Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રાજકિય પક્ષોમાં ગભરાટ કોરોનાને કારણે ઓછું મતદાન થશે તો ?

૪૦% આસપાસનું મતદાન આશ્ચર્યજનક પરિણામ આપી શકે

રાજકોટ તા. ૧૯ : મ.ન.પા.ની ચૂંટણીમાં મતદાનને આડે હવે ૪૮ કલાક બાકી છે ત્યારે રાજકિય પક્ષોમાં મતદાનને લઇ ગભરાટની સ્થિતિ જોવા મળી રહી છે. કેમકે વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં જો મતદાન ઓછું થશે તો તમામ મુખ્યપક્ષોને નુકશાનની ભીતી છે અને પરિણામો પણ આશ્ચર્ય સર્જનાર બની રહે તેવી અટકળો થઇ રહી છે.

ભૂતકાળની ચૂંટણીઓ પર નજર નાંખીએ ૨૦૧૫માં પાટીદાર આંદોલનના ફેકટરને કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માત્ર ૪ બેઠકોનો જ ફેર રહ્યો હતો. ભાજપ ૩૮ બેઠકો સાથે સત્તાપર બેસેલ અને કોંગ્રેસ ૩૪ બેઠકો સાથે મજબૂત વિપક્ષ થયેલ પરંતુ આ વખતે કોરોનાની વૈશ્વિક મહામારી છે. સંક્રમણ રોકવા 'લોકડાઉન' જેવી યાતના ભોગવી ચૂકેલા નાગરિકોમાં હજુ કોરોનાનો ભય ઊંડે ઊંડે રહેલો છે. આવી સ્થિતિમાં કેટલા લોકો મતદાન માટે બહાર નિકળશે ? તેના પર સૌની મીટ મંડાઇ છે.

જો ૪૦%ની આસપાસ મતદાન થશે તો પરિણામો આશ્ચર્ય સર્જશે. કેમકે ભાજપની રણનીતિ હંમેશા એવી રહી છે કે દરેક ઘરમાંથી ૧૦૦ ટકા મતદાન થાય અને તે માટે કાર્યકરો મહેનત પણ કરતા હોય છે.

આમ છતાં જો ઓછું મતદાન થશે તો? તેવો પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. પછાત વિસ્તારોને હંમેશા કોંગ્રેસની વોટ બેંક માનવામાં આવે છે. આથી આવા વિસ્તારોમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કોંગ્રેસ કરી રહેલ છે.

જ્યારે 'આમ આદમી પાર્ટી'નું જોર કેટલાક વોર્ડમાં જોવા મળી રહ્યું છે. પરંતુ વધુ મતદાન થાય તો જ 'આપ'ને બેઠક મળવાના ચાન્સ રહે. આમ મતદાન પૂર્વે આવા તમામ મુદ્દે રાજકિય પક્ષોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.

(2:52 pm IST)