Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સિવિલ કોવિડમાં સિનિયર તબિબોના માર્ગદર્શનમાં સારવારની એબીસીડી શીખતા મેડિકલના વિદ્યાર્થીઓ

કોરોના વોર્ડમાં પ્રેકિટકલી તાલિમ લઇ અનેક છાત્રોએ મેળવ્યું અનુભવનું ભાથું

રાજકોટ,તા. ૨૨: કોવીડ હોસ્પિટલમાં સિનિયર ડોકટર્સ સાથોસાથ ખભેખભો મિલાવી મેડિકલના વિદ્યાર્થીઓ પણ કોરોનાના દર્દીઓની સારવારમાં મદદરૂપ થઈ રહ્યા છે.  કોરોનાના દર્દીઓ પાસે જતા ભલભલાના હાજા ગગડી જાય ત્યારે આ વિદ્યાર્થીઓ સિવિલમા નિર્ભીક બની દર્દીઓની સારવાર સાથોસાથ આત્મીય બની તેમને માનસિક સધિયારો આપવાનું પણ તેઓ બખૂબી નિભાવે રહ્યા છે.

એમ.બી.બી.એસ. ના ફાઈનલ યરની વિદ્યાર્થીની પંકિત શાહ કહે છે કે, દર્દીઓની જેટલા પ્રેમથી સારવાર કરીએ તેટલી ઝડપથી તેમની રિકવરી થાય છે તેમ મેં અનુભવ્યું છે. અમે દર્દીઓ સાથે તેમના પરિવાજન જેમ વર્તાવ કરતા તેઓને ખુબ ગમતું. ઇન્ટર્ન તરીકે ઘણી જવાબદારી અમને સોંપવામાં આવી હતી. જે તાલીમ અમને અહીં આપવામાં આવી છે તે અભ્યાસથી વિશેષ છે. આ અનુભવ અમારા માટે ડોકટર તરીકેની કારકિર્દીનો મજબૂત પાયો બની રહેશે.

રિશીતા ઝીંઝુવાડિયા દર્દીઓની સારવારમાં ઓતપ્રત થઈ જતા કહે છે કે અમે ડ્યુટી દરમ્યાન ઘરે પણ નથી જતા. ઘરના લોકો સાથે માત્ર ફોનથી વાત કરી લઇએ છીએ. ખાસ કરીને સિનિયર ડોકટર્સની ટીમ સાથે આઈ.સી.યુ. માં પ્રેકિટકલ ટ્રેનિંગની એ.બી .સી.ડી. અમને થોડા જ સમયમાં શીખવા મળી છે.

અન્ય વિદ્યાર્થીની ઈશા મીંજરોલા પણ પી.ડી.યુ મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે, તેઓ જણાવે છે કે જયારે કોરોના વોર્ડમાં ડોકટરના સહાયક તરીકે અમને ફરજ સોંપવામાં આવી ત્યારે ખુબ ડર  લાગ્યો  હતો.

પરંતુ જયારે દર્દીઓની સારવારમાં મોટા પ્રમાણમાં સ્ટાફની જરૂર જણાતા એક ડોકટરનું કર્તવ્ય અમે સમજી સારવારમાં જોડાયા, હવે અમારો ડર બિલકુલ નીકળી ગયો છે. ઇન્ટર્નશિપ પહેલા જ અમે ક્રિટિકલ પેશન્ટની સારવારનો અનુભવ મેળવી ચુકયા છીએ.

કોવીડ હોસ્પિટલમાં ડોકટર, ઈન્ટર્ન્સ અને નર્સિંગ સ્ટાફ એક ટીમ તરીકે કામ કરી દર્દીઓને કોઈપણ ભોગે કોરોના સામે વિજયી બનાવવાની વિભાવના સાથે સખ્ત મહેનત કરી રહ્યાનું વિદ્યાર્થીઓ જણાવે છે.

(4:04 pm IST)