Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ના પાડી હતી તો'ય સમજ્યા નહિઃ ધાબા પર ડીજે વગાડતાં એક, જાહેરમાં પતંગ ઉડાડતા ૯ પકડાયા

આવું કદી કોઇએ વિચાર્યુ પણ નહોતું કે સંક્રાંતિ પર સ્પીકર વગાડવા, પટમાં પતંગ ઉડાડવી એ ગુનો ગણાશે : ભકિતનગર પોલીસ, થોરાળા પોલીસ, કુવાડવા પોલીસ અને ગાંધીગ્રામ પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૧૫: મકરસંક્રાંતિના પર્વ પર બીજા લોકોને ત્રાસરૂપ ન થાય એ માટે થઇને ડી.જે. લાઉડ સ્પીકર વગાડવા પર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પ્રતિબંધુ મુકયો હતો. આમ છતાં અમુક સમજ્યા નહોતાં. ભકિતનગર પોલીસે ૫૦ ફુટ રોડ પર સુતા હનુમાન નજીક આવેલા શ્રીરાજ મેટલ નામના કારખાનાના ધાબા પર મુળ માંગરોળના શીલ ગામનો વતની રમેશ રાજાભાઇ ભરડા (ઉ.વ.૩૦) ડી. જે. લાઉડ સ્પીકર વગાડતો હોઇ જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ જે. બી. પટેલ, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી, સલિમભાઇ, રણજીતસિંહ, વાલજીભાઇ, ભાવેશભાઇ, દિવ્યરાજસિંહ, મનિષભાઇ અને રાજેશભાઇએ આ કામગીરી કરી હતી.

બીજી તરફ જાહેરમાં ભયજનક રીતે પતંગ ઉડાડવા ઉપર પણ પ્રતિબંધ હોવા છતાં કેટલાકે આવુ કર્યુ હતું. જે પૈકીનો ચિરાગ મનસુખભાઇ રાછડીયા (ઉ.વ.૨૨-રહે. મમતા હોટેલ બસ સ્ટેશન પાછળ, મુળ જામજોધપુર) ચુનારાવાડ ચોક ભાણજીબાપાના પુલ પાસે ટ્રેકટર ચોકમાં જાહેરમાં પતંગ ઉડાવતો હોઇ તેને તથા   ચુનારાવાડ ચોકમાં કુબલીયાપરા-૫નો કિશોર ભરતભાઇ ચુડાસમાને તેના ઘર પાસે,  મનહરપરાના રવિ રમેશભાઇ સાડમીયાને તેના ઘર પાસે, ભાવનગર રોડ ગુજરાત સ્ક્રેપના ડેલા પાસે પતંગ ચગાવતાં મુળ સુરેન્દ્રનગરના અલ્તાફ ઇબ્રાહીમભાઇ મમાણીને, બાલાજી રેસ્ટોરન્ટ પાસે જાહેરમાં પતંગ ચગાવતાં સલિમ ગફારભાઇ બાબીને થોરાળા પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જી.એસ. ગઢવી અને ટીમે ડ્રોન કેમેરાની મદદથી પકડી લઇ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત હનુમાન મઢી નજીક છોટુનગર હોલ પાસેથી રવિ કમલેશભાઇ લોલાડીયા રસ્તા પર નીકળતાં વાહનો, લોકોને જોખમ સર્જાય એ રીતે પતંગ ઉડાડતો હોઇ, બજરંગવાડી સંજયનગરમાં અલ્લારખા યાકુબભાઇ સાંધ અને આ વિસ્તારનો જ પ્રકાશ ડુંગરશીભાઇ બાવળીયા તેના ઘર નજીક જાહેરમાં પતંગ ઉડાડતાં હોઇ ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએઅસાઇ આર. એસ. પટેલ, ખોડુભા જાડેજા સહિતે પકડી લીધા હતાં. 

આ ઉપરાંત ધાબા પર પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ભયજનક રીતે પતંગ ઉડાડવાનો એક ગુનો આજીડેમ પીઆઇ એ.એસ. ચાવડાની રાહબરીમાં હેડકોન્સ. આઇ. જી. જાડેજા સહિતના સ્ટાફે ઠેબચડા ગામે પેટ્રોલીંગ દરમિયાન નોંધી ત્રણ શખ્સને પકડ્યા હતાં. ઉપરાંત ઠેબચડાના રાજુ સોમાભાઇ જાડા (ઉ.વ.૩૨), મહેશ રસિકભાઇ મકવાણા (ઉ.વ.૨૭) અને સંજય લાખાભાઇ જાદવ (ઉ.વ.૨૬) સામે આઇપીસી ૧૮૮, ૧૩૧ મુજબ જાનનું જોખમ થાય એ રીતે ભયજનક રીતે ધાબા પર પતંગ ઉડાડી ગુનો કર્યાનો આરોપ ફરિયાદમાં મુકાયો હતો. કદી કોઇએ વિચાર્યુ પણ નહોતું એવા ગુના આ તહેવાર વખતે નોંધાયા છે.

(12:03 pm IST)