Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કર્ફયુનો કડક અમલ કરાવાશે: લોકોનો સહકાર ખુબ જરૂરીઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ તા. ૨૧: કોરોના મહામારીના કેસ દિવાળી-નવા વર્ષના તહેવાર પછી ફરીથી વધી જતાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફયુ અમલી બનાવવામાં આવ્યો છે. આજ રાતથી રાજકોટ શહેરમાં કર્ફયુનો કડકમાં કડક અમલ કરાવવા માટે પોલીસ મેદાને ઉતરી જશે. આ વખતે બીજા તબક્કામાં કોરોના વધુ આકરો બન્યો હોઇ પોલીસ પણ વધુ આકરી બનશે. લોકો નિયમનું કડક પાલન કરી સહકાર આપે તે ખુબ જ જરૂરી બની રહેશે. બહાનાબાજી કરી કાયદાનો ભંગ કરનારા સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. તેમ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

લોકડાઉન અને અનલોક ૧ થી ૫નો અમલ કરાવવામાં રાજકોટ શહેર પોલીસ અવ્વલ રહી હતી. લાખોની સંખ્યામાં માસ્ક અને જાહેરમાં થુંકનારાઓને પકડી પાડી કરોડોનો દંડ વસુલ કર્યો હતો. પોલીસે વખતો વખત લોકોને જાહેરનામા અંગે જાગૃત કરી તેમજ નિયમોનું પાલન કરવા ચેતવ્યા છે. આમ છતાં અમુક લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, જાહેરમાં થુંકવું નહિ એ સહિતના નિયમોનો ભંગ કરતાં દંડ ભરવો પડ્યો છે અને કેસ દાખલ થાય તો જામીન લેવા પડ્યા છે.

પાંચ દિવસના તહેવારમાં લોકોએ કોરોનાને ભુલી જઇ બેફીકર બનીને ખુબ મોજમજા કરી લીધી હતી. એ કારણે કોરોનાને પોતાનો વિસ્તાર વધુ ફેલાવવામાં છુટ મળી ગઇ હતી. ધડાધડ પોઝિટિવ કેસો વધવા માંડતાં તંત્રોમાં દોડધામ થઇ ગઇ હતી. કોરના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફયુ લાદવાનો સરકારે નિર્ણય કરવો પડ્યો છે.

રાજકોટ શહેરમાં પણ ગઇકાલે પોલીસ અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ અને કોવિડ-૧૯ના અધિકારીઓની ખાસ બેઠક યોજાઇ હતી અને અનલોક-૬નું કડક પાલન કરાવવા ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન આજ રાતના ૯થી સવારના ૬ સુધી કર્ફયુ જાહેર થયો હોઇ પોલીસ કડકપણે તેનો અમલ કરાવવા કટીબધ્ધ બન્યાનું પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે જરાપણ બહાનાબાજી ચલાવી લેવામાં આવશે નહિ. લોકોના આરોગ્યની સુખાકારી માટે જ પોલીસ કામ કરવાની છે. આ માટે લોકોએ જાતે જ સમજીને કાયદાનું પાલન કરવું જરૂરી છે. અગાઉ જે રીતે રાજકોટવાસીઓએ સહકાર આપ્યો હતો એવો જ સહકાર આ વખતે પણ આપે અને દંડથી બચી પોતે તથા પરિવારજનો ઘરમાં સ્વસ્થ, સલામત રહે તે જરૂરી ગણાશે.

(4:25 pm IST)