Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

૬ વર્ષની માસુમ નેન્સીને બળાત્કારના ઇરાદે પતાવી દેવાઇ'તીઃ વિકૃત હવસખોર વિક્રમ ઉર્ફ કાળુ ઉર્ફ અર્જૂન ડામોર ઝડપાયો

એક હત્યાના ગુનામાં આજીવન કેદ પડતાં ઉદયપુર જેલમાં ૧૦ વર્ષ સજા કાપી ભાગી ગયેલોઃ એ પછી જોધપુરમાં અર્જુન નામ ધારણ કરી સેન્ટીંગ કામની સાઇટ પર પાંચ વર્ષની બાળાનો દેહ પીંખી હત્યાનો પ્રયાસ કર્યો'તોઃ આ ભેદ પણ ઉકેલાયોઃ શહેર ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલ્યો : ૧૩મીએ બપોરે ઓરડીમાં સુતો'તો ત્યારે બાળા રમતી-રમતી આવતાં ઓરડી બંધ કરી દઇ હવસખોરી આચરવા પ્રયાસ કર્યોઃ બાળા રડવા માંડતાં હત્યા કરી રાજકોટથી વેરાવળ ગયોઃ ત્યાં ફોન તોડી નાંખી પોરબંદર, લાલપુર અને જામનગર ગયોઃ છેલ્લે લાલપુરના કરેણા ગામેથી દબોચી લેવાયો : ૧૩મી ઓગષ્ટના પુનિતનગર પાસે વૃંદાવન ગ્રીનસીટીની સાઇટ પરથી દાહોદના મજૂરની ૬ વર્ષની દિકરી નેન્સી ગૂમ થયા : બાદ ૧૪મીએ ગળુ કાપી હત્યા કરાયેલી લાશ મળી'તી : ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાળા, સુભાષભાઇ ભરવાડ અને સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને ટીમને સફળતા : શૈતાનને પણ શરમાવે એવું કૃત્યઃ બળાત્કારમાં સફળ ન થતાં બાળકીને ગળે છરી મારી માથામાં હથોડીના ઘા ફટકારી ક્રુરતાથી રહેંસી નાંખી'તી : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી ટીમો કામે લગાડી હતી

માહિતી આપી રહેલા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા તથા ટીમ અને ઝડપાયેલો આરોપી વિક્રમ ઉર્ફ કાળુ ઉર્ફ અર્જુન જીવાભાઇ ડામોર જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

વેલડનઃ રેરેસ્ટ ઓફ ધ રેર કેસને ઉકેલવામાં મહત્વની કામગીરી કરનારી ટીમના પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાળા, સુભાષભાઇ ભરવાડ, સિધ્ધરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, શકિતસિંહ ગોહિલને ઉચ્ચ અધિકારીઓ, સાથી કર્મીઓએ અભિનંદન પાઠવ્યા હતાં

જ્યાં દૂષ્કર્મનો પ્રયાસ અને હત્યા થયેલ તે સાઇટ પરની ઓરડી, હત્યાનો ભોગ બનેલી નેન્સીનો ફાઇલ ફોટો અને નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: હવસખોર, હૈવાન, શૈતાન...રાક્ષસને પણ શરમાવે એવું એક હવસખોરી અને માસુમ કૃત્ય ઉઘાડુ પડ્યું છે. ગયા મહિને ગોંડલ રોડ પુનિતનગર પાસે નવા બનતા વૃંદાવન ગ્રીન સીટીની સાઇટ પર મજૂરી કરતાં અને ત્યાં જ ઓરડી બનાવીને રહેતાં મુળ દાહોદના ગરબાડા તાબેના નિમસ ગામના અરવિંદભાઇ રસીયાભાઇ ડામોર (ઉ.વ.૨૬)ની દિકરી નેન્સી (ઉ.વ.૬)ની ગળુ કાપી ક્રુર હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી વિકૃત હવસખોર હત્યારા મુળ રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના ગામના વિક્રમ ઉર્ફ કાળુ ઉર્ફ અર્જુન જીવાભાઇ ડામોર (મીણા) (ઉ.વ.૪૦)ને જામનગર લાલપુરના કરેણા ગામેથી દબોચી લીધો છે. છ વર્ષની બાળકી પર આ શૈતાને બળાત્કાર ગુજારવા પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળાએ ચીસાચીસ કરી મુકતાં તેનું ગળુ છરીથી કાપી તેમજ માથે હથોડીના ઘા ફટકારી ક્રુરતાથી હત્યા કરી દીધી હતી અને બાદમાં ભાગી ગયો હતો. અગાઉ એક હત્યાના ગુનામાં સજા કાપતો આ શખ્સ ફરાર હતો અને એ વખતે જોધપુરમાં પણ એક બાળકી પર બળાત્કાર ગુજારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનો પણ ડિટેકટ થયો છે.

