Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

સદ્દગુરૂનગરમાં મુળ ઉના પંથકના યુવાન અતુલે રણછોડની ધમકીને કારણે આપઘાત કર્યાનું ખુલ્યું: રણછોડની બહેન સાથે અતુલને સંબંધ હોઇ રણછોડે માર મારી બેસાડી રાખી છુટવા માટે રૂ. ૩ લાખ માંગતા મરવા મજબૂર થયો હતો

યુનિવર્સિટી પોલીસે મૃતકના બનેવી ગોપાલભાઇ ચૌહાણની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો

રાજકોટઃ યુનિવર્સિટી રોડ સદ્દગુરૂનગર-૧, ઓમ મકાન રૂડા-૨માં ભાડેથી રહેતાં મુળ ઉનાના અમોદરા ગામના અતુલ પ્રતાપભાઇ જાદવ (ઉ.વ.૨૫) નામના કારડીયા રાજપૂત યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટનામાં તેને ભરવાડ યુવતિ સાથે સંબંધ હોઇ યુવતિના ભાઇએ મળવાના બહાને બોલાવી ધરાર બેસાડી રાખી મારકુટ કરી તેમજ ગાડીમાં બાંધી ઢસડીને બધી જગ્યાએ ફેરવવાની અને મારી નાંખવાની ધમકી આપી તેમજ જા છુટવું હોય તો રૂ. ૩ લાખ આપવા પડશે તેવી ધમકી આપતાં તે મરી જવા મજબૂર થયાની વિગતો સામે આવતાં પોલીસે ગુનો નોધી આરોપી રણછોડ ભરવાડની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

આ બારામાં ઉના તાબેના અંજાર ગામે રહેતાં ગોપાલભાઇ જેસીંગભાઇ ચૌહાણ (કારડીયા રાજપૂત) (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે રણછોડ ભરવાડ સામે આઇપીસી ૩૦૬, ૩૮૭, ૩૪૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ફરિયાદી ગોપાલભાઇના ભાણેજ ઉનાના અમોદરા ગામના અતુલને મરી ત્રણ લાખ રૂપિયા માટે ધકમી આપી મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોધ્યો છે.

ગોપાલભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા બહેન જયાબેનને બે દિકરા છે. જેમાં મોટો અતુલ અને નાનો હાર્દિક છે. અતુલ ચારેક વર્ષથી રાજકોટ ભાડાના મકાનમાં રહી બાલાજી વેફર્સમાં નોકરી કરતો હતો. ૧૪/૧ના સવારે હું ઘરે હતો ત્યારે ભાણેજ અતુલના ફોનમાંથી ફોન આવ્યો હતો અને રડતા રડતા વાત કરી હતી કે મામા મારે ભરવાડની છોકરી સાથે સંબંધ છે અને તેના ભાઇ રણછોડને ખબર પડી જતાં મને અત્યારે મળવા બોલાવતાં હું તેને મળવા આવેલ છું. આ રણછોડભાઇએ ધરાર બેસાડી દીધો છે અને ધોલધપાટ કરી ગાળો આપે છે તેમજ મારી નાંખવાની ધમકી આપે છે. આ ભાઇ મને છોડશે નહિ.

આથી મે તેણે જણાવેલ કે રણછોડભાઇ સાથે વાત કરાવ. મે રણછોડભાઇને કહેલ કે મારા ભાણેજ અતુલની ભુલ થઇ ગઇ હશે તેને છોડી મુકો, હવે પછી આવુ નહિ થાય તેમ કહેતાં તે વધુ ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો દઇ ધમકાવવા લાગેલ કે આને તો જવા દેવો જ નથી, મારી નાંખવાનો છે. મે તેને છોડી દેવા ઘણી વિનંતી કરી હતી. પણ રણછોડભાઇએ કહેલ કે હવે ૩ લાખ રૂપિયા આપો તો જ તમારા ભાણેજને છોડીશ, નહિતર આજે જવા દવાનો નથી. ગાડીમાં બાંધીને ઢસડીને બધી જગ્યાએ ફેરવીશ. ભાણેજે પણ મને કહેલ કે મામા રણછોડભાઇ પૈસા માંગે છે અને મને છોડશે નહિ, મારી પાસે પૈસા નથી હું કેવી રીતે આપીશ. મે તેને જણાવેલ કે હું કંઇક કરીશ. એ પછી રણછોડભાઇને સમજાવેલ કે અતુલને જવા દો. થોડી વાર પછી અતુલે ફોન કરી હું ઘરે જાવ છું તેવી વાત કરી હતી.

થોડીવાર બાદ અતુલનો ફોન નહિ આવતાં અને મારા ફોન ન ઉપાડતાં તે સુઇ ગયો હશે તેમ મે માન્યું હતું. એ પછી અતુલની સાથે રહેતાં કિરીટભાઇને મે ફોન કરતાં તેઓ તપાસ કરવા જતાં અતુલે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું તેણે મને કહ્યું હતું. મારા ભાણેજને રણછોડ ભરવાડની બહેન સાથે સંબંધ હોઇ જે બાબતે તેને મળવા બોલાવી રણછોડે મારકુટ કરી ધમકી દઇ ૩ લાખ માંગતા તે મરી જવા મજબૂર થયાનું જણાતાં મે ફરિયાદ નોધાવી છે. મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ હોઇ તે પણ પોલીસને રજૂ કર્યા છે.

પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ વી. એમ. ડોડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)