Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કોરોના સંક્રમણની ચેઇન તોડવા લોકોને જાગૃત કરવાના અભિયાનમાં મનપાને કોવિડ કો-ઓર્ડીનેટરોનો મળ્યો સાથ

તમામ ૧૮ વોર્ડમાં વિવિધ સોસાયટી, કોમ્પ્લેક્ષ, ઓફિસોમાં ૬૯ર કોવિડ કો-ઓર્ડીનેટરો સક્રિય

રાજકોટ, તા. ૧પ : કોરોનાની વૈશ્વિક મહામારી સામે રાજકોટ શહેરમાં અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં તંત્રના પ્રયાસો સ્થાનિક લોકોનો સાથસહકાર મળતા વધુ અસરકારક સાબિત થઇ રહયા છે. જેમાં વોર્ડવાઈઝ કોવિડ કોઓર્ડીનેટરોની નિયુકિત ખુબ જ મહત્વપૂર્ણ બની છે. કોઓર્ડીનેટરો નેતૃત્વ લઇને નાગરિકોને SPO2 ચેકિંગ કરવા તેમજ જરૂરિયાતમંદ નાગરિકોને એન્ટીજન ટેસ્ટ કરાવવા પણ સમજાવી રહયા છે અને તેઓના પ્રયાસો સફળ થઇ રહયા છે. દ્યણા નાગરિકો એવા છે જેઓ કોરોનાના નિદાન માટેનો ટેસ્ટ કરાવતા અચકાઈ રહયા છે પરંતુ તમામ વોર્ડમાં નિયુકત કરાયેલા કોવિડ કો-ઓર્ડીનેટરો નાગરિકોને જાગૃત કરવામાં અને તંત્રને સહયોગ પ્રદાન કરવા અને જરૂરી ટેસ્ટ કરાવવામાં ખુબ જ ઉપયોગી પૂરવાર થઇ રહયા છે જે નોંધપાત્ર બાબત છે. કોવિડ કો-ઓર્ડીનેટરો સામાજિક નેતૃત્વ કરી રહયા છે અને લોકોમાં વિશ્વાસ સંપાદન કરવાની મુશ્કેલ કામગીરી નિભાવી તંત્રને સાથસહકાર આપતા તંત્રનું કામ સરળ બન્યું છે, તેમ મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું,

છેલ્લા બે દિવસમાં શહેરની જુદીજુદી સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ વગેરેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગનથી ટેમ્પરેચર માપવું, કોઈને તાવ કે શરદી દેખાય તો તરત જ આવશ્યક પગલાં લઇ શકાય તે માટે ત્વરિત જાણકારી મેળવવામાં  શહેરના ૧૮ વોર્ડમાં નિયુકત કરાયેલા કુલ ૬૯૨ કો-ઓર્ડીનેટરો રાજકોટ મહાનગરપાલિકાને સહયોગ આપી ઉમદા કાર્ય કરી રહયા છે. જે તે વોર્ડમાં કોવિડ કો-ઓર્ડીનેટરો લોકોને એન્ટીજન ટેસ્ટ કરાવવા માટે સમજાવે છે અને તેના પરિણામે લોકો ખચકાટ વગર ટેસ્ટ કરાવવા તૈયાર થવા લાગ્યા છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વિશેષમાં જે તે સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ કે અન્ય ઈમારતોમાં રહેતા કે વ્યવસાય કરતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે, ફરજિયાત માસ્ક પહેરવા, તેમજ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી વ્યવસ્થા પણ થાય અને લોકો સતત જાગૃત રહી કોરોના વાયરસ સામે ચાલતી લડતમાં સહભાગી બને તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રયાસો કરી રહી છે.

(4:03 pm IST)