Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સિગ્નલો જ સમસ્યાનું મૂળ

આડેધડ ફટકારાતા ઇ-મેમોથી વાહનચાલકો ત્રાહીમામ

અનેક જગ્યાએ સિગ્નલો બંધ હોય ત્યારે જામ નથી થતો... સરળતાથી વાહનો ચાલતા રહે છેઃ પણ ટ્રાફિક સિગ્નલો ચાલુ ત્યાં જ સર્જાય છે જામ : ઘર કરી ગયેલી સમસ્યાનું નિવારણ થાય તે વાહનચાલકોના હિતમાં : લાલ લાઇટ ચાલુ હોય છતાં વાહન ચાલકને જવા દેવાની અને પાછળથી ઘરે : 'મેમો રૂપી 'ચાંદલો મોકલવાની ખુબ ફરિયાદો : અનેક એવા ચાર રસ્તા છે જ્યાંથી બેફામ ઇ-મેમો જનરેટ થાય છેઃ અજાણતા જ નાના માણસોને આપવામાં આવે છે દંડનો મોટો ડામ : ટ્રાફિક સિગ્નલો પર રોજ સર્જાય છે આવા દ્રશ્યો

રાજકોટઃ શહેરમાં અગાઉ શહેર પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક પોલીસ મુખ્ય માર્ગોના ચાર રસ્તા કે બીજા મહત્વના પોઇન્ટ પર વાહન ચાલકોને અટકાવી ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો આપી દંડ વસુલ કરતી હતી. પરંતુ જ્યારથી આઇ-વે પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ થઇ છે ત્યારથી વાહન ચાલકોને સતત દંડનો ડામ સહન કરવો પડી રહ્યો છે. સીસીટીવી કેમેરા ગુનાખોરી અટકાવવા સહિતના કામોમાં ઉપયોગી બનાવવાને બદલે માત્ર દંડ વસુલવામાં જ ઉપયોગી બની રહ્યા હોય એ રીતે કરોડોનો દંડ નાના-મોટા વાહનચાલકો પાસેથી અત્યાર સુધીમાં આ રીતે વસુલી લેવાયો છે. અધુરામાં પુરૂ શહેરના અનેક એવા ચાર માર્ગના પોઇન્ટ છે જ્યાંના ટ્રાફિક સિગ્નલો સમસ્યાનું નિરાકરણ કરવાને બદલે ઉલ્ટાનું ટ્રાફિક જામનું કામ કરી રહ્યાનું મુશ્કેલી અનુભવી રહેલા વાહનચાલકો કહી રહ્યા છે. અમુક જગ્યાએ તો લાલ લાઇટ ચાલુ હોય ત્યાં જ પોઇન્ટ પરના વોર્ડન કે બીજા કર્મચારી વાહન ચાલકોને જવાની સંજ્ઞા બતાવી દે છે અને એ કારણે આવા વાહનચાલકોને ઓટો જનરેટ થતાં સીસીટીવી કેમેરાથી સીધો મેમો મળી જાય છે. આ કારણે વાહનચાલકોમાં ભારે ઉહાપોહ પ્રવર્તી રહ્યો છે.

અનેક એવા પોઇન્ટ છે જ્યાં કેટલાક સમયથી ઓટોમેટિક ફોટો જનરેટ થઇ જાય છે અને નિયમનો ભંગ કરનાર વાહન ચાલકનો ફોટો પડી જાય છે અને તેના ઘરે ઇ-મેમો પહોંચી જાય છે. સોશિયલ મિડીયામાં ઘણા સમયથી વાયરલ થયેલા એક મેસે જ મુજબ કેકેવી ચોક, નાણાવટી ચોક, નાના મવા સર્કલ, જ્યુબીલી બાગ, ત્રિકોણ બાગ, જામટાવર આ તમામ પોઇન્ટ એવા છે જ્યાં સિગ્નલની લાલ લાઇટ ચાલુ હોય અને તમે જો તમારા વાહનનું વ્હીલ ઝીબ્રા ક્રોસિંગ પર રાખ્યું હોય તો તો ઓટોમેટિક સિગ્નલ તોડવા સબબ ફોટો પડી જાય છે અને મેમો મળી જાય છે. આ રીતે દંડના ડામથી અનેક વાહન ચાલકો રોજબરોજ દાઝી રહ્યા છે. ઘણી વખત તો આવા પોઇન્ટ પર ફોટા પડતાં હોવાનું વાહન ચાલકો જાણતા પણ હોતા નથી. પોતે ઝીબ્રા ક્રોસિંગ પર પહોંચવા આવ્યા હોય ત્યાં જ સાઇડ બંધ થઇ જાય તો વાહન ઉભુ રાખતા-રાખતા ઝીબ્રા ક્રોસીંગની ઉપર વ્હીલ રહી જાય છે. તો આવા વાહનનો પણ ફોટો પડી જાય છે અને મેમો મળી જાય છે.

તો બીજી તરફ આવા પોઇન્ટ પર ભુલથી વાહન ઉભુ રાખનારને ફરજ પરના વોર્ડન કે બીજા કર્મચારી જાણ પણ કરતાં નથી કે વાહન ઝીબ્રા ક્રોસીંગ પર રાખવાથી મેમો આવશે. જાણે સિગ્નલોનો ઉપયોગ દંડ વસુલવા માટે જ હોય તેવું થઇ રહ્યાનો વસવસો અનેક વાહન ચાલકો વ્યકત કરી રહ્યા છે. અનેક ચાર રસ્તાઓ એવા પણ છે કે જ્યાં સિગ્નલોથી સાઇડ આપવાનું ચાલુ ન હોય ત્યારે આપમેળે વાહનવ્યવહાર જરાપણ જામ વગર સરળતાથી યથાવત રહે છે. પરંતુ જ્યાં સિગ્નલો ચાલુ કરવામાં આવે છે ત્યાં જ ટ્રાફિક જામ સર્જાય જાય છે અને વાહનોની લાંબી લાંબી કતારો ચારેય તરફના રસ્તા પર જામી જાય છે. સાઇડ ખોલવાનો સમય સાંઇઠ સેકન્ડ જેટલો જ હોય અમુક વખત તો પાછળ ઉભેલા વાહન ચાલકને બે વખત સાઇડ ખુલે પછી ત્યાંથી નીકળવાનો માર્ગ મળે છે. નાના મવા સર્કલ, કેકેવી ચોક, માધાપર ચોકડી સહિતના આવા પોઇન્ટ પર આ સમસ્યા કાયમી બની ગઇ છે. માધાપર ચોકડીએ સાઇડ આપવાનું ચાલુ ન હોય ત્યારે જે જામ નથી થતો એટલો જામ સાઇડ આપતી વખતે થતો હોવાનું રોજબરોજ અહિથી પસાર થનારા વાહન ચાલકોનું કહેવું છે. વાહન ચાલકો, શહેરીજનો માટે દુવિધા ઉભી ન થાય તે માટેની સિગ્નલો અને સીસીટીવી કેમેરાની સુવિધા જાણે દંડનો ડામ આપવા માટેની હોય તેવી પ્રતિતી રોજબરોજ ઇ-મેમોથી દંડ મેળવનારા વાહનચાલકોને થઇ રહી છે. આ સમસ્યાનું સમાધાન સંબંધીતો ઝડપથી કરે તે અત્યંત જરૂરી હોવાની વાહનચાલકોની લાગણી અને માંગણી છે.

(3:16 pm IST)