Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

રાજકોટ ડેરીના વિવાદ મુદ્દે સરકારે તટસ્થ વ્યકિતઓની સમિતી રચીને તપાસ કરવી જોઇએઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ૧૯: રાજકોટ ડેરી અને જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન તથા જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાએ રાજકોટ ડેરીના વિવાદ મુદ્દે તપાસની માંગણી કરી છે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે દુધનો નિકાલ રોજ કરવો પડે છે. ગામડાંની દૂર સહકારી મંડળીમાં ઘરમાં વાપરવા ઓછું રાખીને દૂધ ભરે છે ત્યારે દૂધ સંઘના વહીવટદારોના ગેરવહીવટ તથા બીનજરૂરી ખર્ચાઓને લીધે દૂધ ભરતાં ગ્રાહકોને પ્રમાણમાં ભાવ ઓછા મળે છે. દૂધ સંઘો જ એક એવી સંસ્થા છે કે તેના વહીવટદારો દૂધના ખરીદ ભાવ તથા દૂધની બનાવટોના વેચાણ ભાવ નકકી કરે છે.

દૂધ સંઘની તમામ વ્યવસ્થાનો ખર્ચ આ દૂધની આવકમાંથી જ કરવામાં આવે છે. પ્લાન્ટ, મશીનરી કે અમુક આઇટમોમાં અમુક ટકા રકમ સબસીડીરૂપે મળે છે. બાકીનું પગાર, વાહન ભાડા-ભથ્થા, મકાન, ઓફિસ, કે અન્ય સવલતો વિગેરેની લોન કે અન્ય તમામ ખર્ચ આ દૂધની આવકમાંથી જ પશુપાલકોના ભોગે જ થાય છે જેથી દરેક દૂધ સંઘમાં કરકસરભર્યો વહીવટ થાય એ જરૂરી છે.

રાજકોટ ડેરીમાં હાલમાં ભ્રષ્ટાચાર વિગેરેની બાબતે રજુઆતો થાય છે, વિવાદ ચાલે છે આ અંગે સરકારે તટસ્થ વ્યકિતઓની સમિતી નીમીને તપાસ કરાવવી જોઇએ જેથી દૂધ ભરતાં ગ્રાહકો તેમ જ આમ જનતાને સત્ય હકીકત શું છે તેનો ખ્યાલ આવી શકે દૂધ મંડળીઓમાં દૂધની આવકમાંથી વરસ આખરે જે વધારો (નફો) થાય તે રકમમાંથી અનામત ભંડોળ, ઘસારા ફંડ, બિલ્ડીંગ ફંડ, કર્મચારી બોનસ ફંડ વિગેરેની રકમ કપાત કર્યા પછી જ દૂધ ભરતાં ગ્રાહકોને બોનસ રૂપે નફાની ફાળવણી કરવામાં આવે છે. સરકારે દૂધ મંડળીઓમાં કોઇપણ પ્રકારના ફંડની કપાત કરવાની જોગવાઇ રદ કરવી જોઇએ. કારણ કે દૂધ મંડળીની આવકમાંથી વરસ દરમ્યાન જે કાંઇ ખર્ચ થાય તેની તે રકમમાંથી જોગવાઇ થઇ શકે છે.

હાલમાં અતિ વરસાદને કારણે ઘાસચારાની અછત કે ગૌશાળા-પાંજરાપોળ ને સહાય આપવામાં આવે છે પરંતુ દૂધ ભરતાં ગ્રાહકોને કોઇ રાહત આપવામાં આવતી નથી. આવા સંજોગોમાં કરોડો નહીં પણ અબજો રૂપિયા મંડળીઓના બેંક ખાતામાં બીન ઉપયોગી રકમ જમા છે તે રકમમાંથી પચાસ ટકા રકમ દૂધ ભરતાં ગ્રાહકોને ખાણદાણ કે ઘાસચારા માટે વાપરવાની મંજૂરી આપવી જોઇએ (જરૂરી છે) આ રકમની ફાળવણીની મંજુરી આપવા તથા દૂધ મંડળીની આવક કે નફાની રકમમાંથી કોઇપણ પ્રકારના ફંડ માટે (ભંડોળ માટે) કપાત કરવાની જે જોગવાઇ છે તે રદ કરવા પશુપાલક મંત્રી તથા મુખ્યમંત્રીશ્રીને ભીખાભાઇ બાંભણીયાએ રજુઆત કરી છે.

(2:48 pm IST)