Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

આર્થિક નબળા પરિવારો માટે સમરસ કોવિડ જેવા સેન્ટરો આશિર્વાદ સમાનઃ મહારાષ્ટ્રના અનિલભાઇ નાયકવાડ

રાજકોટ તા. ૧૮ : એકસીઝ બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કાર્યરત અનિલભાઈ નાયકવાડ કોરોનાથી સંક્રમિત થયા હતા. સંક્રમિત થયા બાદ રાજકોટ કોવીડ કેર સેન્ટરમાં સારવાર લેવાની પસંદગી અંગે પોતાનો વિચાર રજુ કરતાં જણાવ્યું હતું કે, 'આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગીય પરિવાર માટે રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલ અને સમરસ જેવા કોવીડ કેર સેન્ટરો આશીર્વાદ સમાન છે. લોકોની માનસિકતા એવી ઘડાઈ ગઈ છે કે નિઃશુલ્ક છે એટલે સારવાર ગુણવત્તાસભર નહીં હોય પરંતુ અહીંની સારવાર લીધા બાદ મને લાગે છે કે આ વાત સાવ ખોટી છે.'

મેં સમયસર કોવીડ કેર સેન્ટરમાં ૧૦ દિવસ સારવાર લીધી. પરિવારથી દૂર રાજકોટમાં એકલો વસવાટ કરતો હોવાથી થોડો ભયભીત હતો પરંતુ આપ્તજનની જેમ સારવાર મળવાથી મારો ડર પણ જતો રહ્યો તેમ અનિલભાઈએ જણાવ્યું હતું.

દેશના દરેક નાગરિકોને સંદેશો આપતા અનિલભાઈએ કહ્યું હતું કે, 'ડર માણસનો મોટો શત્રુ છે, જો એ ડર નામના શત્રુને હરાવી દીધો તો દરેક ક્ષેત્રમાં જીત નિશ્ચિત છે. એ જ રીતે કોરોનાથી ડરવાની કે અન્યને ડરાવવાની જરૂર નથી. સાવચેતી અને સલામતીના શસ્ત્રોથી કોરોનાને સરળતાથી હરાવી શકાય છે. વડીલોએ કારણ વગર ઘરની બહાર નીકળવું નહી, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, પૌષ્ટીક ખોરાક લેવો વગેરે પગલાઓ કોરોનાને આપણાથી માઇલો દૂર રાખશે.' એન્ટીજન ટેસ્ટ, નિઃશુલ્ક સારવાર, બે ટાઈમ ઉકાળા, પૌષ્ટીક આહાર સહિતની સુવિધાઓ દર્દીઓને ઉપલ્બધ કરાવીને સંવેદશીલ રાજય સરકાર સાચા અર્થમાં પોતાની સંવેદના લોકો સુધી પહોંચાડી રહી છે, તેમાં કોઈ બેમત નથી.

(3:45 pm IST)