Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

નાકરાવાડીમાં મુકેશભાઇ બાહુકીયાની આર્થિક ભીંસથી કંટાળી જઇ કૂવામાં કૂદી આત્મહત્યા

રાત્રે ઘરેથી નીકળી ગયેલઃ સવારે કૂવા પાસેથી બેટરી અને શર્ટ મળતાં તપાસ કરતાં અંદર ચપ્પલ તરતા'તાઃ રાજકોટ ફાયર બ્રિગેડના તરવૈયાઓએ મૃતદેહ શોધીને કુવાડવા પોલીસને સોંપ્યો

રાજકોટ તા.૧૪: કુવાડવા તાબેના નાકરાવાડીમાં રહેતાં કોળી યુવાન મુકેશભાઇ નરસીભાઇ બાહુકીયા (ઉ.વ.૪૦)એ આર્થિક ભીંસથી કંટાળી જઇ ગ્રામ પંચાયતના કૂવામાં કુદી જઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મુકેશભાઇ રાત્રે ઘરેથી નીકળી ગયા હતાં. પરિવારજનોએ શોધખોળ શરૂ કરતાં સવારે ગ્રામ પંચાયતના કૂવા પાસે તેની ટોર્ચ અને શર્ટ મળી આવતાં કૂવા અંદર જોતાં તેમાં ચપ્પલ તરતા દેખાયા હતાં. મુકેશભાઇ અંદર ડૂબેલા હોવાની શકયતાને આધારે ફાયર બ્રિગેડને સરપંચ શાંતિલાલ મારફત જાણ કરવામાં આવતાં શાંતુભા, અરબાઝખાન, મહેન્દ્રભાઇ, મયુર પટેલ, રમેશભાઇ જારીયા સહિતની ટીમે પહોંચી કૂવામાં ઉતરી મુકેશભાઇનો મૃતદેહ શોધી કાઢી કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને એએસઆઇ એન.આર. વાણીયા, સંજયભાઇ સહિતે ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મુકેશભાઇને સંતાનમાં એક પુત્ર છે. તે છુટક મજૂરી કરતાં હતાં. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે હાલમાં કામધંધો ન હોઇ આર્થિક સંકડામણ ઉભી થતાં તેણે આ પગલુ ભર્યુ હશે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(3:46 pm IST)