બ્રિજ અને ઓવર બ્રિજના પ્રોજેકટ અંતર્ગત રૈયા રોડ આમ્રપાલી ફાટકના અન્ડર બ્રિજનું કામ ગતિમાં છે. હવે સિવિલ હોસ્પિટલ ચોકના ટ્રાયેન્ગલ ફલાયઓવર બ્રિજનું કામ પણ હવે શરૂ થઇ ગયું છે. તેના ભાગ રૂપે સોૈ પ્રથમ કપાતમાં આવતી મિલ્કતોનું માર્કિંગની કામગીરી થઇ હતી. ૮૪.૭૧ કરોડના ખર્ચથી બની રહેલા આ ફલાય ઓવર બ્રિજના કામને પગલે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના જાહેરનામા મુજબ જ્યુબીલી બાગથી હોસ્પિટલ ચોક તરફ આવતો ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે. તેમજ કુવાડવા રોડ તરફથી હોસ્પિટલ ચોક આવી ત્રિકોણબાગ, ધરમ સિનેમા તરફ જવા માટેનો રસ્તો પણ બંધ થયો છે. આ માટે વૈકલ્પીક વ્યવસ્થા રૂપે અન્ય માર્ગોનો ઉપયોગ કરી શકાશે. તે માટે જાહેરનામુ બહાર પડાયું હતું અને આજે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે હોસ્પિટલ ચોકમાં કુલ પાંચ રસ્તાઓનો સંગમ થાય છે. જેના કારણે ભયંકર ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. જેનો કાયમી ઉકેલ લાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ મુખ્ય રસ્તાઓનો ટ્રાયેન્ગ્યુલર ફલાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ટ્રાયેન્ગલ ઓવર બ્રિજ ૭૧ પિલર્સ પર ઉભો કરવામાં આવશે. આ બ્રિજમાં સર્વિસ રોડની પહોળાઇ ૬ મિટર બંને તરફ, ફૂટપાથની પહોળાઇ બંને તરફ  ૦.૯૦ મિટર, જવાહર રોડ તરફ બ્રિજની લંબાઇ ૨૯૯ મિટર, કુવાડવા રોડ તરફ બ્રિજની લંબાઇ ૪૦૦ મિટર, જામનગર રોડ તરફ બ્રિજની લંબાઇ ૩૬૭ મિટરની રહેશે.

ટ્રાયેન્ગલ બ્રિજના કામના પ્રારંભના ભાગ રૂપે સોૈ પહેલા સિવિલ હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ તોડવાની અને નવી બનાવવાની કામગીરી પણ પુરી થઇ ચુકી છે. હવે આજથી એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. એક તરફનો રસ્તો બંધ થયો તેની અવેજીમાં કઇ રીતે વાહન ચાલકો કયા રૂટ પરથી પસાર થઇ શકશે તેની માહિતી અહિ બોકસમાં પ્રસ્તુત છે.

અહિ દર્શાવેલા રૂટ મૂજબ ચલાવી શકાશે વાહનોઃ નિયમ ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલા

રાજકોટ તા. ૧૪ : શહેરના સૌથી ગીચ ટ્રાફીક ધરાવતા સીવીલ હોસ્પિટલ ચોક ખાતે ટ્રાફીક સમસ્યાને હળવી કરવા તૈયાર થઇ રહેલ થ્રી-આર્મ ફલાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાયેલ છે. જે અનવ્યે જયુબેલી ચોકથી હોસ્પિટલ ચોક સુધી સર્વિસ રોડ બંધ કરવા અને આ વિસ્તારમાંથી પસાર થતાં વાહન વ્યવહાર માટે નીચે જણાવેલ વિગતે વાહનવ્યવહાર સરળ બનાવવા અને ફલાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરીમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ કમિશ્નરશ્રી રાજકોટ મનોજ અગ્રવાલે તા.૫/૧૦/૨૦૨૦ ના રોજ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી ટ્રાફીકને ડાયવર્ટ કરવા આદેશ કર્યો હતો.

આ આદેશ અનુસાર ત્રીકોણબાગથી આવતા તમામ વાહનો કે જેઓ સીવીલ હોસ્પિટલ થઇ કુવાડવા રોડ, રેલ્વે સ્ટેશન તરફ જવા માંગતા હોય તેઓ જયુબેલીચોકથી દેનાબેંક ચોક, કોર્ટ ચોક, ખટારા સ્ટેન્ડ ચોક થઇને રેલ્વે સ્ટેશન કે કુવાડવા રોડ તરફ જઇ શકશે. તથા ત્રીકોણ બાગથી સીવીલ હોસ્પિટલ થઇને જામનગર રોડ તરફ જવા માંગતા વાહનો જયુબેલીચોકથી લવલી ગેસ્ટહાઉસ ચોક થઇને ચૌધરી હાઇસ્કુલ ચોક મારફતે સીવીલ હોસ્પિટલ ચોક તરફ તથા ધરમ સીનેમા ચોક થી જામટાવર ચોક થઇને જામનગર રોડ કે રેલ્વેસ્ટેશન તરફ જઇ શકશે.

એ જ રીતે કુવાડવા રોડ તથા રેલ્વે સ્ટેશન તરફથી આવતા અને જયુબેલી ચોક કે ત્રીકોણબાગ જવા માંગતા તમામ વાહનો ખટારા સ્ટેન્ડ ચોક થી દેનાબેંક ચોક થઇનેજયુબેલીચોક કે ત્રિકોણબાગ જઇ શકશે તથા જામનગર રોડ તરફથી આવતા વાહનો જામટાવરચોક , ધરમ સીનેમા ચોક, ચૌધરી હઈસ્કુલ ચોક, લવલી ગેસ્ટહાઉસ ચોક થઇને જયુબેલીચોક કે ત્રિકોણબાગ જઇ શકશે. કામકાજના સ્થળે માલસામાન લઇ અવરજવર કરવા માટે કોન્ટ્રકટરે જરૂરી પરવાનગી મેળવવાની રહેશે. આ અંગે અગાઉ પ્રસિધ્ધ થયેલ હોસ્પિટલ ચોકથી લવલી ગેસ્ટ હાઉસ સુધી વાહનોને અવરજવર કરવાની મંજુરી આપતા જાહેરનામાની અમલવારી મોકુફ રાખવામાં આવેલ છે.આ જાહેરનામું પ્રસિધ્ધ થયાથી એક માસ સુધી અમલી રહેશે. જેનો ભંગ કે ઉલ્લંઘનકરનાર શીક્ષાને પાત્ર ઠરશે.

(3:39 pm IST)