Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

સલમા ઉર્ફ ફાતીમાએ પૂર્વ પતિની બે કરોડની સંપતિની લાલચમાં રાજકોટથી બાળક ઉઠાવડાવ્યું'તું: ૩ પકડાયા

દોઢેક વર્ષ પહેલા શાસ્ત્રી મેદાનની ફૂટપાથ પરથી અપહરણ કરાયેલા બાળકની ભાળ મળવા સાથે સામે આવી ચોંકાવનારી મિસ્ટ્રીઃ શહેર ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો ભેદ : પાંચ-પાંચ લગ્ન કરનાર જામનગરની સલમા ઉર્ફ ફાતીમા ઉર્ફ સીમાએ ૨૦૧૬માં નાથાલાલ સોમૈયા સાથે છુટાછેડા લીધા'તાઃ તેણે બે કરોડમાં જમીન વેંચતાં ૨૦૧૯માં ફરીથી તેના ઘરમાં બેઠી અને પોતાની કુખેથી નાથાલાલનું જ બાળક જન્મ્યું છે એ દેખાડવા નાનુ-રૂપાળુ બાળક ચોરી કરાવડાવ્યું હતું!: સલમા ઉપરાંત બાળકને ઉઠાવી બે લાખની રોકડી કરનારા દેવભુમિ દ્વારકાના સલિમ સુભણીયા તથા તેની પત્નિ ફરીદા સુભણીયાની ધરપકડ : પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી અને ટીમે તપાસ આદરીઃ એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજાને ચોક્કસ માહિતી મળી ને ભેદ ખુલ્યો : બાળકની ઉઠાંતરી કરનારા સલિમ વિરૂધ્ધ જામનગર-દ્વારકા-લીમખેડા-ગીર સોમનાથ તેમજ રાજસ્થાન-અમરેલી-તાલાલામાં ચોરી-દારૂ-ઠગાઇ સહિતના ૧૦થી વધુ ગુના : બાળક ચોરાવી જામનગર મહાપાલીકામાં ખોટી એન્ટ્રી પડાવી જયદિપ નામ રાખ્યું: ૨૦૧૯માં નાથાલાલનું જ આ બાળક છે તેમ કહી તેના ઘરમાં રહેવા માંડી'તીઃ પોલીસે આજે સલમાની પોલ ખોલી ત્યારે અજાણ નાથાલાલ રડી પડ્યા

દોઢ વર્ષ પહેલા શાસ્ત્રી મેદાનની ફૂટપાથ પરથી ગૂમ થયેલા બાળક જીગો (ઉ.વ.૧)ને દ્વારકાના દંપતિએ ચોરી જામનગરની ફાતીમા ઉર્ફ સલમાને વેંચ્યું હતું. આ ત્રણેયને પકડી લઇ વિગતો અપાઇ હતી જે તસ્વીરમાં જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯: શહેર ક્રાઇમ બ્રાંચે આજે બબ્બે પ્રસંશનીય ડિટેકશન કર્યા છે. છ વર્ષની બાળાની હત્યાનો ભેદ ઉકેલવા ઉપરાંત દોઢ વર્ષ પહેલા શાસ્ત્રી મેદાનની ફુટપાથ પરથી અપહરણ કરી જવાયેલા આશરે એકાદ વર્ષના બાળકને પણ શોધી કાઢ્યું છે. આ બાળકને જામનગરની ફાતીમા ઉર્ફ સલમા નામની મુસ્લિમ મહિલાએ દેવભુમિ દ્વારકાના મુસ્લિમ દંપતિની મદદથી રાજકોટથી ઉઠાવડાવ્યું હોઇ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. ફાતીમા ઉર્ફ સલમાએ પાંચ-પાંચ લગ્ન કર્યા છે. તે પૈકી એક પતિ સાથે ૨૦૧૬માં છુટાછેડા લીધા હતાં. ત્યારબાદ આ પતિએ જમીન વેંચતા રૂ. ૨ કરોડ આવતાં સલમાની દાઢ ડળકી હતી અને જો પોતે આ પતિ થકીના સંતાનની માતા છે એવું દેખાડશે તો મિલ્કત પોતાની થઇ જશે તેમ વિચારી તેણે રૂપાળુ અને નાનુ બાળક ચોરી કરીને તે છુટાછેડા લીધેલા પતિ થકી હોવાનું દેખાડવા પ્લાન ઘડી દ્વારકાના દંપતિની મદદ લઇ તેને બે લાખ ચુકવી બાળક ચોર્યુ હતું. તેમજ પૂર્વ પતિને આ બાળક તેના થકી જન્મ્યાનું કહી તેની સાથે રહેવા માંડી હતી.

