Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

મારા ઘરના ફોનમાં મિસ્ડકોલ શું કામ કરે છે?...પુછતાં મિહીરને પડોશી જશ ગોહેલે પિતા-કાકા સાથે મળી ફટકાર્યો

સહકાર સોસાયટી પાસેના ન્યુ વિરાટનગરમાં બનાવ

રાજકોટ તા. ૧૫: ન્યુ વિરાટનગરમાં રહેતાં સથવારા યુવાનના ઘરના ફોનમાં સામે રહેતાં કડીયા શખ્સે મિસ્ડ કોલ કરતાં તેને આ રીતે શા માટે ફોન કરે છે? તેમ પુછતાં તેણે પોતાના પિતા અને કાકા સાથે મળી સથવારા યુવાનને બેટ અને ઢીકા-પાટુનો માર મારી તેમજ ગાળો દેતાં પોલીસે કાર્યવાહી કરી છે.

આ અંગે ભકિતનગર પોલીસે સહકાર સોસાયટી ન્યુ વિરાટનગર-૩માં રહેતાં અને આકાશ ઇન્ફોટેકમાં નોકરી કરતાં મિહીર નરોત્તમભાઇ પરમાર (સથવારા) (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી સહકાર-૮ના છેડે ન્યુ વિરાટનગર-૩માં જ રહેતાં જશ કિશોરભાઇ ગોહેલ, કિશોરભાઇ ગોહેલ અને ઉપેન્દ્ર ગોહેલ વિરૂધ્ધ મારામારીનો ગુનો નોંધ્યો છે.

મિહીર પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે મંગળવારે રાતે સાડા દસેક વાગ્યે ઘર પાસે શેરીમાં ઉભો હતો ત્યારે સામે જ રહેતાં જશ ગોહેલ (કડીયા)ના ફોનમાંથી અમારા ઘરના ફોનમાં ફોન આવ્યો હતો.   મિસ્ડ કોલ થઇ ગયો હોઇ મેં જશને આ નંબર કોના છે? તેમ પુછતાં તેણે પોતાના પિતા કિશોરભાઇનો નંબર હોવાનું કહ્યું હતું. તેને આ રીતે શા માટે ઘરના ફોનમાં કોલ કર્યો? તેમ પુછતાં જશના પિતા કિશોરભાઇ અને કાકા ઉપેન્દ્રભાઇએ બહાર આવી ગાળાગાળી શરૂ કરી હતી. તેમજ મને કપાળે લાકડાના બેટનો ઘા મારી દીધો હતો. એ પછી શરીરે ઢીકા-પાટુ પણ માર્યા હતાં. લોકો ભેગા થઇ ગયા હતાં અને મારા માતા-પિતા પણ દોડી આવ્યા હતાં અને મને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં ભકિતનગરના હેડકોન્સ. પ્રકાશભાઇ વાંકે ગુનો નોંધ્યો હતો. વધુ તપાસહેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ચલાવી રહ્યા છે.

(12:53 pm IST)