Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

એક સમયે રાજકોટમાં માત્ર ચાર જ થિયેટર હતા

પ્રહ્લાદ-હરીશચંદ્ર- કૃષ્ણ અને ગેસ્ફોર્ડઃ એમાં પણ ગેસ્ફોર્ડ નં.૧ ગણાતુ : દેશભકિતના ગીત આવે એટલે ખુરશી ઉપરથી ઉભા થઇ સલામી આપતા, દેવી-દેવતાઓના દ્રશ્યો આવે તો શ્રીફળ ફોડતા અને કરૂણ દ્રશ્યો આવે તો બાળાઓ હિબકા ભરીને રોવાા લાગતી : મગનભાઇની ગુલ્ફી ૧૦ પૈસામાં મળતી ૨૦ પૈસામાં ફુલપ્લેટ રગડા પેટીસ મળતી, પાંચ પૈસાનો ગોલો મળતો : ગામમાં મોકળાશ હતી, મન પણ મોકળા હતા, મકાનો નળીયાવાળા હતા, ઉઘાળા ફળીયા હતા, ઉનાળામાં ફળીયામાં ગાદલા પાથરીને કરોડો તારાઓથી ભરચક આકાશને વિસ્મયથી નિહાળી રહેતા, આજે એ આકાશ ખોવાઇ ગયુ... : તે સમયે ખોટા દેખાડા ઓછા હતા, બધાનું એક સમાન જીવનસ્તર હતુ, એટલે ચડસા ચડસી ન હતીઃ દુનિયા એક નાનકડા દાયરામાં સિમીત હતી, પણ એ નાનકડા દાયરામાં આત્મીયતા હતી

રાજકોટમાં ચાર જ થિયેટર હતા. પ્રહલાદ,હરિષચંદ્ર, કૃષ્ણ અને ગેસફોર્ડએમાં ગેસફોર્ડ નંબર ૧ હતું. ગેસફોર્ડમાં બાલ્કનીથી પણ ઉપર બોકસ હતા.સોફામાં વટથી બેસવાનું. તેમાં બેસીને સહકુટુંબ ખાનદાન પિકચર જોયાનું યાદ છે.સોફે બેઠા બેઠા પિકચર જોતા જોતા સીંગ, રેવડી અને પોપકોર્ન ખાતાં ત્યારે દુનિયાના એકમાત્ર બેતાજ બાદશાહ હોવાની અનુભુતી થતી. હરિશ્ચંદ્ર ટોકીઝમાં દારાસિંઘ અને મુમતાઝની ફિલ્મો આવતી.એ થિયેટરમાં બાલ્કની આગળ એક બીજાની પાછળ હારબંધ ખુરશીઓની પણ એક રો હતી.થિયેટરમાં બીડી પીવાની પણ છૂટ હતી. દેશભકિતનું ગીત આવે તો લોકો સ્ટેજ પર પેઈસા ફેંકતા. બેઠા હોય તેમાંથી ઉભા થઇ સલામો મારતા.દેવી દેવતાના દ્રશ્યો આવે તો શ્રીફળ ફોડતા. કરુણ દ્રશ્યો આવે તો બાળાઓ હીબકાં ભરીને રોવા લાગતી.હીરો જયારે વિલનને મારે ત્યારે યુવાનો ખુરશી ઉપર ઉભા થઈને સીસોટીઓ વગાડતાં.ઇન્ટરવલમાં ઠેરી વાળી સોડાબોટલની સોડા પીતાં. ઉપર સેંથકનું મીઠું ભભરાવવાનું.પછી જે બુડબુડિયા થાય તેની જ કિંમત હતી માય દિયર ભાઈજાન.સોડા સદતી ન હોય તે લેમન પીતાં. એમાં પણ વળી જે કોકકોલા માંગે એનો તો રુઆબ સમાતો નહીં.

 એક વો ભી દૌર થા,એક યે ભી દૌર હૈ

 આઠ આનામાં સત્ય વિજયમાં એક પ્લેટ આઈસ્ક્રીમ ખાધો હોવાનું યાદ છે.મગનભાઈની ગુલ્ફી ૧૦ પૈસામાં મળતી. આલ્ફ્રેડ હાઈસ્કૂલના ખાંચામાં ૨૦ પેઇસામાં પેટીસ રગડાની ફુલ પ્લેટ મળતી. પાંચયામાં ગોલો મળતો. રેંકડીના મશીન પર રંધો મારી બરફનો ભુક્કો થતો જવાની મજા આવતી.બે હાથની મુઠીમાં બરફનો ગોલો બનાવી રફીકભાઈએ ગોળામાં સળી ભરાવી ઉપર લીલા,લાલ,પીળાં રંગના સરબતનો ફુવારો મારતાં. ગોલો ખાઈ લીધાં પછી સળી પણ ચૂસતા. એક કાળી ટોપી વાળા રહેમાન ચાચા હતા.માથાદીઠ પાંચ પેઇસાના દરે આખી શેરીના છોકરાવને ઘોડાગાડીમાં બેસાડી રેસકોર્સનું ચક્કર મરાવતાં. વળી લગામ પણ પકડવા દે એટલું જ નહીં, આપણે ડચકારા બોલાવી તો ઘોડો પણ વાંધો ન લેતો.

