Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

''દિવ્યાંગ લગ્ન સહાય યોજના'' અંતર્ગત ૬૯ દિવ્યાંગ યુગલોને રૂ.૩૩.૩૦ લાખની સહાય ચુકવાઈ

દિવ્યાંગ બાંધવોના જીવનમાં પ્રકાશ પુંજ બનતી રાજય સરકારની વિવિધ યોજનાઓ

રાજકોટઃ કલ્યાણ રાજયના આદર્શોને વરેલી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળની રાજય સરકાર દિવ્યાંગ બાંધવોને દરેક તબક્કે અને સ્તરે આર્થિક-સામાજિક રીતે મદદરૂપ થવા તેમજ તેમના સર્વાંગી વિકાસ સાધવા માટે અસરકારક અમલીકરણ કરી રહી છે.

વિકલાંગ વ્યકિતઓ સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે અને ઉચ્ચપદ પ્રાપ્ત કરી શકે તે માટે શિક્ષણ, રોજગાર અને સાધનિક સહાય સહિતની અનેકવિધ યોજનાઓ અમલી છે. આ સર્વેથી પર ઉઠીને સમાજ જીવનમાં પણ તેઓને મદદરૂપ થવા માટે રાજય સરકાર દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલી બનાવાઇ છે. જે અન્વયે દિવ્યાંગ યુગલો લગ્નગ્રંથિથી જોડાઈ શકે અને તેમાં થતાં ખર્ચને પહોંચી વળે તે માટે રાજય સરકાર દ્વારા રૂપિયા ૧ લાખની આર્થિક સહાય આપવામાં આવે છે.આ યોજના અંગે વાત કરતાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અન્વયે રાજયમાં વસતા વિકલાંગ વ્યકિતઓને લગ્ન સંદર્ભમાં આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં વિકલાંગ વ્યકિત અન્ય વિકલાંગ વ્યકિત સાથે લગ્ન જીવન શરૂ કરે તો તેને રૂપિયા ૧ લાખની સહાય આપવામાં આવે છે. જયારે વિકલાંગ વ્યકિત સામાન્ય વ્યકિત સાથે લગ્ન જીવન શરૂ કરે તો તેને રૂપિયા ૫૦,૦૦૦ની સહાય ચુકવવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન કુલ ૬૯ દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા ૩૩,૩૦,૦૦૦ની સહાય ચુકવવામાં આવી છે. જયારે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૨૩ લાભાર્થીઓને રૂપિયા ૧૧,૫૦,૦૦૦ની સહાય ચુકવવામાં આવી છે.

આ યોજનાનો લાભ તમામ જ્ઞાતિના ભાઈ-બહેનોને મળવાપાત્ર છે. જેમાં પુરાવા તરીકે વિકલાંગ ઓળખકાર્ડ અથવા સિવિલ સર્જન દ્વારા અપાયેલ વિકલાંગતાના દાખલાની પ્રમાણિત નકલ, રેશન કાર્ડની નકલ, લગ્ન કંકોત્રી, બંનેના સંયુકત ફોટા અને લગ્ન રજિસ્ટ્રારની કચેરીમાં નોંધાયેલ નોંધણી પ્રમાણપત્રની નકલ રજુ કરવાના રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે લગ્ન કર્યાના બે વર્ષના સમયગાળામાં જ આ લાભ મેળવી શકાશે. આ યોજના અંગે વધુ માહિતી-માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

(3:21 pm IST)