Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ડો.બી.ટી.ડઢાણીયાનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ : ઘેરો શોક

છેલ્લા ૫૫ વર્ષથી દર્દીઓની સારવાર કરનાર જાણીતા તબીબ : રાજકોટના તબીબી જગતે કોરોનામાં પ્રથમ ડોકટર ગુમાવ્યા : ગમગીની

રાજકોટ, તા. ૧૭ : રાજકોટ સૌરાષ્ટ્રના જાણીતા સેવાભાવી અને દર્દીઓના સચોટ નિદાન કરનાર ડો.બી.ટી.ડઢાણીયા (ઉ.વ.૭૯) કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેની સારવાર દરમિયાન હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા મૃત્યુ નિપજતા તબીબી આલમમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.

મુળ બાટવાના વતની કડવા પાટીદાર ડો.બી.ટી. ડઢાણીયા ૨૫ વર્ષ સુધી બાટવામાં જ પ્રેકટીસ કરી હતી. તબીબી ઉપરાંત રાજકીય અને સામાજીક ક્ષેત્રે પણ લોકોના ઉત્કર્ષ માટે સતત કાર્યરત રહેતા.

કોરોનાના કહેરમાં અનેક ડોકટરો તેમનું દવાખાનુ કે કલીનીકે જતા ન હતા. ત્યારે દર્દીઓની સેવામાં સતત તત્પર રહેનાર ૭૯ વર્ષના ડો.બી.ટી. ડઢાણીયાને  તા.૧૨ના કોવિડ - ૧૯ પોઝીટીવ આવેલ. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ. તા.૧૩ના તેમને હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા આ દુનિયાને કાયમ માટે અલવિદા કરી હતી.

છેલ્લા સાડા પાંચ દાયકાથી ડો.બી.ટી.ડઢાણીયા તબીબી સારવારનો બહોળો અનુભવ ધરાવતા હતા. દર્દીઓના દર્દને નજીકથી પારખીને જરૂરી સારવાર કરી ભારે લોકપ્રિયતા હાંસલ કરેલ. તબીબી આલમમાં સીનીયર મોસ્ટ ડો.બી.ટી.ડઢાણીયાના નિધનથી ઘેરા શોકની લાગણી છવાઈ છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓએ દર્દીઓની સેવા કરી અનેક ડોકટરોને નવો રાહ આપ્યો છે. ડો.બી.ટી. ડઢાણીયાની સેવાને આજે સીનીયર નામાંકિત તબીબોએ અંજલી આપી અને સેવા કાર્યને બિરદાવેલ છે.

(3:36 pm IST)