Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ચાલુ ટર્મમાં બીજા કોર્પોરેટરનું અવસાનઃ બોર્ડ ફરી ખંડિત

કોંગ્રેસનાં હારૂનભાઇ ડાકોરાની વિદાયથી ગમગીનીઃ ૨૦૧૭માં વોર્ડ નં.૪ કોંગ્રેસના પ્રભાતભાઇ ડાંગરનું ટુંકી બિમારીથી અવસાન થયુ હતુ : મ્યુ.કોર્પોરેશનનાં ઇતિહાસમાં અત્યાર સુધીમાં ૧૩ નગર સેવકોના અવસાન થયાઃ ૮ ચૂંટાયેલા પ્રતિનિધીઓએ રાજીનામાં આપ્યાઃ એક કોર્પોરેટર ગેરલાયક ઠર્યા

રાજકોટ, તા. રર : મહાનગરપાલિકાની ચાલુ ટર્મમમાં કોર્પોરટરના અવસાનથી જનરલ બોર્ડ બીજી વખત ખંડીત થયું છે. કેમકે ગઇકાલે વોર્ડ નં. ૧૬ના કોંગ્રેસના કોર્પોરેટર હારૂનભાઇ ડાકોરાનું કોરોનાં સંક્રમણથી મોત નિપજયું હતું. અગાઉ ર૦૧૭માં વોર્ડ નં.૪ના કોંગ્રેસના કોર્પોરેટર પ્રભાતભાઇ ડાંગરનું ટુંકી બિમારીથી મૃત્યુ નિપજયું હતું.

વોર્ડ નં. ૧૬ના કોંગ્રેસના કોર્પોરેટર અને સમગ્ર વિસ્તારમાં સેવાભાવી કાર્યકર તરીકે નામના ધરાવતાં હારૂનભાઇ ડાકોરાને એક સપ્તાહ અગાઉ કોરોના પોઝિટીવ આવતા તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ. જયાં તેઓએ ગઇ સાંજે ૪-૩૦ વાગ્યે આ ફાની દુનિયા ઘોડી અને ચિરવિદાય લેતો શહેર કોંગ્રેસ તથા સાથી કોર્પોરેટરોમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.

પ૭ વર્ષની ઉંમરે પણ હારૂનભાઇ તેઓનાં વિસ્તારમાં ખુબ સક્રિયા હતા. લોકડાઉન દરમિયાન અનેક લોકોને મદદરૂપ થયા હતાં અને જીવનનાં છેલ્લા શ્વાસ સુધી તેઓએ સતત લોકો વચ્ચે રહી અને સેવારત રહ્યા હતાં. જનરલ બોર્ડમાં પણ હારૂનભાઇ લોકોનાં પ્રશ્નો ઉઠાવી અને તંત્રનો કાન આમળતા હતાં.

આવા સેવાભાવી અને સક્રિય કોર્પોરેટરનાં એકાએક અવસાનથી સાથી કોર્પોરેટરોમાં ઉંડા દુઃખની લાગણી છવાઇ છે. સાથોસાથ બોર્ડ ખંડીત થતાં ગમગીની છવાઇ છે.

નોંધનીય છે કે આ ચાલુ ટર્મમાં બીજા કોર્પોરેટરનું અવસાન થયું છે. અગાઉ ર૦૧૭માં વોર્ડ નં. ૪ ના કોંગ્રેસનાં જ કોર્પોરેટર પ્રભાતભાઇ ડાંગરનું ટુંકી બિમારીથી અવસાન થયું હતું. અને તેઓના અવસાનથી ખાલી પડેલી બેઠક માટે પેટા ચુંટણી યોજાઇ હતી.

જયારે હવે વોર્ડ નં.૧૬ની બેઠક પણ ગઇકાલે કોંગ્રેસના કોર્પરેટરનાં દુઃખદ અવસાનથી ખાલી થઇ છે. પરંતુ હવે અહીં પેટા ચૂંટણી યોજાવાની શકયતા નહીવત છે. કેમકે હવે ચાલુ ટર્મ પુરી થવામાં માત્ર ૧ાા થી ર મહિના જ બાકી છે.

