Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ચુનારાવાડ-૩ના ખુણે જુના મનદુઃખમાં ભવાનીનગરના તુષાર ઉર્ફ ભુરો અને કિશન પર પાંચ જણાનો હુમલો

સામા પક્ષે નવયુગપરાના ઇસ્માઇલને હોઠ પર છરીથી ઇજાઃ થોરાળા પોલીસે સામ-સામે ગુનો નોંધ્યો : ધમાલનો વિડીયો થયો વાયરલ

રાજકોટઃ શહેરના ચુનારાવાડ શેરી નં. ૩ના ખુણા પાસે વાહનને કાવા મારવા જેવી બાબતે ડખ્ખો થતાં ભવાનીનગરના યુવાન પર નવયુગપરાના પાંચ શખ્સોએ હુમલો કરી પાઇપથી ઇજા કરતાં તેમજ વચ્ચે પડેલા તેના માસીના દિકરાને પણ ફટકારતાં ઇજાઓ થઇ હતી. સામા પક્ષે હુમલો કરનારા નવયુગપરાના યુવાનને પણ વળતા ઘામાં હોઠ પર છરીનો ઘા લાગી જતાં પોલીસે સામ-સામા ગુના નોંધ્યા છે. સરાજાહેર મચી ગયેલી ધમાલનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

થોરાળા પોલીસે આ મામલે રામનાથપરા ભવાનીનગર-૫માં રહેતાં તુષાર ઉર્ફ ભુરો જયેશભાઇ વજાણી (ઓડ) (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી નવયુગપરાના ઇસ્માઇલ, શરીફ અને ત્રણ અજાણ્યા સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે. તુષારના કહેવા મુજબ પોતાને ખીલી લાગી હોઇ ધનુર ન થાય તે માટે ઇન્જેકશન મરાવવા પોતે અને માસીનો દિકરો કિશન ગોહેલ એકટીવા લઇ ચુનારાવાડ-૩ના ખુણેથી નીકળતાં ઇસ્માઇલ સહિતે પરમ દિવસે થયેલા મનદુઃખનો ખાા રાખી ગાળો દઇ બંનેને ઢીકા-પાટુનો માર મારી તેમજ પાઇપનો ઘા તુષારના માથામાં ફટકારતાં ઇજા થઇ હતી.

સામા પક્ષે નવયુગપરા-૫ આજી કાંઠે બાગે ઇસ્માઇલમાં રહેતાં ઇસ્માઇલ ચાંદભાઇ તાઇ (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી ભુરો ઓડ અને તેની સાથેના શખ્સ સામે ગુનો નોંધાયો છે. ઇસ્માઇલના કહેવા મુજબ તે અને મિત્ર ઇમ્તિયાઝ પોતાનું બાઇક લઇને ચુનારાવાડ-૩ના ખુણે ઉભા હતાં ત્યારે ભુરો અને તેની સાથેનો શખ્સ ત્યાં આવતાં વાહન આડે રાખવા બાબતે બોલાચાલી કરી છરીથી હુમલો કરતાં પોતાને હોઠમાં ઇજા થઇ હતી. પીએસઆઇ એ.એલ. બારસીયાએ બંને ગુના નોંધી તપાસ શરૂ કરી છે. તુષાર ઉર્ફ ભુરા પર હુમલો થયો તેના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો સોશિયલ મિડીયામાં ફરતાં થઇ ગયા હતાં. જે તસ્વીરોમાં જોઇ શકાય છે.

(12:48 pm IST)