ચોંકાવનારા આ કેસની વિગતો જોઇએ તો દોઢેક વર્ષ પહેલા એટલે કે તા. ૨૨/૫/૧૯ના રાતે બે વાગ્યા આસપાસ શાસ્ત્રી મેદાનની ફુટપાથ પર લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયની સામેના ભાગે સુતેલા મુળ મધ્યપ્રદેશના જાંબુવાના વહેડા ગામના મમતાબેન જામસિંગ ભુરીયાનો દિકરો જીગો (ઉ.વ.૧) ગૂમ થઇ ગયો હતો. શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પ્ર.નગર પોલીસમાં ૨૫/૫ના રોજ જાણ કરવામાં આવતાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં તે વખતે પણ ડીસીબીએ તપાસ કરી હતી. પણ ગુનો ડિટેકટ થયો નહોતો.

ગૂમ થયેલા બાળકોને શોધીકાઢવાની કામગીરીમાં શાસ્ત્રીમેદાનની ફૂટપાથ પરથી ગૂમ થયેલો નમણો અને નાની વયનો બાળક અગ્રીમ હતો. ડીસીબીની ટીમ એકાદ વર્ષથી સતત આ ગુનાનો ભેદ ઉકેલવા મથતી હતી. હવે આ તપાસમાં પીએસઆઇ એમ. વી. રબારી તથા ટીમ પણ જોડાયા હતાં. પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં ટીમો કામે લાગી હતી. દરમિયાન પીએસઆઇ રબારી, એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા અને હરદેવસિંહ જાડેજાને હ્યુમન સોર્સથી જાણવા મળ્યું હતું કે જામનગર શંકર ટેકરી ખાતે રહેતી સલમા નામની એક મહિલાએ બાળકની ખરીદી કરી છે.

આ ટુંકી માહિતીને આધારે તપાસ થતાં એવી માહિતી સામે આવી હતી કે સલમાએ બીજા કોઇ મારફત આ બાળકને  મેળવી લીધુ છે અને તે હાલમાં નાથાભાઇ  સોમૈયા સાથે જામખંભાળીયામાં રહે છે. આ બાબતથી જાણ જો સલમાને થઇ જાય તો તે બાળકની હત્યા પણ કરી નાખે તેવો ભય હતો. આથી પીએસઆઇ એમ. વી. રબારીની ટીમે ખંભાળીયા વહેલી સવારે સાવચેતી પુર્વક પહોંચી સલમા જ્યાં રહેતી હતી ત્યાં તપાસ કરતાં તે મળી આવી હતી. તેની પુછતાછ કરતાં તેણે દ્વારકા રહેતાં સલિમ હુશેનભાઇ સુભણીયા મારફત ૧ લાખમાં બાળકની તસ્કરી કરાવ્યાનું કબુલતાં પોલીસે દ્વારકા ફુલવાડી શબીલ ચોકમાં રહેતાં સલિમ હુશેનભાઇ સુભણીયા (ઉ.વ.૩૩) તથા તેને મદદ કરનાર તેની પત્નિ ફરીદા સલિમ સુભણીયા (ઉ.૨૯) અને જામનગર ખોડિયાર કોલોની સોઢા સ્કૂલ પાસે રહેતી હાલમાં ખંભાળીયા નવાપરા નદીન પટમાં નાથાલાલ પ્રભુદાસ સોમૈયા સાથે રહેતી ફાતીમા ઉર્ફ સલમા ઉર્ફ સીમા અબ્દુલમિંયા નાનુમિંયા કાદરી (ઉ.વ.૩૫)ની ધરપકડ કરી બાળકનો કબ્જો મેળવ્યો હતો.

