Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ કરનાર બાબરા દરેડનો રમેશ ગરૈયા ઝડપાયો

ક્રાઇમ બ્રાંચના કોન્સ. સ્નેહ ભાદરકાર છલાંગ મારી બોલેરોના ઠાઠામાં ચડી જતાં ૬૦ કિ.મી. સુધી ગાડી ભગાવી હતીઃ પાછળ આમ-તેમ ફંગોળાતાં કોન્સ્ટેબલને નાકમાં ગંભીર ઇજા પહોંચી હતી : રમેશ અગાઉ બાબરા પંથકમાં પશુ સંરક્ષણ ધારાના ત્રણ અને સુરત ગ્રામ્યના એક કેસમાં સંડોવાયો હતો

ઝડપાયેલો રમેશ તથા બાજુમાં પીઆઇ વી. કે. ગઢવી અને કોન્સ. સ્નેહ ભાદરકા તથા બાજુની તસ્વીરમાં એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમ પણ જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૯: નવ દિવસ પહેલા પહેલા ૧૧મી ઓકટોબરના રોજ ક્રાઇમ બ્રાંચની ટૂકડીએ આજીડેમ ચોકડી નજીક દારૂ ભરેલી એક બોલેરો યુટીલીટી પીકઅપ ગાડી જીજે૦૭વાયઝેડ-૨૨૩૬ને ઘેરી લેતાં ચાલકે પુરઝડપે રિવર્સમાં લઇ પાછળ ઉભેલા ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ સ્નેહ ભાદરકાને પોતાની ગાડી અને પાછળ પડેલી પોલીસની ગાડીની વચ્ચે દબાવી દઇ મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોન્સ્ટેબલ છલાંગ મારી બોલેરોના ઠાઠામાં ચડી જતાં બચી ગયેલ. એ પછી ચાલકે પોતાની ગાડી ફુલ સ્પીડથી સર્પાકારે લગભગ સાંઇઠ કિ.મી. સુધી દોડાવ્યે રાખી હતી અને પાછળ ઠાઠામાં પાઇપ પકડી ઉભેલા કોન્સ્ટેબલ સ્નેહ ભાદરકાર પાઇપમાં આમતેમ ભટકાતાં નાકમાં ગંભીર ઇજા થઇ હતી. સતત ગાડી ઉભી રાખવાનું કહેવા છતાં ચાલકે ગાડી ભગાવી મુકી હતી અને છેલ્લે ઝાડમાં અથડાતાં ગાડી મુકી ભાગી ગયો હતો. આ ગુનામાં આરોપી રમેશ રાણાભાઇ ગરૈયા (ઉ.૪૭-રહે. દરેડ તા. બાબરા)ને ક્રાઇમ બ્રાંચે પકડી લીધો છે.

રમેશ દારૂ-બીયર ભરેલી ગાડી ફિલ્મી ઢબે સાઇઠેક કિ.મી. સુધી અલગ અલગ દસ ગામોમાં થઇ ભગાવી ગયો હતો. તેમાં છેક સુધી કોન્સ. સ્નેહ ભાદરકાર જીવના જોખમે આમ તેમ ફંગોળાતા રહ્યા હતાં અને નાકમાં ઇજા થઇ હતી. છેલ્લે ગાડી ઝાડમાં અથડાતાં રમેશ ભાગી ગયો હતો. ગાડીમાંથી મળેલા કાગળોને આધારે રમેશનું નામ ખુલ્યું હતું. આ શખ્સને ઝડપી લઇ વિશેષ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અગાઉ રમેશ ગરૈયા વિરૂધ્ધ બાબરા, કોટડા સાંગાણી અને વિછીયામાં પશુ સંરક્ષણ ધારા હેઠળના ત્રણ ગુના તથા સુરત ગ્રામ્યમાં આઇપીસી ૪૬૫, ૪૬૭ સહિતની કલમો હેઠળનો ગુનો નોંધાઇ ચુકયો છે.  પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ વી. જે. જાડેજા, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, સુભાષભાઇ ઘોઘારી, પ્રદિપસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા, સ્નેહભાઇ ભાદરકાર, અમીનભાઇ ભલુર, શકિતસિંહ ગોહિલ સહિતે આ કામગીરી કરી હતી.

કાનમાં તકલીફ હોઇ સંભળાતું નહોતું એટલે ગાડી ઉભી નહોતી રાખી!

ઐતિહાસિક લિમડા નીચે કાયદાનું ભાન કરાવાયું

. કોન્સ્ટેબલ પાછળ ઠાઠામાંથી સતત અવાજ કરી ગાડી ઉભી રાખવાનું કહેતાં હોવા છતાં શા માટે ઉભી નહોતી રાખી? તે અંગે રમેશને પુછાતાં તેણે કાનમાં તકલીફ હોઇ સંભળાતું ન હોવાથી ઉભી નહિ રાખ્યાનું રટણ કર્યુ હતું. પોલીસ કમિશનર કચેરીના લિમડા નીચે આ શખ્સને કાયદાનું ભાન કરાવાયું હતું.

(3:42 pm IST)