Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

આયુર્વેદિક દવાના ઓઠા હેઠળ નશાકારક મનાતા સિરપનું વેંચાણઃ ૪ દૂકાનમાંથી ૮૨૫ બોટલો મળી

સિરપમાં કયા કયા તત્ત્વો છે? તે જાણવા કબ્જે થયેલી બોટલો ફોરેન્સિક લેબમાં મોકલાઇઃ એસઓજી અને યુનિવર્સિટી પોલીસના ૪ દૂકાનોમાં દરોડાઃ જામનગર તરફથી અને સેલ્સમેન આપી જતાં હોવાનું દૂકાનદારોનું કથનઃ નોટીસ અપાઇ : વિજેન્દ્રસિંહ ઝાલા, અઝહરૂદ્દીન બુખારી, સોનાબેન મુળીયાની બાતમી પરથી પીએઅસાઇ એમ. એસ. અંસારીની ટીમ અને યુનિવર્સિટીના પીએસઆઇ એ. બી. જાડેજાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૬: પાનની દૂકાનોમાં આયુર્વેદિક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક મનાતા સિરપનું વેંચાણ થતું હોવાની માહિતીને આધારે શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને યુનિવર્સિટી પોલીસે અલગ-અલગ ૪ દૂકાનોમાં દરોડા પાડી અલગ-અલગ બ્રાન્ડના નશાકારક મનાતા સિરપની ૮૨૫ બોટલો કબ્જે કરી પરિક્ષણ માટે એફએસએલ કચેરીમાં મોકલી છે. સીઆરપીસી ૧૦૨ મુજબ હાલ કાર્યવાહી કરી દૂકાનદારોના નામ-સરનામાની નોંધ કરવામાં આવી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જરૂર પડ્યે હાજર થવા નોટીસ અપાઇ છે. પ્રાથમિક માહિતી મુજબ જામનગર તરફથી આ બોટલો આવતી હોવાનું કહેવાય છે.

એસસઓજીના બે દરોડો

એસઓજી ટીમના હેડકોન્સ. વિજેન્દ્રસિંહ એ. ઝાલા, કોન્સ. અઝહરૂદ્દીન બુખારી તથા મહિલા કોન્સ. સોનાબેન મુળીયાને મળેલી બાતમીને આધારે અટિકા ફાટક પાસે આવેલી મુરલીધર ડિલકસ પાન નામની દૂકાનમાં દરોડો પાડી ત્યાંથી સિરપની ૭૨૪ બોટલો રૂ. ૭૨૪૦૦ની કબ્જે કરવામાં આવી હતી. દૂકાન માલિક રામ રાજદેભાઇ ડેર (ઉ.૩૨-રહે. ગોંડલ રોડ પીડીએમ કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક કૃષ્ણનગર-૧૪) હસ્તકની દૂકાનમાંથી એસકે હર્બલ સિરપની  ૧૧૨ બોટલ, ધત્રઅરિષ્ઠાની ૩૮૩, કાલ મેઘસ્વ અરિષ્ઠાની ૧૩૯ બોટલ, સંગીત કાજુ અસવ અરિષ્ઠાની ૫૦, સંગીત ખજૂર અસવ અરિષ્ઠાની ૪૦ બોટલો કબ્જે થઇ હતી.

તેમજ બીજા દરોડામાં અમરનગર રોડ બહુચર વિદ્યાલય પાસે આવેલી જે માડી ડિલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસની દૂકાનમાંથી સુનિંદ્રા નામની ૩૩ તથા સ્ટોન અરિષ્ઠા આયુર્વેદિક સિરપની ૨૫ મળી કુલ ૫૮૦૦ની ૫૮ બોટલ કબ્જે કરાઇ હતી. દૂકાન દાર ચિરાગ અશોકભાઇ ડોડીયા (ઉ.વ.૩૭-રહે. પિતૃકૃપા, આકાશદિપ સોસાયટી, ઉમિયા ચોક ૧૫૦ રીંગ રોડ)ને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જરૂર પડ્યે હાજર થવા નોટીસ અપાઇ હતી.

એસઓજીના પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડકોન્સ.  ઝહીરખાન ખફીફ, વિજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અઝહરૂદ્ીન બુખારી, અનિલસિંહ ગોહિલ, સોનાબેન મુળીયાએ આ બંને કાર્યવાહી કરી હતી.

યુનિવર્સિટી પોલીસનો દરોડો

યુનિવર્સિટી પોલીસ મથકની ટીમે રૈયા રોડ બાપા સિતારામ ચોક શિવમ માર્ટ સામે ન્યુ અપના અડ્ડા તથા રામાપીર ચોકડી પાસેથી દેવજીવન હોટેલ પાસેથી હરસિધ્ધી ડિલકસ પાન નામની દૂકાનોમાંથી મેઘસાવા અસવા અરિષ્ઠાની રૂ. ૩૫૦૦ની સિરપની ૩૫ બોટલો તથા રૂ. ૮૦૦ની ૮ બોટલો કબ્જે કરી હતી. આ બોટલોના પ્રવાહીમાં ખરેખર શું શું છે? તે જાણવા એફએસએલમાં પરિક્ષણ માટે મોકલાઇ છે.

આ કામગીરી પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ડોડીયા, જયંતિગીરી ગોસ્વામી, મુકેશભાઇ ડાંગર, અજયભાઇ ભુંડીયા, કૃષ્ણદેવસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ ગોહિલ સહિતે કરી હતી. આ બંને દૂકાનદારોએ પોતાને સેલ્સમેન આ બોટલો આપી જતો હોવાનું અને વેંચાણ માટેની પરવાનગી હોવાનું કહ્યું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમા મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, એસીપી પી. કે. દિયોરાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી, યુનિવર્સિટી પોલીસે આ કાર્યવાહી કરી હતી.

(2:56 pm IST)