Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

પાંચ દિવસ સિવિલના સ્ટાફની દેખરેખમાં વેન્ટીલેટર પર રહ્યો ને કોરોના તથા ભય બંને ગાયબ થયા

સાજા થયેલા બાવન વર્ષના અનિલભાઇ વૈષ્ણવે કર્યા વખાણ

રાજકોટ તા. ૧૯ : સિવિલ હોસ્પિટલનો સ્ટાફ છેલ્લા ૭ મહિનાથી પ્રેમનું ઝરણું વહેવડાવીને કોરોના દર્દીઓનું યોગ્ય નિદાન કરી રહ્યો છે. જેના પરિણામે રાજકોટમાં ધીમે ધીમે કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક ઘટી રહ્યો છે અને અનેક વયોવૃધ્ધ વ્યકિતઓ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફર્યા છે. જેમાનાં એક નાગરિક એટલે બાવન વર્ષીય અનિલભાઈ વૈષ્ણવ.

સરકારશ્રીના અસરકારક નિર્ણયો અને સિવિલ સ્ટાફની આત્મીયતા સભર કામગીરીના વખાણ કરતાં બાવન વર્ષીય અનિલભાઈ વૈષ્ણવે જણાવ્યું હતું કે, 'મને સામાન્ય તાવ અને શરદી-ઉધરસના લક્ષણો જણાતાં પ્રાઈવેટ હોસ્પિટલમાંથી દવા લીધી હતી. ફેર ન પડતા સરકારશ્રી દ્વારા નિઃશુલ્ક કરવામાં આવતો એન્ટીજન ટેસ્ટ કરાવ્યો. એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવ્યો અને શ્વાસ લેવામાં પણ તકલીફ હતી એટલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો. સિવિલ હોસ્પિટલમાં સ્ટાફે ખુબ મારું ધ્યાન રાખ્યું છે. ૫ દિવસ વેન્ટીલેટર પર હતો, શરીરમાં નબળાઈ પણ હતી, પરંતુ ત્યાંના સ્ટાફના વ્યવહારમાંથી મને ખુબ સકારાત્મકતા મળતી હતી. ૫ દિવસ બાદ મારા મનમાંથી કોરોનાનો ભય ગાયબ થઈ ગયો અને સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું.'

સિવિલમાંથી મને સમરસ કોવીડ કેર સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો હતો. ત્યાં પણ વાતાવરણ એકદમ પારિવારિક હુંફભર્યું હતું. પુસ્તકો અને મોબાઈલમાં ફિલ્મ અને સમાચાર જોઈને મારો સમય કયાં પસાર થઈ જતો તેની ખબર ન પડતી. એક પણ વાર એમ ન થયું કે સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દીઓનું સરખું ધ્યાન નથી રખાતું. હું સંતુષ્ટ છું સરકાર અને તબીબોની કામગીરીથી, તેમ અનિલભાઈએ આનંદપૂર્વક જણાવ્યું હતું.

આમ, દર્દીઓના હુંફનો  સ્ત્રોત બનીને આરોગ્ય કર્મીઓ પરિણામલક્ષી કામગીરી કરી રહ્યા છે, અને તેની સચોટ અસર જનસામાન્ય પર વર્તાઇ રહી છે.

(2:46 pm IST)