Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

રોગપ્રતિકારક શકિત વધારવાના ઘરેલુ હાથવગા ઉપાયો અજમાવો

રાઇ, મીઠું, કપુર, લીમડાના પાન ગાયના છાણ કે ઘી નો ધૂપ કરો તો ગમે તેવા વાઇરસને ભાગવુ પડે : આદુ, તુલસી અજમો પણ અકસીર

રાજકોટ : હાલ કોરોના સામે જંગ જીતવા શરીરની રોગપ્રતિકારક શકિત વધારવી ખુબ આવશ્યક માનવામાં આવી રહી છે. રોગપ્રતિકારક શકિત વધારવાના આયુર્વેદીક ઉપાયો હાથવગા અને સરળ  છે.

અત્યાર સુધી આપણે હવાની શુધ્ધિ માટે સવાર સાંજ ધૂપ કરતા આવ્યા છીએ. બસ આ જ પધ્ધતિ ગમે તેવા વાઇરસને ભગાવવા ઉપયોગી નિવડે છે. આપણા ઘરમાં જ ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓ એટલે કે રાઇ, મીઠું, ગુગળ, લોબાન, લીમડાના પાન, ગાયનું છાણ, ગાયનું ઘી અને કપુર જેવી વસ્તુઓનો ધૂપ કરવામાં આવે તો ગમે તેવા વાઇરસને ભાગવુ પડે છે. હવાની શુધ્ધિ થાય છે. ઘર કે ઓફીસમાં આ રીતે ધૂપ કરવાથી હવા શુધ્ધ થાય છે. જો આટલી કાળજી રાખીએ તો કદાચ સેનીટાઇઝની જરૂર રહેતી નથી.

જીવાણુ મુકત હવા મળી રહે તો આપણે આપો આપ સ્વસ્થ રહી છીએ. વળી બીજી વાત આવે ઇમ્યુનીટીની. રોગપ્રતિકારક શકિત વધારવા માટે પણ આપણુ આયુર્વેદ સક્ષમ છે. આયુર્વેદ જરાગ્નિને મુખ્ય માને છે. જઠરાગ્નિ મંદ હોય તો કોઇપણ બીમારીને તક મળે. પણ જો જઠરાગ્નિ પ્રદિપ્ત હોય તો કોઇ રોગને સ્થાન ન મળે. જઠરાગ્નિ મંદ હોય તો ભૂખ ન લાગે, પાચન બરાબર ન થાય, શરીર આખુ ગારા જેવુ ઢીલુ થઇ જાય. સ્ફુર્તી જતી રહે. થાક લાગે. પણ જો જઠરાગ્નિ સતેજ બની જાય તો આ કોઇ સમસ્યા ન રહે. માટે આ દિવસોમાં જઠરાગ્નિ સતેજ રહે તેવા ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઇએ.

રોગ પ્રતિકારક શકિત વધારવા સુંઠનું ઉકાળેલુ પાણી દિવસમાં બે થી ચાર વખત પીવુ જોઇએ. આદુ-લીંબુ અને મધનું સરબત જમવાના ૧૫ મીનીટ પહેલા પીવુ, લીલા શાકભાજી, ગલકા, તુરીયા, દુધી, ગુવાર વગેરે પુષ્કળ માત્રામાં લેવા, અગ્નિને જાણીને જમવુ એટલે કે અગાઉ જમેલુ બરાબર પચી ગયુ હોય અને પેટમાં ભુખ લાગી હોય ત્યારે જ જમવુ, લીલા નાળીયેરનું સેવન સારૂ રહે, તુલસી, મરી, આદુ, ફુદીનો કાળી દ્રાક્ષને ઉકાળી તેમાં લીંબુનો રસ ઉમેરી આ ઉકાળો સવારે પીવો., હળદર મીઠાના પાણીથી સવાર સાંજ કોગળા કરવા, સવારમાં ઉકાળો લીધા પછી હળદરવાળુ દુધ પીવુ, રાય, મીઠુ વાટીને ગરમ પાણીમાં નાખીને નાસ લેવો, નાના બાળકોને સરસીયુ તેલ, અજમો, કપુર, મીઠુ ગરમ કરી ગાળી સવાર સાંજ છાતી-વાંસામાં શેક કરવો.

કોરોના પોઝીટીવ અને હોમ આઇસોલેટ દર્દીઓએ શું કાળજી રાખવી તે બાબતે જોઇએ તો આવા દર્દીઓ માટે  આયુર્વેદમાં સવાર સાંજ અર્ધી ચમચી રાઇ - મીઠુ વાટીને તેનો નાસ લેવાની સલાહ છે. તુલસી, મરી, આદુ, ફુદીનો ઉકાળી લીંબુનો રસ ઉમેરી ઉકાળો તૈયાર કરી સવાર સાંજ લેવો. કાળી દ્રાક્ષના ૧૦ દાણા રાત્રે પલાળી દિવસ દરમિયાન બે બે દ્રાક્ષ મોં મા મુકી ચુસવી. આવુ દિવસમાં ચાર પાંચ વખત કરવાથી રોગપ્રતિકારક શકિત વધે છે.

ડો. જયેશ પરમાર

આયુર્વેદ નિષ્ણાંત

મો.૯૯૭૮૯ ૮૫૯૮૫

(12:56 pm IST)