 ૧૩ ઓગષ્ટમીએ બપોરે ત્રણથી ચારની વચ્ચે વૃંદાવન ગ્રીન સીટી સાઇટની મજૂરોની રહેણાંક ઓરડીમાંથી મુળ દાહોદના નિમસ ગામના અરવિંદભાઇ અમલીયારની ૬ વર્ષની દિકરી નેન્સી ગૂમ થઇ હતી. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ૧૪મીએ સવારે માસુમ નેન્સીની સાઇટ પાસેની જ ઓરડીમાંથી ગળુ કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન.ડી. ડામોર તથા ડી. સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમ તથા એસઓજીની ટીમ પણ જોડાઇ હતી. તપાસમાં વૃંદાવન ગ્રીનસીટીની સાઇટ પર બાજુની મજુરોની ઓરડીમાં રહેતો અને સેન્ટીંગનું કામ કરતો વિક્રમ નામનો મજૂર જોવા મળ્યો નહોતો. તેનું કોઇ પાસે પુરૂ નામ પણ નહોતું અને તેનો મોબાઇલ ફોન પણ બંધ થઇ ગયો હતો. સિમ કાર્ડ પણ બીજાના નામે હતું.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે ગુનાની ગંભીરતા સમજી તુરત જ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમો તથા પોલીસ સ્ટેશનની ટીમોને કામે લગાડી હતી. પીઆઇ વી. કે. ગઢવી દ્વારા તમામ ટીમોને સુચના અને માર્ગદર્શન આપવામાં આવતું હતું. ગ્રીનસીટીની તેમજ આજુબાજુની અલગ-અલગ સાઇટ પરના ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા મજુરોની પુછતાછ શરૂ થઇ હતી. ૩૦૦ જેટલા બિલ્ડરોનું વ્હોટ્સએપ ગ્રુપ બનાવી મદદ લેવામાં આવી હતી અને વિક્રમ નામનો મજુર કોઇ સાઇટ પર આવે તો જાણ કરવા કહેવાયું હતું.

આ મહેનત અંતે લેખે લાગી હતી અને હત્યારો વિક્રમ ઉર્ફ કાળુ ઉર્ફ અર્જુન જીવાભાઇ ડામોર લાલપુરના કરેણા ગામેથી તેને ઝડપી લેવાયો હતો. પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાની ટીમના હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાળા, સુભાષભાઇ ભરવાડ અને સિધ્ધરાજસિંહ જાડેજાની ચોક્કસ બાતમી પરથી આ સફળતા મળી હતી.

હવસખોરની કબુલાત

ઝડપાયેલા વિક્રમ ઉર્ફ કાળુએ કબુલાત આપી હતી કે ૧૩મીએ બપોર બાદ પોતે ઓરડીમાં એકલો હતો ત્યારે બાળકી રમતી-રમતી ઓરડીમાં આવતાં પોતાની દાનત બગડી હતી અને ઓરડી બંધ કરી બાળા પર બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. તેની ચડ્ડી ઉતારી અડપલા શરૂ કરતાં તેણીએ દેકારો મચાવતાં અને રાડો પાડવા માંડતાં પોતાને પકડાઇ જવાનો ભય લાગતાં બાળકીના ગળા પર છરી ઝીંકી દીધી હતી અને બાદમાં હથોડીના ઘા ફટકારી હત્યા કરી નાંખી હતી.

એ પછી રાત્રીના દસેક વાગ્યા સુધી પોતે અહિ જ હતો અને બાદમાં તે બસ સ્ટેશને જઇ ત્યાંથી વેરાવળ જતો રહ્યો હતો. ત્યાં જઇ પોતાનો મોબાઇલ ફોન તોડી નાંખ્યો હતો. એ પછી પોરબંદર અને ત્યાંથી લાલપુર ગયો હતો. છેલ્લે જામનગર રોકાઇ લાલપુરના કરેણા ગામે જઇ મજૂરીએ વળગી ગયો હતો.

ગુનાહિત ઇતિહાસ

વિક્રમ ઉર્ફ કાળુ ઉર્ફ અર્જુન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેણે વર્ષ ૨૦૦૨માં પોતાના ગામમાં અંગત અદાવતમાં ખુન કર્યુ હતું. જેમાં રાજસ્થાન ડુંગરપુરના ધમ્બોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં આજીવન કેદ પડી હતી. આ ગુનામાં દસ વર્ષ જેલ સજા કાપી હતી. એ પછી ઓપન જેલમાં ટ્રાન્સફર કરતાં તે ત્યાંથી ભાગી ગયો હતો.