ક્રાઇમ બ્રાંચે આ બાળક શા માટે ઉઠાવી જવામાં, ચોરી જવામાં આવ્યું? તેની તપાસ કરતાં ચોંકાવનારી મિસ્ટ્રી સામે આવી હતી. ફાતીમા ઉર્ફ સલમા ઉર્ફ સીમાએ ચારથી પાંચ પ્રેમલગ્ન કરી છુટાછેડા લઇ લીધા છે. જે પૈકી ૨૦૧૨માં ખંભાળીયાના નાથાલાલ સોમૈયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. એ પછી ૨૦૧૬માં છુટાછેડા લઇ લીધા હતાં. ૨૦૧૯માં નાથાલાલે જમીન વેંચતા ૨ કરોડ ઉપજતાં આ વાતની જાણ ફાતીમા ઉર્ફ સલમાને થતાં તેણે ફરીથી નાથાલાલના ઘરમાં ગમે તેમ કરીને પહોંચવા પ્લાન ઘડ્યો હતો.

આ માટે તેણે એવો વિચાર કર્યો હતો કે જો એક નાનકડુ રૂપાળુ બાળક મળી જાય તો પોતે આ બાળક નાથાલાલ થકી જન્મ્યું છે તેમ કહી તેના ઘરમાં સરળતાથી પ્રવેશી શકશે. આ પ્લાન અમલમાં મુકવા તેણીએ સલિમ અને તેની પત્નિ ફરિદાનો સંપર્ક કર્યો હતો. આ બંનેને જો તે નાનુ એકાદ વર્ષનું અને રૂપાળુ બાળક શોધી આપશે તો રૂ. બે લાખ આપશે તેવી વાત કરી હતી.

આથી સલિમ અને તેની પત્નિ ફરિદારાજકોટમાં સમિલના મિત્રની ઇકો કાર લઇને આવ્યા હતાં. પહેલા તો જામનગરમાં જ દિગ્જામ સર્કલ, બાવરી કોલોનીમાં ફૂટપાથો ફંફોળી હતી. પણ ત્યાં મેળ ન પડતાં ૨૨/૫/૧૯ની રાતે રાજકોટ પહોંચ્યા હતાં. અહિ સાંઢીયા પુલ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ફર્યા હતાં. છેલ્લે રાતે બે વાગ્યે શાસ્ત્રી મેદાન પાસે મજૂર પરિવાર સુતો હોઇ તેમાંથી એક બાળક ચોરી લીધું હતું. આ બાળક બંનેએ ફાતીમા ઉર્ફ સલમા ઉર્ફ સીમાને આપી દીધું હતું.

ફાતીમાએ આ બાળક પોતાની કુખેથી જન્મેલુ છે અને નાથાલાલ સોમૈયા તેના પિતા છે એ મતલબનું ખોટુ સોગંદનામુ પણ જામનગર મહાપાલિકામાં કરાવી લઇ બાળકનું જયદિપ નામ રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું. જામનગરના ખાન નામના વકિલ નોટરી સમક્ષ ખોટુ એફિડેવીટ કરાવી ૨૬/૦૭/૧૯ના રોજ રજીસ્ટ્રેકશન કરાવી લીધુ હતું અને પુર્વ પતિ નાથાલાલનું જ આ બાળક છે એવું સાબિત કરાવી ૨૦૧૯થી ફરીથી તેના ઘરમાં રહેવા માંડી હતી.

નાથાલાલ સોમૈયાને તો બાળક અપહરણથી મેળવાયું છે તેની ખબર પણ નહોતી. પોલીસ જ્યારે પહોંચી અને પોલ ખોલી ત્યારે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતાં.

ટીમને ઇનામ

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની રાહબરીમાં  પીઆઇ વી. કે.ગઢવી, પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ એમ. વી. રબારી, પીએસઆઇ એસ. વી. સાખરા, એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, જે. પી. મેવાડા, એભલભાઇ બરાલીયા, સોકતભાઇ ખોરમ, કોન્સ. તોરલબેન જોષી, મિતાલીબેન ઠાકર સહિતના જોડાયા હતાં. આ ટીમને પણ પોલીસ કમિશનરશ્રીએ ૧૫ હજારનું ઇનામ આપ્યું હતું.  

ડીએનએ ટેસ્ટ બાદ બાળકને વાલીને સોંપાશે

બાળકની સારસંભાળ ડીસીબી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ રાખી રહ્યા છે. બાળક અને તેના માતા-પિતાના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. એ પછી બાળકને સોંપાશેઃ બીજા આરોપીઓ તો નથી ને? તે અંગે પણ તપાસ થશે

(3:47 pm IST)