Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ઘરફોડીમાં ૪ વર્ષથી વોન્ટેડ નામચીન તસ્કર હરેશને રેન્જની ટીમે ઝડપી લીધો

ચોરી-મારામારીના ૧પ ગુન્હામાં સંડોવાયેલ વાસાવડનાં હરેશ ચારોલીયા ગોંડલ-દામનગરના ગુન્હામાં નાસતો ફરતો'તો

રાજકોટ તા. ૧ :.. ગોંડલ તાલુકા પોલીસ મથકના ઘરફોડીના ગુન્હામાં ૪ વર્ષથી વોન્ટેડ અને દામનગરના ચોરીના ગુન્હામાં એક વર્ષથી વોન્ટેડ નામચીન તસ્કરને ધોરાજી પંથકમાંથી રેન્જની ટીમે ઝડપી લીધો હતો.

રાજકોટ રેન્જમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રેન્જ ડી. આઇ. જી. શ્રી સંદીપસિંહની સુચના અન્વયે રેન્જના સ્પેશીયલ સ્કવોડના પીએસઆઇ જે. એસ. ડેલા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોંડલના દેરડી કુંભાજી ગામે થયેલ સાડા ત્રણ લાખની ઘરફોડીના ગુન્હામાં ૪ વર્ષથી વોન્ટેડ અને દામનગરની ચોરીના ગુન્હામાં ૧ વર્ષથી વોન્ટેડ નામચીન તસ્કર હરેશ વલકુભાઇ ચારોલીયા રે. વાસાવડ તા. ગોંડલ ધોરાજીના પરબડી ગામ પાસે આવ્યાની બાતમી મળતા વોચ ગોઠવી દબોચી લઇ ગોંડલ તાલુકા પોલીસ મથકને હવાલે કર્યો હતો.

પકડાયેલ હરેશ ચારોલીયા અગાઉ ચોરી તથા મારા મારીના ૧પ ગુન્હામાં પકડાઇ ચૂકયો છે.

આ કાર્યવાહીમાં સ્પેશીયલ સ્કવોડના જયદીપભાઇ ઉનડકટ, કરશનભાઇ કલોતરા, મદનસિંહ ચૌહાણ, વિપુલભાઇ ગોહીલ, રૂપાભાઇ બહોરા, દિગ્વીજયસિંહ ઝાલા તથા ડ્રા. સમીરભાઇ મુલીયાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(3:20 pm IST)