Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

મનપાના આરોગ્ય કેન્દ્ર-ધનવંતરી રથ રાત્રે પણ ચાલુ રહેશે

ધનવંતરી રથ સાંજે ૪ થી ૮ અને આરોગ્ય કેન્દ્ર સાંજે ૪ થી ૯ સેવા આપશે : નોકરી, ધંધાએ જતા લોકોને રાત્રે અનુકુળ સમય રહે તે માટે ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્રની સેવાનો વધારો કરાવતા ઉદીત અગ્રવાલ

રાજકોટ,તા. ૧૬: કોરોના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા તમામ પગલાઓ લેવાઈ રહ્યા છે, લોકોને કોઈપણ જાતની સમસ્યાનો સામનો ન કરવો પડે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા ઘરે બેઠા જ સારવાર મળી રહે તે માટેની તમામ સગવડો કરવામાં આવી છે. ઘેર ઘેર આવીને કોરોના સામે લડવાની શકિત વધારતા આયુર્વેદિક ઉપચારો કરવામાં આવી રહ્યા છે. વધુ સારવારની જરૂર જણાયે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામુલ્યે સારવાર કરાવી મળી રહે તેવી વ્યવસ્થા પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરીજનોની સેવા માટે ૫૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે જે લોકોના વિસ્તારમાં જઈને રોગ પ્રતિકારક શકિત વધારતા આયુર્વેદિક ઉકાળા, આયુર્વેદિક દવાઓ, નસ્ય સેવા, ટેમ્પરેચર – ઓકિસજન ચકાસણી, એન્ટીજન ટેસ્ટીંગ જેવી સેવાઓ આપે છે. હાલ શહેરમાં નોકરી-ધંધા ચાલુ થઇ જતા લોકોને દિવસે મહાનગરપાલિકાની સેવા લેવાનો સમય ન મળતો હોવાથી ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્રમાં વિશેષ સમય સેવા ચાલુ કરેલ છે. હવેથી ધનવંતરી રથ દ્વારા સાંજે ૪ થી ૮ અને આરોગ્ય કેન્દ્ર ખાતે ૪ થી ૯ સેવા આપવામાં આવશે. નોકરી, ધંધાએ જતા લોકોને રાત્રે અનુકુળ સમય રહે તે માટે ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્રની સેવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે જેથી તે લોકો પણ આ સેવાનો લાભ લઇ શકે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. લોકો પોતાનો વધુ સમય નોકરી અને ધંધામાં પસાર કરતા હોય છે તેમને મહાનગરપાલિકાની સેવાનો લાભ મળતો નથી હોતો તે માટે મ્યુનિ. કમિશનરશ્રી ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્રના સમયમાં વિશેષ સમય ચાલુ રાખવા જણાવ્યું છે જેથી વધુને વધુએ લોકો મનપાની સેવાઓનો લાભ લઇ શકે.

મ્યુનિ. કમિશનર વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાને મ્હાત આપવા મહાનગરપાલિકા દ્વારા લોકોને અનુરૂપ કામગીરી કરવામાં આવી રહી છે. લોકોએ કોરોનાથી ગભરાવાની જરૂર નથી. જે વ્યકિતને શરદી, તાવ, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેમણે તુર્ત જ નજીકમાં આવતા મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જયાં તેમણે સંપૂર્ણ સારવાર વિનામુલ્યે આપવામાં આવશે. જરૂર જણાયે તેમની કોરોના અંગેના ટેસ્ટીંગની કામગીરી પણ કરવામાં આવશે. લોકો જેટલું વહેલું નિદાન કરાવશે મહાનગરપાલિકા તેમણે તેટલી વહેલી સારવાર આપશે.

શહેરમાં ૫૦ ધનવંતરી રથ કાર્યરત છે જેના દ્વારા લોકોને વિવિધ સેવાઓ આપવામાં આવે છે. આપના ઘર આંગણે આવીને સારવાર આપવામાં આવે છે. એટલે જ ધનવંતરી રથને હરતું-ફરતું દવાખાનું કહેવામાં આવે છે. કોરોના સામે લડવા માટે માણસની રોગ પ્રતિકારક શકિત વધારે હોવી જરૂરી છે. જેટલી રોગ પ્રતિકારક શકિત વધારે હશે તેટલો કોરોના સામે લડી શકશે તે માટે મનપા દ્વારા રથ મારફત આયુર્વેદિક ઉકાળા, આયુર્વેદિક દવા, નસ્ય સેવા આપવામાં આવે છે.

(3:05 pm IST)