કોર્પોરેશનના ઈતિહાસમાં ચાલુ ટર્મે ૧૩ કોર્પોરેટર અવસાન થયા

અત્રે એ નોંધનીય છે કે મ્યુ. કોર્પોરેશન  અસત્વિમાં આવ્યું ત્યારથી આજ સુધીમાં ચાલુ ટર્મે ૧૩ જેટલાં કોર્પોરટરોમાં અવસાન થયા છે.

મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર નોંધ મુજબ ૧૯૭૭માં ભાજપનાં સ્વ. કાનજીભાઇ પરમાર, ૧૯૮૩માં ભાજપનાં અગ્રિમ હરોળનાં નેતા સ્વ. અરવિંદભાઇ મણિયાર, ૧૯૮૮માં કોંગ્રેસના મનસુખભાઇ ઉંઘાડ, ૧૯૯૩માં કોંગ્રેસનાં સ્વ. ફકીરભાઇ જરીયા, ૧૯૯પમાં ભાજપના સ્વ. હરિભાઇ ધવા, ૧૯૯૭માં ભાજપના સ્વ. કિશોર ભાઇ રાઠોડ (કે.ડી.) ૧૯૯૮માં ભાજપના સ્વ. નિર્મળાબેન પનારા ર૦૦૩માં કોંગ્રેસના સ્વ. અશોક કાકડિયા, ર૦૦૪માં ભાજપનાં લડાયક મહિલા અગ્રણી સ્વ. પુષ્પાબેન પંડયા, ર૦૧૦માં ભાજપના સ્વ. અમિત ભોરણિયા, ર૦૧પમાં ભાજપનાં સ્વ. કૈલાશબેન રામાણી  ર૦૧૭માં કોંગ્રેસનાં કોર્પોરેટર સ્. પ્રભાતભાઇ ડાંગર અને ર૦ર૦માં ગઇકાલે કોંગ્રેસનાં હારૂનભાઇ ડાકોરા ચાલુ ટર્મમાં અવસાન પામ્યા છે.

આમ અત્યાર સુધીમાં ઉપરોકત ૧૩ કોર્પોરેટરો ચાલુ ટર્મ દરમિયાન અવસાન પામ્યા છે.

૮ કોર્પોરેટરોએ ચાલુ ટર્મમાં રાજીનામા આપ્યા

મ્યુ. કોર્પોરેશનના ઇતિહાસમાં આજ સુધીમાં ચાલુ ટર્મ દરમિયાન ૮ કોર્પોરેટરો એ રાજીનામા આપ્યાનું નોંધાયું છે.

જેમાં ૧૯૮૧માં ભાજપના મગનભાઇ સોનપાલ, મોહનભાઇ ભંડેરી તથા ડાયાભાઇ સોલંકી એમ ત્રણ કોર્પોરેટરોએ એકી સાથે કોર્પોેરેટર પદ છોડ્યું હતું.

જયારે ૧૯૯રમાં ભાજપનાં સ્વ. પુષ્પાબેન પંડયાએ રાજીનામું આપતા બેઠક ખાલી થઇ હતી. ર૦૧૩માં ભાજપનાં સંજય ધવા, ર૦૧પમાં નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ મહંતશ્રી આપાગીગાનો ઓટલો) ત્થા ર૦૧પમાં જ ભાજપનાં રાજેન્દ્રસિંહ ઝાલા અને ર૦૧૮માં કોંગ્રેસનાં નિતિનભાઇ રામાણીએ રાજીનામું દઇ. ભાજપમાંથી ચૂંટણી લડી ફરી ચૂંટાઇ આવ્યા છે.

એક કોર્પોરેટર ગેરલાયક ઠર્યા છે

ચાલુ ટર્મમાં કોર્પોરેટર ગેરલાયક ઠેરવાયા હોય તેવો એક માત્ર કિસ્સો આ વખતની ટર્મમાં નોંધાયો છે.

વોર્ડ નં. ૧૮નાં કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજા સતત ત્રણ બોર્ડમાં ગેરહાજર રહ્યા હોઇ નિયમ મુજબ તેઓને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

(3:03 pm IST)