Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે કરોડો રૂપિયા ઉઘરાવીને ઓળવી જવાના ગુનામાં પકડાયેલ ધર્માંગ પંડયાના જામીન મંજુર

રાજકોટ, તા. ર૦ :  ક્રિપ્ટો કરન્સીમાં પ્રખ્યાત બીટકોઇન જેવી જ ઇબીટી કોઇન નામની ક્રિપ્ટો કરન્સી મારફત વીસ હજારથી વધુ રોકાણકારોને ઉચુ વ્યાજ, વળતર અને નફો આપવાની લાલચ આપી લોકોના કરોડો રૂપિયા ઓળખવી જવાના ગુન્હામાં પકડાયેલ અમદાવાદના ધર્માંગ પંડયાના જામીન રાજકોટની સ્પેશીયલ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, રાજયની સી.આઇ.ડી. ક્રાઇમ પોલીસને રાજકોટના મેઘાણીનગર, કોઠારીયા મેઇન રોડ પર રહેતા કેતન રમેશભાઇ ઠુંમરે આરોપી (૧) દિનેશ ગઢવી રહે. અમદાવાદ (ર) પરાગ દોશી રહે. રાજકોટ (૩) ધીરૂ સોની રહે. રાજકોટ (૪) દેવેનભાઇ સોની રહે. રાજકોટ (પ) કિરીટસિંહ જાડેજા રહે. રાજકોટ (૬) ભોગીલાલ શાહ રહે. રાજકોટ (૭) ધર્માંગ પંડયા રહે. અમદાવાદ (૮) સાહીન પીલી રહે. એસ્ટ્રોનીયા (યુરોપ) વિગેરે વિરુધ્ધમાં પોતાની ફરીયાદ આપતા જણાવેલ હતું કે આરોપીઓએ ગુજરાતભરમાં હજારો લોકો પાસેથી આર.બી.આઇ.ની મંજુરી ન હોવા છતાં અલગ અલગ કંપનીઓ બનાવી ક્રિપટો કરન્સીના નામે થાપણ લીધેલ અને લોકોને ક્રિપ્ટો કરન્સીની આઇ.ડી. બનાવી આપી થાપણ ઉપર પ્રતિદિવસના હિસાબે સ્કીમ મુજબ વ્યાજ તથા વળતર આપવાની બાહંધેરી આપેલી જે મુજબ માય પાવર બીટી નામની કંપનીમાં અંદાજે ૧૪,૯પ૮ કંપની માય પાવર યાત્રામાં અંદાજે ૭,પ૯ર લોકોના આઇ.ડી. બનાવવામાં આવેલ જેમાં કુલ ૧૧,૯૧,૭૭,૦૦૦/- રૂપિયાની ઉઘરાણી કરવામાં આવેલ જે પૈકી લોકોનો વિશ્વાસ સંપાદન કરવા અમુક લોકોને વ્યાજ સહિતની રકમ પરત ચુકવી અને વિશ્વાસ સંપાદન કર્યા બાદ બાકીના થાપણદારો પાસેથી લીધેલ રોકાણ કે વળતર કે કમીશનરના પૈસા ન ચુકવી હજારો લોકો સાથે આશરે રૂ. ૪૩,૧૮,૯૯, ૧૬૭/- (અંકે રૂપિયા તેતાલીસ કરોડ અઢાર લાખ નવ્વાણુ હજાર એકસો સડસઠ પુરા) ની રકમ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની તેમજ થાપણદારોના નાણા ઓળવી જવા માટેના ખાસ કાયદા જીપીઆઇડી અને ચીટફન્ટ જેવા કાયદા પીસીએમસી એકટ એમ વિવિધ કાયદાની જોગવાઇઓના ભંગની ફરીયાદ નોંધાતા સરકાર દ્વારા રાજયવ્યાપી કૌભાંડની તપાસ ગાંધીનગર સી.આઇ.ડી. ક્રાઇમને સોંપવામાં આવેલ અને સી.આઇ.ડી. ક્રાઇમ  દ્વારા તપાસ દરમ્યાન ફરીયાદમાં જણાવેલ આઠ આરોપીઓ ઉપરાંતના અન્ય વ્યકિતઓની સંડોવણી ખુલતા તેમની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવેલ હતા.

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ પૈકી અમદાવાદ બોપલ વિસ્તારમાં રહેતા આરોપી ધર્માંગ બાલકૃષ્ણ પંડયાએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે રાજકોટની સ્પેશ્યલ સેશન્સ કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી દાખલ કરેલ હતી.

પક્ષકારની દલીલોના અંતે અદાલતે બચાવપક્ષના વકીલ તુષાર ગોકાણીની દલીલો માન્ય રાખી આરોપી ધર્માંગ પંડયાને પાસપોર્ટ જમા કરાવવાની અને ગુજરાત રાજયની હદ ન છોડવાની શરતે જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામમાં આરોપી ધર્માંગ પંડયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ગૌરાંગ ગોકાણી, હાર્દિક શેઠ, અંશ ભારદ્વાજ, ક્રિષ્ના ગોર, હર્ષ ભીમાણી, જશપાલસિંહ જાડેજા રોકાયેલ છે.

(2:50 pm IST)