Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

રાજકોટ તાબેના જામગઢ ગામના ત્રિપલ મર્ડરના કેસમાં પકડાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો ફરમાવતી અદાલત

આરોપીની બેનને ફરીયાદીએ ભગાડી જઇને લગ્ન કરતા જામગઢમાં ત્રિપલ હત્યા થયેલ હતી

રાજકોટ, તા.૧૯ : રાજકોટ જીલ્લાના જામગઢ ગામે થયેલ ત્રિપલ મર્ડરના ચકચારી કેસમાં પકડાયેલ આરોપીઓ સામેનો કેસ ચાલી જતાં રાજકોટ સેસન્સ અદાલતે આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મૂકેલ છે.

બનાવની વિગત મુજબ આરોપીની બેનને ફરીયાદી ફરીયાદી પ્રકાશ ભગાડી જતાં જામગઢ સામે ત્રણ શખ્સોની ફરીયાદ થયેલ હતી.

રાજકોટ તાબેના જામગઢ ગામે તા.ર૪-૧૧-ર૦૧૪ના નરસીભાઇ ડાયાભાઇ સદાદીયા, વિજયભાઇ નરસીભાઇ સદાદીયા, ધનજીભાઇ ઠાકરશીભાઇ સદાદીયાને જીવલેણ હથિયારોથી માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ કરી ખૂન કરેલ તથા હિતેષભાઇ લવજીભાઇ ડાભીને હાથે-પગે ફ્રેકચર કરી ઇજા કરવા સબબ કુવાડવા રોડ પોલીસે જામગઢના રહીશ મોહનભાઇ અમરશીભાઇ વાટુકીયા, મુકેશ અમરશીભાઇ વાટુકીયા, અશ્વિન રઘુભાઇ વાટુકીયા, રઘુભાઇ વશરામભાઇ વાટુકીયા, ધર્મેશ અમરશીભાઇ વાટુકીયાને ત્રિપલ મર્ડર તથા હિતેષને શરીરે ગંભી ઇજાઓ પહોંચાડવાના ગુના સંબંધે આઇ.પી.સી. કલમ-૩૦ર, ૩૦૭, ૩ર૬, ૩રપ, ૧૪ ૧, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ના કામે અટક કરેલ હતાં.

આ કેસની સુનવણી સેશન્સ જજ શ્રી પી.એન. દવેની કોર્ટમાં નિકળતા ફરીયાદ પક્ષ તરફથી કુલ-ર૧ સાહેદો તપાસવામાં આવેલ અને કુલ-૧૯૧ દસ્તાવેજો રજુ કરવામાં આવેલ, જેમાં સાહેદ હિતેષભાઇ લવજીભાઇ ડાભીનું સી.આર.પી.સી. ૧૬૪નું જજ સમક્ષનું નિવેદન પણ રજુ થયેલ. સી.આર.પી.સી. ૧૬૪ના નિવેદનની એવીડન્સરી વેલ્યુ પોલીસ રૂબરૂના નિવેદન જેટલી જ ગણાય તેમજ સાંયોગીક પુરાવાઓ પણ રજૂ થયેલ હતાં.

આરોપીઓ તરફે તેમના ધારાશાસ્ત્રી દીપક બી. ત્રિવેદી તરફે રજુઆત કરવામાં આવેલ કે ફરીયાદી પ્રકાશભાઇ તથા તેમના ભાઇ મહેશભાઇ બનાવ નજરે જોનાર સાહેદ નથી, તેઓને ઇજા પામનાર હિતેષભાઇ ડાભીએ હોસ્પિટલે બનાવ અંગેની વાત કરેલ, જેથી ફરીયાદી તથા તેના ભાઇનો પુરાવો હિયરસે પૂરાવો ગણાય. ડોકટર જેઠવાએ ઇમરજન્સીમા હતાં ત્યારે ઇજા પામનારાઓ ચારેયની હિસ્ટ્રી નોંધેલ નથી, હોસ્પિટલે ડોકટર જેઠવાએ માત્ર ધનજીભાઇ તથા હિતેષની હિસ્ટ્રી પૂછી કેસ કાગળોમાં નોંધાયેલ છે, એમાં મારનાર તરીકે માત્ર ત્રણ આરોપીઓના જ નામ છે, ડોકટરશ્રી એવું જણાવે છે કે આરોપીઓના નામ મારી રૂબરૂ હિતેષ ઇજા પામનાર તથા ગુજરનારના સગાઓએ જણાવેલ. આ ગુજરનારાઓના સગાઓને કે જેને ડોકટર રૂબરૂ આરોપીઓના નામ અને હથિયારો જાહેર કરેલ તેઓ બનાવ નજરે જોનાર સાહેદ નથી, તેઓને તપાસેલ નથી.

સાહેદી પુરાવો માની શકાય તેવો વિશ્વસનીય અને ભરોસાપાત્ર પુરાવો નથી, તમામ મેડીકલ ઓફીસરનો પુરાવો પણ વિશ્વસનીય અને ભરોસાપાત્ર નથી, સાંયોગિક પુરાવો જોઇએ તો રેકર્ડ બનાવના દિવસે કે બનાવની રાત્રે કોઇએ એકપણ આરોપીને ગુજરનાર કે ઇજા પામનાર સાથે જોયા નથી એટલે કે લાસ્ટ સીન ટુ ગેધરનો પુરાવો નથી, ડીસ્કવરી શંકાસ્પદ છે, માત્ર એક હથીયાર ઉપર જ લોહી છે જે અનિર્ણિત છે, ગુજરનાર ધનજીભાઇનું લોહીનું સેમ્પલ અનિર્ણિત છે જે પુરાવો શંકાસ્પદ છે કારણ કે કોઇપણ લોહીના સેમ્પલનું ગ્રુપીંગ કરવામાં આવે તો અનિર્ણિત ગ્રુપ આવે જ નહીં. આઇ.ઓ.શ્રી વરૂ ડીસ્કવરી અંગે કોઇ પુરાવો આપતા નથી, આરોપીઓ તમામને નિર્દોષ કરાવી છોડી મૂકવા આરોપીઓના ધારાશાસ્ત્રી દિપક બી. ત્રિવેદીએ કરેલ દલીલો તથા કાયદાના આધારો ધ્યાને લઇ તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા સેસન્સ જજ શ્રી પી.એન. દવેએ હુકમ ફરમાવેલ છે.

આરોપીઓ તરફે ધારાશાસ્ત્રી દિપક બી. ત્રિવેદી રોકાયેલા હતાં.

(3:47 pm IST)