Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કરવેરા-શિક્ષણ-આરોગ્ય મોંઘુઃ સરકારી સ્કૂલો બંધઃ ભાજપે લોકોની કમ્મર તોડી

સ્વપ્નોની ભરમાર રચ્યા સિવાય એક પણ પ્રજાલક્ષી કામ ભાજપ સરકારે કર્યુ હોય તો બતાવો ? : જયરાજસિંહ પરમાર : વોર્ડ નં. ૩માં સામા પાણીએ ચાલી પ્રજાની પડખે ઉભા રહેતા કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર ગાયત્રીબા વાઘેલા, કાજલબેન પુરબીયા, દાનાભાઈ હુંબલ, દિલીપભાઈ આસવાણીની જીત નિશ્ચિત : ૨૦૦૨ પછી લાઈટનું બીલ વધ્યુ કે ઘટયુ ? કરવેરા (સફાઈ-પાણી) વધ્યા કે ઘટયા ? દવાખાના-નિશાળની ફી વધી કે ઘટી ? બસના ભાડા, રેલ્વેની પ્લેટફોર્મ ટીકીટ વધી કે ઘટી ? માસ્ક અને ઈ-મેમોના દંડ-વધ્યા કે ઘટયા ? કોંગ્રેસના પ્રદેશ અગ્રણી પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહારો

રાજકોટ, તા. ૧૯ :. જંકશન પ્લોટ, સ્લમ કવાટર્સ, પરસાણાનગર,  જુલેલાલનગર, સિંધી કોલોની, ગાયકવાડી,  બેડીનાકા, રેલનગરથી લઈ જામનગર રોડ પરના માધાપર સુધી ૮૦ હજાર મતદારો સાથે પથરાયેલા રાજકોટના સૌથી મોટા વોર્ડ નં. ૩માં સતત ૩ ટર્મથી ચૂંટાતા આવેલા કોંગ્રેસના કર્મશીલ અને પ્રજાની પડખે સામા પાણીએ તરી ઉભા રહેતા જાગૃત અને લોકપ્રિય ઉમેદવાર શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, શ્રીમતી કાજલબેન પુરબીયા, દાનાભાઈ હુંબલ અને દિલીપ આસવાણીના પ્રચારમાં આવેલા વિધાનસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના યુવા અગ્રણી પરેશભાઈ ધાનાણી અને કોંગ્રેસના તેજતર્રાર પ્રદેશ પ્રવકતા જયરાજસિંહ પરમારે છેલ્લા ૨૫ વર્ષથી ભાજપે ફેલાવેલા ભય, ભૂખ, ભ્રષ્ટાચાર યુકત શાસનને જાકારો આપી રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં કોંગ્રેસને સત્તા પર લાવવા મતદારોને અપીલ કરી હતી.

સભાને સંબોધતા કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે જણાવેલ કે રાજાનો દિકરો રાજા બને, વધુ માથા કાપે તેને રાજ મળે તેવુ પહેલાના જમાનામા હતુ પરંતુ સાંપ્રત લોકશાહીમાં રકતનુ એક ટીપુય વહાવ્યા વગર તમારા મત થકી બદલી જાય છે. ભાજપે છેલ્લા ૨૫ વર્ષમાં તમને બતાવેલા નકલી સ્વપ્નોની ભરમારથી વાસ્તવિક સ્થિતિ સમજી કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી. કોંગ્રેસને મત શા માટે ? તેના કારણો આપતા શ્રી પરમારે જણાવેલ કે, નિતિમત્તા, લોકશાહી મૂલ્યો ભુલી સત્તા થકી સંવિધાનીક અને સ્વાયત સંસ્થાઓના દૂરૂપયોગ કરી ભાજપે પ્રજાને બાનમાં લીધી છે. કોંગ્રેસ કેડર બેઈઝ પાર્ટી નથી પરંતુ છેક ૧૮૮૫થી પ્રાંત, જાતિ, ધર્મમાંથી એક હેતુરૂપી ભારતની આઝાદીનું આંદોલન ઉભુ કરનાર પક્ષ છે અને તેના અમે સૈનિક હોવાનુ ગર્વ છે. ભાજપે કમનસીબે લોકોના કાર્યો ઓછા અને સ્વપ્નો વધારે દેખાડયા છે. કોંગ્રેસ કરી પોતે કરેલા કામોનો ઢંઢેરો પીટ્યો નથી.

પેટ્રોલ-ડીઝલ રૂ. ૨૦થી ૨૫માં મળશે. લાહોરમાં ત્રિરંગો લહેરાવાશે, દાઉદને પકડી લવાશે, દરીયાનું ખારૂ પાણી મીઠુ બનાવી દેવાશે તેવા દુઃસ્વપ્નો દેખાડી પ્રજાને છેતરનાર ભાજપના વિરૂદ્ધમાં મત આપવાનો સમય પાકી ગયો છે તેમ જણાવી આજે પેટ્રોલ લીટરના ૧૦૦ રૂ.થી વટી પ્રજાના ગજવા ખાલી કરી રહ્યો છે.