ગામમાં મોકળાશ હતી.મન પણ મોકળા હતા.મકાનો નળિયા વાળા હતા. ઉઘાડા ફળિયા હતા. ઉનાળામાં ફળિયામાં ગાદલાં પાથરીને કરોડો તારાઓથી ભરચક આકાશને વિસ્મયથી નિહાળી રહેતા.આજે એ આકાશ ખોવાઈ ગયુ.ઘણું ઘણું ખોવાઈ ગયું. દરેક ઘરમાં ઓસરી હતી.ઓસરીમાં લાકડાના મોભ સાથે બાંધેલા હિંચકા હતા.ઘરમાં પતરાંના મેળા રહેતા.મેળા પર ઉંદરો દોડાદોડી કરતાં..શેરીમાં ૪૦ના બલ્બ બળતાં. રસોડામાં પાટલા ઉપર પલાંઠી વાળીને જમવા બેસતા.જમતાં પહેલા અને જમી લીધા પછી થાળીને પગે લાગતાં. બા સગડી પર રસોઈ કરતી.શિયાળામાં ચૂલા પર દેગડામાં પાણી ગરમ થતું.આઠ વાગ્યે બધા જમી પરવારીને ઓટલે ગોઠવાઈ જતાં. મહિલાઓ એકબીજાના ઘરની ખાનગી ખાનગી વાતો જાણી લેતી.મન હળવાફુલ રહેતાં. છોકરાઓ ધીંગા મસ્તી કરતા. શેરીના ધૂળિયા રસ્તા પર કુસ્તીઓ થતી.એક બીજાને ધબ્બા મારતાં. એક બીજાના ખભે હાથ રાખીને ચાલતા. ત્યારે એ એકબીજાનાં જીગરજાન હોવાના પુરાવરૂપ ગણાતું.એક સાયકલમાં ચાર ચાર ભાઈબંધુ ચકકરું મારતાં.

સ્કૂલમાં જેના ખિસ્સામાં પાવલી(૨૫ પેઈસા) હોય તે ધનીક ગણાતો.અમારી વિરાણીહાઈસ્કૂલના અલુબેન ૧૦ પૈસામાં પેટ ભરાઈ જાય એટલો નાસ્તો આપતા.

એક વો ભી જમાના થા,એક યે ભી જમાના હૈ.

ત્યારે પગાર ઓછા હતા,કમાણી ઓછી હતી.પણ સામે જરૂરિયાતો ઓછી હતી.લોકો સંતોષી હતા.ખોટા દેખાડા ઓછા હતા.મોટે ભાગે બધાનું એકસમાન જીવનસ્તર હતું.એટલે ચડસાચડસી નહોતી.પાડોશી પાસે પણ સ્કૂટર નહોતા,એટલે આપણને સાયકલ ખટકતી નહીં.ફેશન બેશન તો બહુ મોડા આવ્યા.દિવાળી ઉપર ઘરે દરજી બેસાડતા અને એક તાકામાંથી બધા ભાઈ ભાંડું માટે એકસરખા ચડ્ડી બુસકોટ બનતા.દરજી કાતરથી સીધી લીટીમાં જ કાપડ કઈ રીતે કાપે છે એ જોતાં રહેતા.દ્યરમાં નવા કાપડની સુવાસ પ્રસરતી રહેતી.વસ્તારી ઘર હોય તો વાણાંદ પણ ઘરે આવતા.ડોકી ઉપર અસ્તરો ફરે ત્યારે ગલગલીયા થતા.

દુનિયા એક નાનકડા દાયરામાં સીમિત હતી.પણ એ નાનકડાં દાયરામાં આત્મીયતા હતી.સબંધોમાં કૃત્રિમતા નહોતી.હૂંફ અને ઉષ્મા હતા.ત્યારે કોઈ એકલું નહોતું.કોઈ એકલવાયા નહોતા.

પૈસા ઓછા હતા પણ અભાવો ખટકતા નહીં.સુવિધાઓ અંગે જાજી ખબર જ નહોતી એટલે દુવિધાનું પણ ભાન નહોતું. એકંદરે સુખી હતા. (સોશ્યલ મીડીયામાંથી સાભાર)

(2:52 pm IST)