ફરાર રહ્યો એ પાંચ વર્ષમાં બબ્બે ગંભીર ગુના

ભાગ્યા બાદ વર્ષ ૨૦૧૫માં રાજસ્થાનના જોધપુરમાં અર્જુન નામ ધારણ કરી સેન્ટીંગ કામની સાઇટ પર રહ્યો હતો અને ત્યાં એક મજુરની પાંચેક વર્ષની દિકરી પર બળાત્કાર ગુજારી માથામાં પથ્થર ફટકારી હત્યાની કોશિષ કરી હતી. આ મામલે જોધપુરના બાસની પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પણ તે આજ સુધી ફરાર હતો.

કુંવારો કાળુ અલગ-અલગ નામ ધારણ કરી ત્રણ-ચાર મહિને ગામ બદલી નાંખતોઃ

વિક્રમ ઉર્ફ કાળુ ઉર્ફ અર્જુન કોઇપણ ગામમાં ત્રણ-ચાર માસ રોકાતો હતો અને દરેક ગામમાં નવા-નવા નામ ધારણ કરી લેતો હતો. સાચુ સરનામુ કોઇને આપતો નહિ. તે કુંવારો છે. તેના પિતાએ ત્રણ લગ્નો કર્યા છે. તે ચાર ભાઇ અને બે બહેનોમાં સોૈથી મોટો છે.

પોલીસે કઇ રીતે પડકાર પાર પાડ્યો?

પોલીસ માટે આ હત્યાનો ભેદ ઉકેલવો એ પડકાર હતો. ૧૫૦૦ જેટલા મજૂરોની પુછતાછ કરી હતી. ટેકનીકલ એનાલિસીસને આધારે પડવલા, જામજોધપુર, તરસાઇ, ગોંડલ સહિતની જગ્યાએ તપાસ કરી હતી. જેના કારણે વિક્રમનો ફોટો મળ્યો હતો. જે ફોટો અલગ-અલગ વ્હોટ્સએપ ગ્રુપમાં મકુાયો હતો. ચબરાક આરોપીએ ફોન પણ ફેંકી દીધો હતો. રાજકોટમાં તે હત્યા કરી ભાગ્યો એ પહેલા તે અહિ પાંચ-છ દિવસ પહેલા જ આવ્યો હતો. તેના વિરૂધ્ધ કોઇ પુરાવા ન હોઇ કેસ બ્લાઇન્ડ થઇ ગયો હતો.

ક્રાઇમ બ્રાંચની ટીમો મોડાસા, દાહોદ, રાજસ્થાન તરફ પણ ગઇ હતી. વિક્રમના જુના શેઠો તથા તેની સાથે કામ કરતાં મજૂરોને પણ તપાસ્યા હતાં. પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને ટીમે સતત અલગ-અલગ વાડી મજૂરો, વાડી માલિકો અને કન્સ્ટ્રકશનની સાઇટો પર તપાસ કરી હતી અને અંતે આરોપીને પકડવામાં સફળતા મળી હતી.

પાંચ વર્ષ જ્યાં રહ્યો ત્યાં પણ તપાસ થશે

આરોપી પાટણ, મહેસાણા, જાધપુર, જામનગર, જામજોધપુર, ગોંડલ, કાલાવડ, લાલપુર, ગરબાડા સહિતના સ્થળોએ રહ્યો હોઇ ત્યાં કોઇ ગુના આચર્યા છે કે કેમ? તેની પણ તપાસ થશે.

ફાંસીની સજા થાય તેવો પ્રયાસઃ બાળાના પરિવારને આર્થિક વળતર અપાશે

આ કેસને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી ક્રુરતા-બર્બરતા આચરનારા આરોપી વિક્રમને ફાંસીની સજા થાય તે રીતે તપાસ કરવા ટીમને માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત ભોગ બનનારને આર્થિક વળતર મળે અને સ્પેશિયલ પબ્લીક પ્રોસીકયુટર મળી રહે તે માટે તજવીજ કરી છે.

કામગીરી કરનાર ટીમ

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપીશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, એસઓજી પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાળા, સુભાષભાઇ ભરવાડ, સિધ્ધરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, શકિતસિંહ ગોહિલ સહિતે આ કામગીરી કરી હતી.

પોલીસ કમિશનરે ઇનામ આપ્યું

આ કામગીરી કરનાર ટીમને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અભિનંદન પાઠવી રૂ. ૧૫૦૦૦નું ઇનામ જાહેર કર્યુ છે.

(3:31 pm IST)