Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર મેહુલ સોલંકી પકડાયો

રાજકોટ, તા., ૧૯: ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપી તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર પરણીત ઢગાને મહિલા પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી સગીરાએ માયાણી નગર પાસે આવેલા ચામુંડાનગર-૪ માં રહેતા મેહુલ ડુંગરભાઇ સોલંકી સામે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદ મુજબ ભોગ બનનારને તેની સહેલીના પરીચીત સાથે સાત વર્ષ પહેલા ઓળખાણ થઇ હતી બંને વચ્ચે અવારનવાર મોબાઇલ પર વાતચીત થતી રહેતી હતી. દરમ્યાન બે વર્ષ પહેલા પોતે ૧૭ વર્ષની હોવા છતાં મેહુલે લગ્નની લાલચ આપી તેના ઘરે લઇ જઇ બળજબરીથી અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં મેહુલ પરણીત હોવાની જાણ થતા તેની સાથે સંબંધો તોડી નાખ્યા હતા તેમ છતા તે અવાર નવાર મોબાઇલ પર હેરાન કરતો હતો. ત્રણ દિવસ પહેલા ફરી મેહુલે બળજબરીથી તેના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારે તેણે પોતાના મોબાઇલમાં વિડીયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ મેહુલ અવારનવાર વીડીયો વાયરલ કરવાની ધમકી આપતા કંટાળી જઇ અંતે યુવતીએ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ તપાસ મહિલા પોલીસને સોંપવામાં આવતા મહિલા પોલીસ મથકના પીઆઇ એસ.આર. પટેલ તથા પી.એસ.આઇ. એ. જે. લાઠીયા હેડ કોન્સ હિતેન્દ્રભાઇ ગઢવી, દિયાબેન એવિયા, લોકરક્ષક સોનલબેન ચાવડા સહિતના સ્ટાફે ચામુંડાનગર શેરી નં. ૪માં રહેતા મેહુલ ડુંગરભાઇ સોલંકી (ઉ.વ.૩૧) ને પકડી લીધો હતો. મેહુલ એક સંતાનનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.

(3:46 pm IST)