Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

હાલ રાજકોટ જીલ્લામાં એક પણ ખાનગી હોસ્પિટલ બંધ નહીં થવા દેવાય : સ્થિતિ કાબુમાં જ છે

જે પાંચ હોસ્પિટલને પ૦ ટકા બેડ અંગે બંધની મંજુરી અપાઇ છે તે પણ જરૂર પડયે લઇ લેવાશે : કોરોનાની બીજી લહેર અંગે ડીસેમ્બરના પ્રથમ વીકમાં જાણી શકાશે : કલેકટરની 'અકિલા' સાથે વાતચીત

રાજકોટ, તા.ર૦ : જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે સવારે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ શહેર-જીલ્લામાં કોરોના અંગે એવી કોઇ સ્થિતિ ગંભીર નથી, સ્થિતિ કાબુમાં જ છે અને વિસ્તારવાઇઝ દરેક પ્રાંત મામલતદાર તથા પોલીસની ટીમો દ્વારા રિવ્યુ લેવાઇ રહ્યા છે. સોશ્યલ ડીસ્ટન્સ-માસ્ક અંગે આજથી જ ખાસ ચેકીંગ શરૂ કરી દેવાયું છે.

હોસ્પિટલો અંગે આજે ફરી તેમણે કહ્યું હતું કે, એક પણ ખાનગી હોસ્પિટલને બંધ નહીં થવા દેવાય, જે કોવિડ-૧૯ હોસ્પિટલ છે, ત્યાં દર્દી જશે તો તે હોસ્પિટલે દર્દીને લેવા જ પડશે, કોઇ ના નહિ પાડી શકે. તેમણે જણાવેલ કે જે પ મૂળ હોસ્પિટલને પ૦ ટકા બેડ સંદર્ભે બંધની મંજુરી અપાયેલ તે હોસ્પિટલને પણ કહી દેવાયું છે, કે આ તમામ પાંચેય હોસ્પિટલ જરૂર પડયે તંત્ર લઇ લેશે, તે અંગે ચેકીંગ કરવા ટીમોને સૂચના આપી છે.

કોરોનાની આ બીજી લહેર-તબક્કો ગણી શકાય કે કેમ તે અંગે કલેકટરે જણાવેલ કે ના એવું નથી, આ કહેવુ વહેલુ છે, લોકો તહેવારોમાં બહાર નીકળ્યા, ટોળા થયા, તેના કારણે કેસોમાં વધારો થયો છે, કોરાનાની બીજી લહેર-તબક્કો આવ્યો છે કે કેમ તે અંગે ડીસેમ્બરના પહેલા વીકમાં જાણી શકાશે, હાલ તો તમામ સરકારી-ખાનગી હોસ્પિટલોના ડોકટરો-નર્સને એલર્ટ રહેવા, રજા નહિ લેવા સૂચના અપાઇ ગઇ છે.

(3:05 pm IST)