Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

સતત બીજા દિવસે મ.ન.પા.નું બુલડોઝર ધણધણયું

ન્યુ રાજકોટ વિસ્તારમાં ૧.૨૦ અબજની જમીનમાંથી ૮૦ દબાણોનો બુકડો

યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાછળનાં વિસ્તારમાં આવેલ મહિલા આઇ.ટી.આઇ પાસે તંત્રનાં કોમર્શિયલ અને આવાસનાં પ્લોટમાં ખડકાયેલ કાચા-પાકા ૬૮ મકાનો, રૈયા રોડ પર ૧૩ ઝુંપડા તથા વોર્ડ નં.૧નાં સતાધાર પાર્ક વિસ્તારમાં ૧ ઓટા સહિત ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન કરી ૧૫ હજાર ચો.મી જમીન ખુલ્લી

ડિમોલીશન : મ્યુ. કોર્પોરેશનની વેસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં. ૧, ૯, ૧૦ના વિવિધ વિસ્તારમાં તંત્રના પ્લોટમાં ઉભા થયેલા ગેરકાયદે ૮૦ બાંધકામોનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭ : મ્યુ. કોર્પોરેશન દ્વારા બુલડોઝર સતત બીજા દિવસે ધણધણતા આજે સવારે વોર્ડ નં. ૧૦ના યુનિવર્સિટી રોડ પર આવેલ કિડની હોસ્પિટલ પાછળ મહિલા આઇ.ટી.આઇ. પાસેની કોમર્શિયલ અને આવાસ હેતુના અલગ-અલગ ૩ પ્લોટમાં ખડકાયેલ ગેરકાયદે ૬૮ કાચા-પાકા મકાનો, વોર્ડ નં. ૯માં રૈયા રોડ પર સવન સીગ્નેટની સામે શોપીંગ સેન્ટર હેતુની જગ્યામાંથી ૧૦ ઝુંપડા તથા વોર્ડ નં. ૧માં સત્તાધાર પાર્ક વિસ્તારમાંથી વાણીજ્ય વેચાણ હેતુના પ્લોટમાંથી ૧ ઓટાનું તથા રૈયા રોડ પર વિક્રમ મારબલ સામેના તંત્રમાં પ્લોટમાં ૩ ઝુંપડા તથા ૩ કેબીન સહિતના ગેરકાયદે ૮૦ બાંધકામોના તોડી પાડી ૧૨૦.૭૫ કરોડની ૧૫ હજાર ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે ટાઉન પ્લાનીંગ શાખાની સત્તાવાર માહિતીમાં જણાવ્યા મુજબ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલના સુચના મુજબ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ તા. ૧૭ના વેસ્ટ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. ૧, ૯ તથા ૧૦ના ટાઉન પ્લાનીંગ સ્કીમના અનામત પ્લોટ, ટી.પી. રોડમાં થયેલ ગેરકાયદેસર દબાણ - બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં વોર્ડ નં. ૧૦ ટી.પી. સ્કીમ નં. ૧૬ - રૈયા એફ.પી. નં. ૮૬/એ વાણીજ્ય વેચાણ હેતુ તથા ૨૦મી. ટી.પી. રોડ, કીડની હોસ્પિટલ પાછળ, તોરલ પાર્ક રોડ વિસ્તારમાં ૩૫ ઝુંપડા દુર કરી ૩૮.૨ કરોડની ૫૬ હજાર ચો.મી. જમીન, ટી.પી. સ્કીમ નં. ૧૬ - રૈયા એફ.પી.નં. ૩૧/એ એસઇડબલ્યુએસએચ હેતુ કીડની હોસ્પિટલ પાછળ તોરલ પાર્ક રોડ પરની ૨૨ કાચા - પાકા મકાન તોડી ૧૭.૭૬ કરોડની બે હજાર ચો.મી.ની જગ્યા તથા ટી.પી. સ્કીમ નં. ૫ - નાનામવા એફપી નં. ૨૧૧ ખુલ્લી જમીન હેતુ કીડની હોસ્પિટલ પાછળ તોરલ પાર્ક રોડમાંથી ૬ કાચા પાકા મકાન તોડી પાડી ૪૫૬ ચો.મી. જગ્યા ૩.૬૪ કરોડ તેમજ વોર્ડ નં. ૯માં ટી.પી. સ્કીમ નં. ૪ રૈયા એફ.પી. નં. ૭૬૯ શોપીંગ સેન્ટર હેતુ સવન સીગ્નેટની સામે, રૈયા રોડ પર ૧૦ ઝોપડી દુર કરી પાંચ હજાર ચો.મી.નાં ૩૭.૮૮ કરોડની જમીન, વોર્ડ નં. ૧નાં ટી.પી. સ્કીમ નં. ૨૨ રૈયા એફપી નં. ૫૮/એ વાણીજ્ય વેચાણ હેતુ સતાધાર પાર્કમાંથી ૧ ઓટાનું બાંધકામ દુર કરી ૧૬૭૭ ચો.મી. રૂ. ૧૦.૦૬ કરોડ તથા વોર્ડ નં. ૧ના ટી.પી. સ્કીમ નં. ૨૨ રૈયા એફપી નં. ૩/એ વાણીજય વેચાણ હેતુ રૈયા રોડ વિક્રમ મારબલની પાસે ૩ - ઝુંપડા, ૩-કેબીન દુર કરી ૧૩.૧૭ કરોડની ૧૬૪૭ ચો.મી. સહિત કુલ ૧૫૫૧૩ ચો.મી.ની ૧૨૦.૭૫ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસી. ટાઉન પ્લાનર અજય એમ. વેગડ, આર.એમ.મકવાણા, એ.જે.પરસાણા, પી.ડી.અઢીયા, જી.ડી.જોષી, એ.આર.લાલચેતા, વી.વી.પટેલ, એસ.એસ.ગુપ્તા, આસી. એન્જીનિયર હર્ષલ દોશી, વી.ડી.સિંધવ, એમ.એ.ખાનજી, વિપુલ મકવાણા, વી.પી.બાબરીયા, જયદિપ એસ. ચૌધરી, ઋષિ ચૌહાણ, એડી. આસી. એન્જીનિયર તુષાર એસ. લીંબડી, અશ્વિન પટેલ, મનોજ પરમાર, સુરેશ કડીયા, દિલીપ પંડયા, દિલીપ અગ્રાવત, તમામ વર્ક આસી., તમામ સર્વેયર તથા અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત રોશની શાખા, જગ્યા રોકાણ શાખા, એસ.ડબલ્યુ.એમ. શાખા, બાંધકામ શાખા, ફાયર બ્રિગેડ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિજીલન્સ ડી.વાય.એસ.પી. આર.બી.ઝાલા સહિતનો સ્ટાફ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.

(3:27 pm IST)