Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

નોકરી અપાવવાના બહાને લૂંટ કરતાં ત્રણ વોર્ડન ઝડપાયા

હરિયાણા-યુપીના બે મિત્રને ફેસબૂક ફ્રેન્ડ બનાવી રાજકોટમાં નોકરી અપાવી દેવાની લાલચ દઇ લૂંટી લીધાની તપાસમાં ભાંડો ફુટ્યો : સુત્રધાર માધવ ઉર્ફ સતિષ જળુએ વોર્ડન નહોતો ત્યારે સસ્તામાં પિસ્તોલ-રિવોલ્વર અપાવી દેવાની લાલચ આપી ફોટો મોકલી ખરીદારને રાજકોટ બોલાવી : પાંચ લોકોના રૂપિયા ખાઇ ગયો'તોઃ નોકરીની લાલચે લૂંટમાં તેની સાથે ભોૈતિક ચાવડા અને વિશાલ ચાવડા પણ જોડાયાઃ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલ્યો : એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે.ગઢવીની રાહબરીમાં નગીનભાઇ ડાંગર, મયુરભાઇ પટેલ અને કુલદિપસિંહની બાતમી પરથી પીએસઆઇ પી. એમ. ધાખડા અને ટીમની કાર્યવાહી

તસ્વીરમાં ઝડપાયેલા ત્રણેય ટ્રાફિક વોર્ડન, તેની પાસેથી કબ્જે કરાયેલા પિસ્તોલ જેવા દેખાતા ત્રણ લાઇટર, ત્રણ બાઇક, ધોકો-પાઇપ સહિતનો મુદ્દામાલ જોઇ શકાય છે. તેમજ વિગતો આપી રહેલા એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમ જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૨: અમુક ટ્રાફિક વોર્ડન અગાઉ અનેક વખત કોઇને કોઇ કારણોસર ચર્ચાના ચગડોળે ચડી ચુકયા છે. તોડ સહિતની બાબતોમાં પણ અમુક વોર્ડનના નામ ખુલી ચુકયા છે. ત્યાં હવે ત્રણ ટ્રાફિક વોર્ડન ટોળકી રચી લૂંટ ચલાવતાં હોવાનું ખુલતાં ત્રણેયને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા છે. આ ત્રણ પૈકી એક મુખ્ય સુત્રધાર જ્યારે વોર્ડન નહોતો ત્યારે સસ્તા ભાવે પિસ્તોલ, રિવોલ્વર જેવા હથીયારો વેંચવાના બહાને રાજસ્થાનના લોકોને રાજકોટ બોલાવી લૂંટી લીધા હતાં. આવા પાંચ ગુના તેણે આચર્યા હતાં. બે દિવસ પહેલા હરિયાણા અને યુપીના બે યુવાનને રાજકોટમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી રાજકોટ બોલાવી ગવરીદળ પાસે લઇ જઇ માર મારી રોકડ, ટેબ્લેટ લૂંટી લીધા હતાં. કુવાડવા પોલીસમાં નોંધાયેલા આ ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે.

ક્રાઇમ બ્રાંચે ટ્રાફિક શાખામાં ટીઆરબી (ટ્રાફિક વોર્ડન) તરીકે ફરજ બજાવતાં માધવ ઉર્ફ સતિષ વિક્રમભાઇ જળુ (ઉ.વ.૨૧-રહે. પરા પીપળીયા, કે. કે. પાન સામે, મુળ લાપાસરી રાજકોટ), ભોૈતિક ભીખાભાઇ ચાવડા (ઉ.વ.૨૧-રહે. રૈયાધાર મફતીયાપરા, ચાર માળીયા કવાર્ટર, મુળ ગામ દેરડી કુંભાજી તા. ગોંડલ) તથા વિશાલ માણસુરભાઇ ચાવડા (ઉ.વ.૨૦-રહે. પરા પીપળીયા, રામાપીર મંદિર પાસે)ને પકડી લઇ તેની પાસેથી ત્રણ સ્પ્લેન્ડર બાઇક, ત્રણ મોબાઇલ ફોન, એક ટેબ્લેટ, લાઇટર પિસ્તોલ-૦૩, મોબાઇલની પાવર બેંક-૦૧, લાકડી-૧ તથા પ્લાસ્ટીકનો પાઇપ-૦૧ કબ્જે કર્યા છે.

