Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

વાડીના શેઢે ઇલેકટ્રીક ઝટકાથી બુટલેગરના મૃત્યુના કેસમાં ખેડૂતની જામીન અરજી રદ

રાજકોટ, તા.ર૦ : જસદણ તાલુકાના ખડવાવડી ગામની સીમમાં તા. ૧૪-૯-ર૦ર૦ના વિદેશી દારૂ ઉતરતો હોવાની બાતમીના આધારે ભાડલા પોલીસ સ્થળે રેડ પાડવા ગઇ હતી ત્યારે પોલીસને દૂરથી જોઇને બે બુટલેગર ભાગવા માંડયા હતાં તેમાં વિજય ધનજી કોળી (રહે. રાજકોટ દુધ સાગર માર્ગ, એચ.જે. સ્ટીલની પાસે ભાગતો હતો, ત્યારે એક વાડીના શેઢે પ્રાણીઓથી પાકને બચાવવા ગોઠવેલા ઇલેકટ્રીક ઝટકા મશીનને કારણે વીજ શોકથી ભડથું થઇ ગયો હતો.

જે અંગે મૃતકના પિતરાઇ રાજુ કાનજી કોળીએ વાડીના માલિક લાલજી ગાંડુભાઇ માલકીયા (રહે. ખડવાવડી) સામે બેદરકારી દાખવી સાપરાધ મનુષ્ય વધના ગુનાની ફરીયાદ નોંધાવી હતી. જે અનુસંધાને ભાડલા પોલીસે વાડી માલિક લાલજી માલકીયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યો હતો. દરમિયાન આ બનાવ અંગે ચાર્જશીટ મુકાઇ જતા આરોપી લાલજી માલકીયાએ રેગ્યુલર જામીન ઉપર છૂટવા રાજકોટ સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી જે અન્વયે સરકારી વકીલ સમીર ખીરાએ વાડી માલિક તરીકે ઘોર બેદરકારી દાખવી હોવાથી માનવ મૃત્યુ થયું છે જેને હળવાશથી લઇ શકાય નહિ.

પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજ યુ.ટી. દેસાઇએ બંને પક્ષની રજુઆતો દલીલો સાંભળ્યા બાદ આરોપી લાલજી માલકીયાની જામીન અરજી નામંજૂર કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. સમીર ખીરા રોકાયા હતાં.

(2:47 pm IST)