Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

મહમદ ઉર્ફ અબલીએ ફેસબૂક ફ્રેન્ડની પોસ્ટમાં ગાળ લખતાં વાત એસિડ એટેક સુધી પહોંચી!?

કોઇ એક બીજાને જોયે ઓળખતા નહોતાં...પ્લાન ઘડી રિક્ષા ભાડે કરી કાવત્રુ પાર પાડવામાં આવ્યું : દાઝેલા અબલીના ફેસબૂક ફ્રેન્ડ મુસ્લિમ શખ્સ, તેના મિત્ર અને એક સગીરની પુછતાછઃ આજીડેમ પોલીસ ભેદ ઉકલવાની અણી પર

રાજકોટ તા. ૨૪: શહેરના કોઠારીયા સોલવન્ટ રસુલપરા મસ્જીદની બાજુમાં રહેતાં રિક્ષાચાલક મહમદ ઉર્ફ અબલી ગુલમહમદ પલેજા (સંધી) (ઉ.વ.૧૯) અને તેની સાથેના મિત્ર અફઝલ યુસુફભાઇ પઠાણ (ઉ.વ.૨૨) પર ગઇકાલે આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગરથી ગોળાઇમાં તેની રિક્ષામાં ભાડેથી બેઠેલા ત્રણ શખ્સોએ એસિડ છાંટી દઝાડી દીધા હતાં. આ ઘટનામાં બંને મિત્રોએ પોતે સતત આરોપીઓથી અજાણ હોવાનું રટણ કર્યે રાખ્યું છે. પરંતુ આજીડેમ પોલીસને રહસ્ય ઉકેલવામાં સફળતા મળી રહી છે. સોશિયલ મિડીયા ફેસબૂકમાં મહમદ ઉર્ફ અબલીએ પોતાના ફેસબૂક ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ શખ્સની પોસ્ટ પર ન લખવાના શબ્દ લખી ટીખળ કરતાં કાવત્રું ઘડી તેના પર એસિડ એટેક કરવામાં આવ્યાની વિગતો ખુલી રહી છે. નવાઇની વાત એ છે કે ભોગ બનનાર અને એસિડ એટેક કરનારા એક બીજાને જોયે ઓળખતા નથી, માત્ર ફેસબૂક ફ્રેન્ડ છે. એસિડ છાંટનાર મુસ્લિમ યુવાન પોતાની પોસ્ટ પર ટીખળ થઇ હોઇ રોષે ભરાયો હતો અને મહમદ ઉર્ફ અબલી રિક્ષાના ભાડા કરતો હોવાની માહિતી મેળવી કાવત્રુ ઘડી તેની રિક્ષા ભાડે બાંધી હતી અને માંડા ડુંગર તરફ લઇ જઇ તેના પર એસિડ છાંટ્યું હતું. સાથેનો અફઝલ નિર્દોષ હતો, તેને ફેસબૂક પોસ્ટ વિશે કંઇ ખબર નહોતી. તે મિત્ર અબલીને બચાવવાના પ્રયાસમાં હાથના ભાગે દાઝી ગયો હતો.

આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર. બી. વાઘેલાએ સાંજે ઘટના બારામાં ભોગ બનેલા રસુલપરાના મહમદ ઉર્ફ અબલીની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા સામે આઇપીસી ૩૨૬ (બી), ૧૧૪ મુજબ જ્વલંતશીલ પદાર્થ છાંટી ઇજા કરવા અંગેનો ગુનો નોંધ્યો હતો. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ ગુનાનો ભેદ તાકીદે ઉકેલવા સુચના આપી જરૂરી માર્ગદર્શન આપતાં પીઆઇ વી. જે. ચાવડા અને ટીમના પીએસઆઇ ઝાલા, પીએસઆઇ વાઘેલા, મહેન્દ્રભાઇ, શૈલેષભાઇ, ભરતસિંહ, સ્મિતભાઇ, ધર્મેન્દ્રસિંહ, કુલદીપસિંહ સહિતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રિક્ષા ભાડે કરવામાં આવી અને ઘટના બની ત્યાં સુધીના રસ્તા પર પોલીસે તપાસ કરી રિક્ષામાં ગેસ પુરાવાયો હોઇ તે પંપેથી ફૂટેજ મેળવવા તજવીજ કરી હતી. તેમજ ભાડે રિક્ષા કરનારને ભોગ બનેલા મહમદ ઉર્ફ અબલીએ પોતાના ફોન નંબર આપ્યા હોઇ એ નંબર પર એસિડ એટેક કરનારે વાત પણ કરી હોઇ તેના આધારે તપાસ થતાં પગેરૂ એક મુસ્લિમ શખ્સ સુધી પહોંચ્યું હતું. તેમજ તેની સાથેના તેના મિત્ર તથા એક સગીરને શંકાને આધારે સકંજામાં લઇ પુછતાછનો દોર શરૂ કરાયો હતો. પોલીસ ભેદ ઉકેલવાની અણી પર પહોંચી ગયાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જેના પર એસિડ ફેંકાયુ એ મહમદ ઉર્ફ અબલી અને એસિડ ફેંકનાર મુસ્લિમ યુવાન બંને ફેસબૂક ફ્રેન્ડ છે. જો કે એક બીજાને જોયે ઓળખતા નથી. એસિડ ફેંકનારે ફેસબૂકમાં એક પોસ્ટ મુકી તેના પર અબલીએ ગંદી કોમેન્ડ કરતાં પોસ્ટ મુકનાર રોષે ફરાયો હતો અને અબલીને શોધીને પાઠ ભણાવવાનું નક્કી કર્યુ હતું. એ પછી બે મિત્રો સાથે મળીને અબલીની રિક્ષા ભાડે કરી તેને દૂર લઇ જઇ તેને નુકસાન પહોંચાડવાનો પ્લાન ઘડ્યો હતો અને ગઇકાલે મહદમ ઉર્ફ અબલી તેના મિત્ર અફઝલ પઠાણને રિક્ષા લેવી હોઇ તે જોવા જવા નીકળ્યા હતાં. ત્યાં ગોંડલ રોડ ચોકડીએ બે યુવાને રિક્ષા ઉઘી રખાવી આજીડેમ ચોકડીએ કેટરર્સની ત્રણ લેડિઝ બહેનનો લેવા જવી છે તેમ કહેતાં મહમદે રૂ. ૧૦૦ ભાડુ કહ્યું હતું. એ પછી આ બંને ભાડુ વધુ છે કહી ઉતરી ગયા હતાં. ત્યારે મહમદે હજુ મન ફરે તો ફોન કરજો...તેમ કહી પોતાના ફોન નંબર આપ્યા હોઇ મહમદ અને મિત્ર અફઝલ રિક્ષા લઇ હુડકો ચોકડીએ આવી જતાં જેને નંબર આપ્યો હતો તેનો ફોન આવ્યો હતો અને એ બંને તથા ત્રીજો એક શખ્સ હુડકો ચોકડીએ આવ્યા હતાં. અહિથી ત્રણેય રિક્ષામાં બેસી માંડા ડુંગર તરફ જવા નીકળ્યા હતાં. જ્યાં ગોળાઇમાં રિક્ષા ઉભી રખાવી હતી અને અચાનક થેલામાંથી એક શખ્સે બોટલ કાઢી છાંટતા જ મહમદ ઉર્ફ અબલી દાઝી ગયો હતો. બચાવવા વચ્ચે આવતાં અફઝલ પણ હાથના ભાગે દાઝયો હતો. બાદમાં બંને જીવ બચાવી ભાગ્યા હતાં અને એસિડ ફેંકનારા પણ ભાગી ગયા હતાં.

પોલીસને શકમંદો મળી ગયા હોઇ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદીની પણ વિશેષ પુછતાછ અને પકડાયેલાઓની ઓળખ પરેડ માટે તજવીજ થઇ રહી છે. પીએસઆઇ આર. બી. વાઘેલા અને સ્ટાફ વધુ તપાસ કરે છે.

(3:33 pm IST)