Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

ચાર દિવસથી ગૂમ ભીલવાસના વસીમભાઇ શેખનો ભાદર નદીમાંથી મૃતદેહ મળ્યોઃ હત્યાની શંકા?

પેટમાં દુઃખે છે, દવા લેવા જાઉ છું...કહીને ૧૭મીએ ટુવ્હીલર લઇને નીકળ્યા'તાઃ વાહન ગૂમઃ મોઢે મુંગો દઇ હાથ વડે ગળાટૂંપો અપાયાનું ફોેરન્સિક નિષ્ણાંતનું પ્રાથમિક તારણઃ ચોક્કસ કારણ જાણવા વિસેરા લેવામાં આવ્યાઃ જેતપુર પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો

રાજકોટ તા. ૨૧: ભીલવાસમાં રહતો વસીમભાઇ રશીદભાઇ શેખ (ઉ.વ.૩૭) નામનો યુવાન ૧૭મીએ ગૂમ થયા બાદ તેની ગઇકાલે જેતપુર ભાદર નદીમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. તેનું ટુવ્હીલર ગૂમ છે. રાજકોટમાં મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ થતાં તબિબોએ એવું પ્રાથમિક તારણ કાઢ્યું છે કે વસીમભાઇનું મોત મોઢે મુંગો દેવાથી અને ગળા પર હાથવડે દબાણ આપવાથી થયું હોઇ શકે છે. જો કે ચોક્કસ કારણ જાણવા વિસેરા લઇ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલાયા છે.  બનાવ હત્યાનો છે કે કેમ? તે અંગે જેતપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

 

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ જેતપુરમાં ભાદરના નવા પુલ નીચે નદીમાંથી એક યુવાનની લાશ મળી આવતાં આ અંગેની જાણ જેતપુરના નાજાવાળા પરામાં રહેતાં સંજયભાઇ વિનુભાઇ ભેડાએ પોલીસને કરતાં પીએસઆઇ એન. વી. હરિયાણી, હેડકોન્સ. પી. પી. જાડેજા, કોન્સ. વિજયભાઇ દાફડા સહિતના સ્ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતદેહની ઓળખ મેળવવા પોલીસે વ્હોટ્સએપ ગ્રુપમાં તસ્વીરો પોસ્ટ કરી હતી.

 

એ દરમિયાન રાજકોટ ભીલવાસમાં રહેતાં વસીમભાઇ શેખ ગૂમ હોવાની તસ્વીરો પણ વ્હોટ્સએપ ગ્રુપમાં ફરતી થઇ હોઇ જેતપુર રહેતાં વસીમભાઇના એક સગાએ જેતપુર પોલીસે વહેલી કરેલી અજાણ્યા પુરૂષના મૃતદેહની તસ્વીર જોતાં એ તસ્વીર વસીમભાઇની હોવાનું જણાતાં રાજકોટ સગાને જાણ કરી હતી. જેતપુર પોલીસનો સગાએ સંપર્ક કરતાં પોલીસે મૃતદેહ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવી રહ્યાનું કહેતાં સગા હોસ્પિટલે પહોંચ્યા હતાં.

જેની લાશ મળી તે વસીમભાઇ રશીદભાઇ શેખ (ઉ.વ.૩૭) ભીલવાસમાં રહી ફાયર સેફટીના સાધનો રિપેર કરવાનું કામ કરતાં હતાં. તેઓ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી ૧૩ અને ૧૦ વર્ષની તથા ૬ વર્ષનો પુત્ર છે. પત્નિનું નામ યાસ્મીનબેન છે.

વધુ માહિતી મુજબ ૧૭મીએ વસીમભાઇ પોતાને પેટમાં દુઃખે છે તેમ કહી ટુવ્હીલર લઇ દવા લેવા જવાનું કહીને સવારે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ ગયા હતાં. શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પત્નિ યાસ્મીનબેને ૧૮મીએ પ્ર.નગર પોલીસમાં જઇ પોતાના પતિ ગૂમ થયાની નોંધ કરાવી હતી. પોલીસે શોધખોળ ચાલુ કરી હતી ત્યાં વસીમભાઇની નદીમાંથી લાશ મળી આવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મૃતકના સ્વજનોએ વસીમભાઇને કોઇ સાથે કોઇ માથાકુટ નહિ હોવાનું તેમજ તેમને કોઇ તકલીફ નહિ હોવાનું કહ્યું હતું. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમના પ્રાથમિક તારણ મુજબ વસીમભાઇનું મોત મોઢે મુંગો દેવાથી અને ગળા પર હાથ વડે ટૂંપો દેવાથી શ્વાસ રૃંધાવાથી થયાનું જણાયું છે. જો કે વિસેરા રિપોર્ટ બાદ સ્પષ્ટ કારણ સામે આવશે. બનાવ હત્યાનો છે કે કેમ? તે અંગે તપાસ થઇ રહી છે. બીજી તરફ વસીમભાઇનું વાહન પણ ગૂમ હોઇ પોલીસે તે અંગે તથા કોલ ડિટેઇલ અંગે તપાસ શરૂ કરી છે.

(10:19 am IST)