આ ત્રણેયે હરિયાણાના ફરીદાબાદ જીલ્લાના આદર્શનગર વલ્લભગઢ ગલી નંબર ૧૪ હરિ મંદિરની સામે રહેતાં અને હાલ બેકાર કુલદિપ ખેચરભાઇ રાવત રાજપૂત (ઉ.વ.૨૬)ને ફેસબૂક મારફત વાતચીત કરી રાજકોટમાં પંદર હજારના પગારની નોકરી અપાવી દેવાની લાલચ આપતાં કુલદિપ તેના યુપી રહેતાં મિત્ર રાજેન્દ્ર ઉર્ફ રાજેન સાથે નોકરી માટે ૧૯/૧૦ના રાજકોટ આવ્યો હતો અને ફેસબૂક ફ્રેન્ડ બનેલા માધવ ઉર્ફ સતિષનો કોન્ટેકટ કરી માધાપર ચોકડીએ બંને આવ્યા હતાં. અહિથી આ બંનેને બાઇકમાં બેસાડી નોકરીનું સ્થળ દેખાડવાના બહાને ગવરીદળની સીમમાં લઇ જઇ પ્લાસ્ટીકના પાઇપથી માર મારી રોકડ, ટેબ્લેટ મળી ૧૧ હજારની મત્તા લૂંટી લીધી હતી. આ અંગે કુવાડવા રોડ પોલીસમાં આઇપીસી ૩૯૪, ૩૨૩, ૩૪, ૧૨૦ (બી), ૪૨૭, ૧૩૫ મુજબ ગુનો નોધાયો હતો.

આ લૂંટમાં ટ્રાફિક વોર્ડનની સંડોવણી હોવાની બાતમી ડીસબીના નગીનભાઇ ડાંગર, મયુરભાઇ પટેલ, કુલદિપસિંહ જાડેજાને મળતાં તેના આધારે ત્રણેય વોર્ડનને આજે પકડી લઇ પુછતાછ કરવામાં આવતાં લૂંટ કબુલી હતી. માધવ ઉર્ફ સતિષ જળુ અને વિશાલ આઠેક મહિનાથી વોર્ડન તરીકે કામ કરે છે. જ્યારે ભોૈતિક બે વર્ષથી વોર્ડન છે. માધવ ઉર્ફ સતિષ વોર્ડન નહોતો એ પહેલા પણ તેણે પાંચ લૂંટ કરી હોવાનું ખુલ્યું છે.

સતિષે એકાદ વર્ષ પહેલા પોતાની પાસે રહેલા પિસ્તોલ-રિવોલ્વર ટાઇપ લાઇટરના ફોટા અલગ-અલગ રાજસ્થાની યુવાનોને મોકલી આ હથીયારો સસ્તામાં આપવાના છે તેવી લાલચ આપી હતી અને પાંચ લોકોને રાજકોટ બોલાવી લૂંટી લીધા હતાં. તેણે આપેલી કબુલાતની વિગતો આ મુજબ છે.

એક વર્ષ પહેલા રાજસ્થાની યુવાનને હથીયાર ખરીદવા માધાપર ચોકડીએ બોલાવી ત્યાંથી આણંદપરની સીમમાં લઇ જઇ રૂ. ૧૫૦૦૦ લઇ લીધા હતાં અને હથીયાર લઇને આવું છું કહી પૈસા લઇ ભાગી ગયો હતો.

એ પછી રાજસ્થાનના બે યુવાનને માધાપર ચોકડીએ બોલાવી આજીડેમ-૨ પાસે લઇ જઇ રૂ. ૮૦૦૦ મેળવી હમણા આવું કહી ભાગી ગયો હતો. આ ઉપરાંત હરિયાણાના બે વ્યકિતને માધાપર ચોકડીએ બોલાવી આણંદપરની વીડીમાં લઇ જઇ ૧૦ હજાર મેળવી હથીયાર લઇને આવે છે...તેમ કહી ભાગી ગયો હતો. તેમજ રાજસ્થાનના એક યુવાનને માધાપર ચોકડીએ બોલાવી આણંદપર લઇ જઇ ૧૦ હજાર તથા રાજસ્થાનના બે વ્યકિતતે આજથી દસેક મહિના પહેલા માધાપર ચોકડીએ બોલાવી વીડીમાં લઇ જઇ ૮ હજાર લઇ ભાગી ગયો હતો. આ બધા ગુના તે વોર્ડન નહોતો ત્યારે આચર્યા હતાં.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલ, પીઆઇ એમ. સી. વાળાની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમના મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર, કુલદીપસ્િંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા સહિતે કરી હતી. પકડાયેલા ત્રણેય વોર્ડન પાસેથી વિશેષ વિગતો ઓકાવવા વધુ તપાસ કુવાડવા રોડ પોલીસ કરશે.

(4:07 pm IST)