Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

રાજકોટના જયશન પટેલના ગોડાઉનમાંથી ૮૦ર બોટલ દારૂ અને ઘરમાંથી રિવોલ્વર મળી

રાવકીના શેઇડમાં લોધીકાના પીએસઆઇ એચ. એમ. ધાંધલ તથા સ્ટાફનો દરોડો : દારૂ પ્રકરણમાં રાજકોટના અન્ય ૩ શખ્સોની શોધખોળ

રાજકોટ : રાજકોટની ભાગોળે રાવકી ગામની સીમમાં શેઇડના ગોડાઉનમાં લોધીકા પોલીસે રેઇડ કરી ૮૦ર બોટલ દારૂના જથ્થા સાથે રાજકોટ ૩ ના નામો ખુલતા શોધખોળ હાથ ધરાઇ છે. પકડાયેલ પટેલ શખ્સના ઘરમાંથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવતા તે અંગે તેની સામે અલગથી ગુન્હો દાખલ કરાયો  છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાવકીની સીમમાં માખાવડ રોડ ઉપર સુરભી ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલ કારખાનાના શેઇડ નં. ૮માં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળતા લોધીકાના પીએસઆઇ એચ.એમ. ધાંધલ તથા પો. કો. લખધીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે જયશન રસીકભાઇ સાવલીયા (પટેલ) રે. સ્વાતી પાર્ક શેરી નં. ૬ કોઠારીયા રોડ રાજકોટના કબ્જા ભોગવટાના શેઇડમાં રેઇડ કરી વિદેશીદારૂની બોટલ નંગ ૮૦ર કિ. રૂ. ૮૦,૭૦૦ નો જથ્થો પકડી પાડી જયશન પટેલને ઝડપી લીધો હતો.

પકડાયેલ જયશન પટેલે પોલીસ પુછતાછમાં આ દારૂનો જથ્થો મુન્ના પઠાણ રે. જામનગર રોડ રાજકોટએ આપ્યો હોવાની અને આબીલ મોદી રે. જંગલેશ્વર રાજકોટ તથા અજાણ્યો એક શખ્સ ગોડાઉનમાંથી દારૂના વેચાણ માટે હેરાફેરી કરતા હોવાની કેફીયત આપતા ઉકત ત્રણેયની શોધખોળ હાથ ધરાઇ છે.

તેમજ પકડાયેલ જયશન પટેલે પોલીસ પુછતાછમાં તેની ઘરે દેશી બનાવટની રિવોલ્વર હોવાની કબુલાત આપતા લોધીકા પોલીસે જયશનના ઘરેથી રિવોલ્વર કબ્જે કરી તેની સામે હથિયાર ધારા હેઠળ અલગથી ગુન્હો દાખલ કર્યો હતો. જયશને આ  હથિયાર કયાંથી લીધુ અને શેના માટે લીધુ હતું ? તે અંગે તેની વિશેષ પુછતાછ હાથ ધરાઇ છે.

(10:14 pm IST)