સીલીન્ડરના ભાવો કોંગ્રેસના સત્તાકાળમાં જે ૩૫૯ હતા તે વધીને આજે ભાજપન સત્તાકાળમાં ૭૭૦ રૂ. એ પહોંચ્યાની વાસ્તવિક સ્થિતિ પ્રસ્તુત કરી કારમી મોંઘવારીમા પીસાતી પ્રજાને ભાજપને ઉખાડી ફેંકવા અપીલ કરી હતી.

શ્રી પરમારે તાજેતરમાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ડીએસપી કલેકટર અમારા ગજવામાં છે તેવા વિધાનો જાહેરમાં કર્યા હતા તેનો ઉલ્લેખ કરી ભયરહીત શાસનની આ સરકાર પાસેથી શું અપેક્ષા રાખવી તેવો વેધક સવાલ કર્યો હતો. આવતા દિવસોમાં પાણીની માફક ઓકસીજન પાઉચ પેકમાં ખરીદવા ન પડે તેમ ઈચ્છતા હોવ તો કોંગ્રેસને વિજયી બનાવવા પરમારે આહવાન કર્યુ હતું.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ લોકભોગ્ય ભાષામાં જણાવ્યુ હતુ કે કરવેરા ભારોભાર તિજોરી ખાલી છતાંય અડીખમ બની લૂંટાવ્યો કોણે ? જમીન (પડતર ગૌચર), આકાશ (એફએસઆઈ) પાણી (નર્મદાના નીર) વેંચ્યા કોણે ? ૨૦૦૨ પછી લાઈટ બીલ વધ્યુ કે ઘટયુ ? કરવેરા વધ્યા કે ઘટયા ? દવાખાના-નિશાળની ફી વધી કે ઘટી ? બસ ભાડા - રેલ્વે પ્લેટફોર્મ ટીકીટ વધી કે ઘટી ? લોકડાઉનમાં આમજનતાના પોણા બે લાખ વાહનો કબ્જે કરી ૫ હજાર ૧૦ હજારના દંડ વસુલ્યા કોણે ? જેવા વેધક સવાલો કરી ભાજપની કરણી અને કથની ખુલ્લી પાડી પ્રજાને ૨૧મી તારીખે કોંગ્રેસની તરફેણમાં મત આપવા અપીલ કરી હતી.

શ્રી ધાનાણીએ રાજકોટ કોર્પોરેશનમાં કોંગ્રેસની સત્તા આવશે તો વિનામૂલ્યે અંગ્રેજી શિક્ષણ, ગંદકી ગામની બહાર અને નળમાં જળ અને સરકાર સંચાલીત દવાખાનામાં મફતમાં સારવાર આપવાનુ વચન આપ્યુ હતું.

આ તકે રેલનગરમાં યોજાયેલી જનમેદનીથી હકડેઠઠ્ઠ સભાને સંબોધતા આ વિસ્તારના જાગૃત મહિલા કોર્પોરેટર અને પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલાએ રેલનગર, જંકશન, બેડીનાકા વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણીના પ્રજાના પ્રશ્નો ઉકેલી કરેલા કાર્યોના લેખાજોખા પ્રસ્તુત કર્યા હતા અને ૨૧મી તારીખે લોકશાહીના પર્વ રૂપી ચૂંટણીમાં કોંગ્રેસને જંગ બહુમતીથી ચુંટી કાઢવા હક્કભેર મત માંગ્યા હતા. આ તકે ઉમેદવારો સર્વશ્રી દાનાભાઈ હુંબલે તેમની શાળાના માધ્યમથી લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓની ૨૯ લાખ જેટલી માતબર ફી માફ કરી વિપત્તિકાળમાં હરહંમેશ વોર્ડ નં. ૩ની પ્રજા માટે સેવાની જ્યોત પ્રજ્વલીત રાખવાનો કોલ આપ્યો હતો.

આ પેનલના આવા જ ત્રીજા સેવાભાવી ઉમેદવાર જે આખુ વર્ષ 'અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો'ની ઉકિત સાર્થક કરતો સેવાયજ્ઞ ચલાવે છે. તેમણે પણ રોડ, રસ્તા, પાણી, ગટર, સફાઈ પ્રશ્ને સતત જાગૃત રહી પ્રજાના પ્રાણપ્રશ્નો ઉકેલવા બાંહેધરી આપી હતી. આ જ રીતે સમૂહલગ્ન સહિતના સેવા કાર્યો કરી વાલ્મિકી સમાજના ઉત્થાન માટે સક્રિય કાજલબેન પુરબીયાએ પણ મતદારોના પ્રશ્ને દોડતા રહેવા કોલ આપી આગામી ચૂંટણીમાં કોંગ્રેસની પેનલને વિજયી બનાવવા અપીલ કરી હતી.

આ સભામાં સિંધી સમાજના સંત શ્રી અમરલાલજી, ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રી પી.ટી. જાડેજા,  કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ શ્રી જે.પી. જાડેજા, જીલ્લા અધ્યક્ષ શ્રી કૃષ્ણસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, શહેર કોગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રઘુવંશી અગ્રણી શૈલેષભાઈ ગણાત્રા, રઘુવંશી અગ્રણી અશોક સચદે, અજયભાઈ ભરવાડ અને રાજવિરસિંહ વાળા, સિંધી સમાજના દશરથ સાહેબ અને સોની મહારાજે ઉપસ્થિત રહી કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી.

(3:59 pm IST)